અખનાતન (ઈખ્નાતન) (શાસન ઈ. સ. પૂ. 1379–1362) : ઇજિપ્તનો એક રાજા. પ્રત્યક્ષ સૂર્ય સિવાય બીજો કોઈ ઈશ્વર નથી એમ તેણે જાહેર કરેલું, જેને કારણે તેને થીલીસના વડા ધર્મગુરુ અમૂન સાથે સંઘર્ષ થયેલો અને થીલીસ છોડવું પડેલું. પછી ઇજિપ્તમાં ગાદી સ્થાપી અને સમગ્ર ઇજિપ્તમાં સૂર્યદેવના ધર્મનો પ્રસાર કર્યો. ઈ. સ. પૂ. 1374માં તેણે તલ-ઐલ-અમરામાં નવી રાજધાની સ્થાપેલી. તેણે બંધાવેલાં મંદિરોમાં છત કે છાપરું ન હતાં. કેમ કે એકત્ર માનવસમુદાયને સૂર્યદેવના આશીર્વાદ કિરણો દ્વારા એ રીતે જ મળી શકે તેમ હતું. સિરિયા અને પૅલેસ્ટાઇનમાંનો ઇજિપ્તનો પ્રદેશ અખનાતનને ગુમાવ્યો હતો.
અખનાતન પરથી પ્રેરિત થઈને ઘણાં નાટકો બન્યાં છે અને પછી ફિલ્મો પણ બની છે. 2007માં ઍનિમેટેડ ફિલ્મ બની હતી, જેને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. અખનાતન દુશ્મનો સામે લડતો હોય એવી વીડિયો ગેઇમ્સ પણ બની છે અને એ ગેઇમ્સ લોકપ્રિય પણ થઈ છે.
યતીન્દ્ર દીક્ષિત