અક્ષ (axis) : જેની આસપાસ બિંદુ કે પદાર્થ પરિભ્રમણ કરે અથવા સમમિત (symmetry) રીતે ગોઠવાય તેવી કાલ્પનિક કે વાસ્તવિક સુરેખા. સમતલમાં આવેલા બિંદુનું સ્થાન તેના યામો(co-ordinates)થી દર્શાવાય છે. યામની ગણતરી કરવા માટે માનક સુરેખા ઉપયોગમાં લેવાય છે, જે અક્ષ તરીકે ઓળખાય છે. બિંદુ કે રૂઢ પદાર્થ કોઈ કલ્પિત સ્થિર સુરેખાની આસપાસ પરિભ્રમણ કરતાં હોય તો તે સુરેખાને પરિભ્રમણ અક્ષ (axis of rotation) કહે છે. સ્ફટિકમાં અણુઓ કોઈ ચોક્કસ અક્ષને અનુલક્ષીને ગોઠવાયેલા હોય છે તેને સ્ફટિકની અક્ષ કહે છે. જો કોઈ પદાર્થમાં એક સુરેખાને અનુલક્ષીને તેની સમમિતિ થાય તો તે અક્ષને પદાર્થની સમમિત અક્ષ (symmetry axis) કહે છે. મૂળભૂત વ્યાખ્યાનો હાર્દ જાળવી રાખી ‘અક્ષ’નો સંદર્ભ ગણિત, ભૂમિતિ, ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, શરીરવિદ્યા, સ્ફટિકશાસ્ત્ર, વિમાનવિજ્ઞાન જેવી વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં લેવામાં આવે છે.

સુરેશ ર. શાહ