અક્ષક્રીડા : અક્ષ કે પાસાંઓથી ખેલાતી દ્યૂતક્રીડા. તે છેક વૈદિક યુગથી ચાલી આવે છે. વૈદિક યજ્ઞોના પ્રસંગે પણ ખેલાતી. આમાં જુગારીને માટે મુખ્ય રૂપે ‘કિતવ’ એવું નામ મળી આવે છે. આ ક્રીડા પ્રથમ તો તૈયાર કરેલ ઢાળવાળી જમીન ઉપર અને પછીથી અક્ષ-ફલક ઉપર ખેલવામાં આવતી. સામાન્ય રીતે આ દ્યૂતમાં ઉપયોગમાં લેવાતાં બહેડાંના બીજમાંથી બનાવેલ તપખીરિયા રંગનાં પાસાંઓની સંખ્યા અંગે ઠીક ઠીક મતભેદ છે. ઋગ્વેદના અક્ષસૂક્તમાં તેમની સંખ્યા ‘ત્રિપંચાશ:’ જણાવી છે. કેટલાક આનો અર્થ 15, તો કેટલાક 53, અને અન્ય 150ની સંખ્યા એમ માને છે. બ્રાહ્મણ યુગમાં આ રમત પાંચ પાસાઓની હતી. તૈત્તિરીય બ્રાહ્મણમાં પાંચ પાસાનાં નામ અક્ષરાજ, કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ આપ્યાં છે. પાસા ફેંકવાની ક્રિયાનો ગ્રહ કે ગ્રામ તરીકે, તેની જગાનો દેવન તરીકે અને હોડમાં મૂકેલા દ્રવ્યનો લક્ષ તરીકે ઉલ્લેખ છે. પાણિનિએ તેને ગ્લહ કહેલ છે. તેમાં ‘કૃત’ નામનો દાવ ઉત્તમ તથા ‘કલિ’ ખરાબ ગણાતો. ઋગ્વેદના અક્ષસૂક્ત(1034)માં એક હારેલા જુગારીના વિલાપને રજૂ કરતી દર્દજનક કથા છે. તેમાં જુગારથી પોતાની અને સમસ્ત કુટુંબની કેટલી પાયમાલી થાય છે તે સમજતો હોવા છતાં રમવાની લાલચને જુગારી રોકી શકતો નથી એ પ્રકારનું વાસ્તવિક ચિત્ર જોવા મળે છે.

ભગવતીપ્રસાદ પંડ્યા