અક્ષવિચલન (nutation of axis) : પૃથ્વીની ધરી(અક્ષ)ની વિષુવાયન (precession) ગતિમાંની અનિયમિતતા. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તે જ સમતલમાં પૃથ્વીનું વિષુવવૃત્ત નથી.
ચંદ્રની કક્ષાનું સમતલ પણ પૃથ્વીના વિષુવવૃત્તના સમતલ કરતાં જુદું છે. સૂર્ય અને ચંદ્રનાં આકર્ષણ પૃથ્વીના વિષુવવૃત્તને અનુક્રમે સૂર્ય અને ચંદ્રના સમતલમાં લાવવાનો પ્રયત્ન કરે છે. પણ પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરતી હોવાને કારણે જેમ ફરતો ભમરડો પડી જતો નથી પણ તેની ધાર ચક્કર ચક્કર ફરીને શંકુ બનાવે છે તેમ જ પૃથ્વીની ધરી પણ એક ચોક્કસ દિશામાં રહેવાને બદલે પોતાની દિશા ધીમે ધીમે બદલે છે. પૃથ્વીની ધરી એક કાલ્પનિક શંકુની સપાટી પર ફરે છે; આને પરિણામે આકાશી ધ્રુવનું સ્થાન (જે ધરીની દિશા બતાવે છે) આકાશમાં એક વર્તુળ પર ફરે છે. પૃથ્વીની ધરીની આ ગતિને વિષુવાયન કહે છે.
આ ગતિનો આવર્તનકાળ લગભગ 25,800 વર્ષ છે. જેમ પૃથ્વીનું વિષુવાયન થાય છે તેમ ચંદ્રનું પણ થાય છે. ચંદ્રની આ વિષુવાયન ગતિને કારણે તેના આકર્ષણબળમાં જે થોડો ફેરફાર થાય છે તેને પરિણામે પૃથ્વીની વિષુવાયન ગતિમાં થોડીક અનિયમિતતા આવે છે. આકાશી ધ્રુવનો આકાશમાં માર્ગ વિષુવાયનને લીધે વર્તુળરૂપ છે તે આ અનિયમિતતાને કારણે ખાંચા-ખાંચાવાળો બને છે. આ ઘટનાને અક્ષવિચલન કહે છે. અક્ષવિચલનને પરિણામે આકાશી ધ્રુવ વિષુવાયન વર્તુળથી 10 સેકન્ડ (એટલે કે એક અંશના 360મા ભાગ જેટલો) દૂર જઈ શકે છે.
અરુણ વૈદ્ય