અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ)

May, 2023

અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ) (જ. 9 સપ્ટેમ્બર 1967, અમૃતસર) : ફિલ્મ અભિનેતા.

અક્ષયકુમારનું મૂળ નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. પણ ફિલ્મોમાં તે અક્ષયકુમારના નામે ઓળખાય છે. એમના પિતા હરિઓમ ભાટિયા અને માતા અરુણા ભાટીયા પંજાબી હિન્દુ છે. હરિઓમ ભાટિયા આર્મીમાં સર્વિસ કરતા હતા. અક્ષયકુમારનું બાળપણ દિલ્હીના ચાંદની ચોકમાં પસાર થયું. પિતા નિવૃત્ત થતાં દિલ્હી છોડીને મુંબઈ રહેવા આવ્યા. મુંબઈમાં કોલીવાડ તરીકે ઓળખાતા પંજાબી વિસ્તારમાં વસવાટ કર્યો. અક્ષયકુમારનો અભ્યાસ માટુંગાની ડૉન બૉસ્કો સ્કૂલમાં થયો. પછીથી ઉચ્ચ શિક્ષણ માટે ગુરુ નાનક ખાલસા કૉલેજમાં જોડાયા. પણ અભ્યાસમાં મન ન હોવાથી કૉલેજ છોડી દીધી. અક્ષયકુમારને માર્શલ આર્ટ શીખવાની ઇચ્છા હતી તેથી પિતાએ તેમને થાઇલૅન્ડ મોકલ્યા. માર્શલ આર્ટ્સ શીખવા બૅંગકૉક ગયા અને થાઈ બોક્સિંગ શીખવા થાઇલૅન્ડમાં પાંચ વર્ષ રહ્યા.

અક્ષય કુમાર

અક્ષયકુમાર ‘ટેકવોન્ડો’(Taekwondo)માં બ્લૅક બેલ્ટ (Black belt) ધરાવે છે. થાઇલૅન્ડમાં તે ‘મુય થાઇ’ (Muay Thai) શીખ્યા હતા અને શેફ (chef) અને વેઇટર તરીકે કામ કર્યું હતું, ત્યાંથી પરત આવી કૉલકાતાની એક ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું. પછીથી ઢાકા (બાંગ્લાદેશ)ની હોટલમાં શેફ (રસોઇયા) તરીકે કામ કર્યું. ત્યાંથી દિલ્હી આવીને એક જ્વેલરીની દુકાનમાં કામ કર્યું. એ બધું છોડીને મુંબઈ રહેવા આવ્યા અને ત્યાં માર્શલ આર્ટ્સ શીખવવાના  વર્ગો શરૂ કર્યાં. ત્યાંના એક વિદ્યાર્થી એક મૉડલ સંયોજક હતો. તેણે અક્ષયકુમારને એક ફર્નિચરની કંપની માટે મૉડેલિંગ કરવાનું કહ્યું. પહેલા બે દિવસમાં તેમણે એટલા પૈસા મેળવ્યા કે તેમના આખા મહિનાની કમાણીથી પણ તે વધુ હતાં. આ ઉપરથી અક્ષયકુમારે મૉડલ બનવાનું નક્કી કર્યું.

આ સમયમાં ફોટોગ્રાફર જયેશ શેઠના સહાયક તરીકે કોઈ પણ જાતના વળતર વગર તેમણે અઢાર મહિના સુધી કામ કર્યું. બદલામાં તેમને મૉડલિંગ માટેનો પૉર્ટફોલિયો તૈયાર કરી આપ્યો. કેટલીક ફિલ્મોમાં પાર્શ્વ નૃત્યકાર તરીકે પણ તેમણે કામ કર્યું. એક સવારે તેઓ  જાહેરાતના શૂટિંગ માટે બૅંગ્લોર જવાની ફ્લાઇટ ચૂકી ગયા, અને નિરાશ થઈ પોતાનો પૉર્ટફોલિયો લઈને એક સ્ટુડિયોમાં ગયા. તે સાંજે નિર્માતા પ્રમોદ ચક્રવર્તીએ તેમની એક ફિલ્મ ‘દીદાર’ માટે અક્ષયકુમારને કરારબદ્ધ કર્યા.

અક્ષયકુમારની અભિનય કારકિર્દી 1987માં શરૂ થયેલી ત્યારથી આજ સુધીમાં તેમણે 133 ફિલ્મોમાં અભિનય કર્યો છે. નવ જેટલી ટેલિવિઝન સિરીયલોમાં હોસ્ટ તરીકે કાર્ય કર્યું, ત્રણ મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું. બે અંગ્રેજી ફિલ્મોની હિન્દી આવૃત્તિમાં તેમણે અવાજ પણ આપ્યો છે. તેમની ઉલ્લેખનીય ફિલ્મો બહુ ઓછી છે. 1994 સુધીની મોટા ભાગની ફિલ્મ સામાન્ય હતી. એ પછી પણ અક્ષયકુમારની ફિલ્મમાં બીજા પણ નામી અભિનેતાઓને સામેલ કરવામાં આવતા હતા. ઇન્ડિયન એક્સપ્રેસે તેના એક લેખમાં અક્ષયકુમારને ઓલવેઇઝ ડિપેન્ડેબલ (always dependable) કહ્યા હતા.

અક્ષયકુમાર સ્ટન્ટ અને કૉમેડી એમ બંને પ્રકારની ફિલ્મ કરે છે. પ્રિયદર્શન દિગ્દર્શિત ફિલ્મ ‘હેરાફેરી’ (2000) એની પ્રથમ સફળ ફિલ્મ ગણાય છે. આ એક કૉમેડી ફિલ્મ છે અને તેની સિક્વલ (sequel) ‘ફિર હેરાફેરી’ (2006) પણ સફળ રહ્યું.

અક્ષયકુમારનું નામ સૌથી વધુ 13 વખત સહાયક અભિનેતા તરીકેના શ્રેષ્ઠ ઍવૉર્ડ માટે નૉમિનેટ થયું છે. તેને ફિલ્મ ‘અજનબી’ (2002) માટે શ્રેષ્ઠ ખલનાયક(Villan)નો અને ‘ગરમ મસાલા’ (2006) માટે શ્રેષ્ઠ હાસ્ય અભિનેતા(Comedian)નો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો છે. 2016માં ‘રુસ્તમ’ અને ‘ઍરલિફ્ટ’ એમ બંને ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. 2008માં વીન્ડસર યુનિવર્સિટી(University of Windsor)એ ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે  ડૉક્ટરેટ ઑફ લૉ(Honorary Doctarate of Law)ની માનદ પદવી આપી છે. ભારત સરકાર દ્વારા 2009માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલ છે. કૅનેડાની સરકારે અક્ષયકુમારને કૅનેડાની નાગરિકતા આપી છે. જાપાન તરફથી ‘Japanese honour of “Katana” and six degree black belt in “Kuyukai” એનાયત થયો છે.

વ્યક્તિગત જીવનમાં અક્ષયકુમાર કીકબૉક્સિંગ, સ્વિમિંગ, પારકોર (Parkour) જેવી રમતોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. મુંબઈનાં બાળકો માટે માર્શલ આર્ટ્સની એક સ્કૂલ સ્થાપવા માગે છે અને  તે માટે મહારાષ્ટ્ર સરકારે તેમને ભાયન્દરમાં જમીન પણ આપી છે.

અભિજિત વ્યાસ