અક્ષપાદ ગૌતમ : પદ્મપુરાણ, સ્કંદપુરાણ, ગાંધર્વતંત્ર અને નૈષધચરિત અનુસાર ન્યાયશાસ્ત્રના પ્રણેતા. ન્યાયવૃત્તિના કર્તા વિશ્વનાથ મહર્ષિ ગૌતમને ન્યાયસૂત્રના કર્તા માને છે. પરંતુ ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન, ન્યાયવાર્તિકકાર ઉદ્યોતકર, ન્યાયવાર્તિકતાત્પર્યટીકાકાર વાચસ્પતિ મિશ્ર અને ન્યાયમંજરીકાર જયંત ભટ્ટ અક્ષપાદને ન્યાયસૂત્રના રચયિતા તરીકે સ્વીકારે છે. ભાસવિરચિત પ્રતિમા નાટકના પાંચમા અંકમાં મેધાતિથિના ન્યાયશાસ્ત્રનો ઉલ્લેખ છે. ડૉ. દાસગુપ્તાના મતે આ મેધાતિથિ પાસેથી ગૌતમ ન્યાયશાસ્ત્ર શીખ્યા હતા. સાથે જ તેઓ જણાવે છે કે ગૌતમ એ ઐતિહાસિક વ્યક્તિ નથી. પરંતુ મ. મ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણ ગૌતમને ઐતિહાસિક વ્યક્તિ માને છે. તેમના મતે મેધાતિથિ ગૌતમ આન્વીક્ષિકીના (ન્યાયશાસ્ત્રના) પ્રણેતા છે, જ્યારે ન્યાયસૂત્રના કર્તા અક્ષપાદ ગૌતમ તેમનાથી જુદી જ વ્યક્તિ છે. આચાર્ય વિશ્ર્વેશ્વર તો અક્ષપાદ અને ગૌતમને બે જુદી જ વ્યક્તિઓ ગણે છે, કારણ કે તેમનાં વાસસ્થાન જુદાં છે; બ્રહ્માંડપુરાણ (વાયુપુરાણ), અધ્યાય 13 અનુસાર અક્ષપાદ પ્રભાસપત્તનના રહેવાસી હતા, જ્યારે ગૌતમનું સ્થાન મિથિલા પાસે હતું. આજે મિથિલા પાસે ‘ગૌતમ સ્થાન’ નામનું સ્થળ છે. વળી, વિશ્ર્વેશ્વર મેધાતિથિ અને ગૌતમને અભિન્ન માની ગૌતમને ન્યાયદર્શનના મૂળ પ્રણેતા તરીકે સ્વીકારે છે અને અક્ષપાદને પ્રતિસંસ્કર્તા તરીકે સ્વીકારે છે. મ. મ. ફણીભૂષણ તર્કવાગીશ, મેધાતિથિ અક્ષપાદ અને ગૌતમ એ ત્રણ નામો એક જ વ્યક્તિનાં છે એમ માને છે અને તે વ્યક્તિ તે રામાયણપ્રસિદ્ધ અહલ્યાપતિ ગૌતમ છે એમ કહે છે. તેમની માન્યતાનો આધાર સ્કંદપુરાણનો એક શ્ર્લોક છે. ગૌતમ, અક્ષપાદ અને મેધાતિથિ ત્રણ, બે કે એક વ્યક્તિ જે હો તે, પરંતુ એટલું તો નિશ્ચિત છે કે તેમાંથી જે ન્યાયસૂત્રના રચયિતા છે તેમનો સમય ઈ. સ. પૂર્વે ચોથી શતાબ્દીથી પહેલાંનો ન સંભવી શકે.
નગીનભાઈ જીવણલાલ શાહ