અંબાણી મુકેશ

December, 2023

અંબાણી મુકેશ (જ 19 એપ્રિલ 1957) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર તથા એશિયાના સૌથી ધનિકોની યાદીમાં  પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ.

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની ફોર્બ્સ ઈન્ડિયાની ઑક્ટોબર  2023ની યાદીમાં પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ થયેલા મુકેશ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર  છે. ફોર્બ્સ ઇન્ડિયા મુજબ મુકેશ અંબાણીની સંપત્તિ અંદાજે 92 બિલિયન ડૉલર એટલે કે  7.6  લાખ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.  વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પણ મુકેશ અંબાણી ઑક્ટોબર 2023માં  9મા ક્રમાંકે સૂચિબદ્ધ થયા છે. મુકેશ અંબાણી દુનિયાની સૌથી મોટી રિલાયન્સ ઑઇલ રિફાઇનરીના સ્થાપક છે.  તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ મુંબઈ ઇન્ડિયન્સની માલિકી ધરાવે છે. તેમણે ઇન્ડિયન સુપર લીગ, ભારતની ફૂટબૉલ લીગની સ્થાપના કરી છે. છે. ભારતમાં ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા મેળવનાર તેઓ એકમાત્ર ઉદ્યોગપતિ છે. તેમની સફળતાના પાયામાં મુખ્યત્વે કુશળ નેતૃત્વ, મજબૂત નાણાકીય પ્રબંધન, ઉત્તમ ગુણવત્તા, વૈવિધ્ય, ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને ગ્રાહકલક્ષી દૃષ્ટિ છે. ભારત સરકારને સૌથી વધુ કરવેરા ચૂકવતા ઉદ્યોગપતિ પણ મુકેશ અંબાણી  છે. ભારત સરકારને મળતા કુલ કરવેરામાં 5 ટકા કર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જ ચૂકવવામાં આવે છે. તેઓ દક્ષિણ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર ભારતના સૌથી મોંઘા અને જાહોજલાલીના પ્રતીકસમા 27 માળના ભવ્ય મહાલય એન્ટિલિયામાં રહે છે. મુકેશ અંબાણીના પરિવારમાં પત્ની નીતા, મોટા પુત્ર આકાશ, પુત્રવધૂ શ્લોકા, પૌત્ર પૃથ્વી અને પૌત્રી વેદા, નાના પુત્ર અનંત તથા પુત્રી ઈશાનો સમાવેશ થાય છે. ઈશાનાં લગ્ન આનંદ પિરામલ સાથે થયાં છે. તેનાં જોડિયાં બાળકો આદ્યા અને કૃષ્ણના  નાનાજી બની ગયા છે મુકેશ અંબાણી.

મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના એડન- હાલના યમનમાં બ્રિટિશ ક્રાઉન કૉલોનીમાં થયેલો. માતા કોકિલાબહેન અંબાણી અને પિતા ધીરુભાઈ અંબાણી. અન્ય ત્રણ ભાઈબહેનો  અનિલ, નીના અને દીપ્તિ. મુકેશ અંબાણીનો જન્મ થયો ત્યારે ધીરુભાઈ એડનમાં રહેતા હતા. પણ મુકેશ એક વર્ષના થયા ત્યારે ધીરુભાઈએ ભારત પાછા ફરવાનું નક્કી કર્યું.  1958માં ધીરુભાઈ ભારત પાછા આવ્યા. મુંબઈમાં સ્થાયી થયા. મુકેશે મુંબઈની હિલ ગ્રેંજ હાઈસ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું. ત્યાર બાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટૅકનૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષયમાં  બી.ઇ.ની ડિગ્રી સાથે સ્નાતક થયા. એ પછી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. પ્રાધ્યાપકોએ  ‘આઉટ ઓફ બૉક્સ’ વિચારવાનું શીખવ્યું.

આ અરસામાં ભારત સરકારે ધીરુભાઈ અંબાણીને પોલિએસ્ટર ફિલામેન્ટ યાર્નના નિર્માણનો પરવાનો આપ્યો હતો. એથી ધીરુભાઈએ તેના પ્લાન્ટનો શુભારંભ કરવાની સાથે રિલાયન્સના મંડાણની તૈયારીઓ આરંભી દીધી. ધીરુભાઈ માનતા હતા કે વાસ્તવિક અનુભવો થકી કૌશલ્ય મેળવી શકાય છે, વર્ગખંડમાં બેસીને નહીતેથી તેમણે યાર્ન ઉત્પાદન પ્રોજેક્ટની કમાન સંભાળવા સ્ટેનફોર્ડથી મુકેશને પાછા બોલાવ્યા.  1980માં મુકેશ ભારત પાછા આવ્યા. તેમણે ધીરુભાઈ સાથે મળીને પ્લાન્ટનો પાયો નાખ્યો. પછી અમેરિકા જઈને અભ્યાસ પૂરો કરવાને બદલે ભારતમાં રહીને પિતા સાથે વ્યાપારમાં જોડાઈ ગયા .રિલાયન્સે ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, રિટેલ, નેચરલ રિસોર્સીસ અને ટેલિકૉમ્યુનિકેશન્સના ક્ષેત્રમાં પણ પગરણ કર્યાં. 6 જુલાઈ 2002ના ધીરુભાઈનું મૃત્યુ થયા પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છૂટા પડ્યા. કંપનીના બે ભાગ પડ્યા. તેમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારતીય પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિમિટેડનું નિયંત્રણ મેળવ્યું.  2005માં મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર બન્યા. ‘બાપથી બેટો સવાયો’ને સાર્થક કરતા વ્યાપારનો વિકાસ અને વિસ્તાર કર્યો.

મુકેશ અંબાણીએ વ્યાપારક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કર્યાં છે. વર્ષ 2000માં ગુજરાત ખાતે જામનગરમાં વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીનો આરંભ કર્યો. સમગ્ર રિફાઇનિંગ સંકુલ માત્ર 36 અઠવાડિયાંનાં વિક્રમી સમયગાળામાં તૈયાર કરવામાં આવ્યું હતું. દુનિયાની અન્ય રિફાઇનરીઓની સરખામણીએ આ રિફાઇનરી સંકુલ ઘણા ઓછા ખર્ચે તૈયાર થયું હતું. ત્યાર બાદ મુકેશ અંબાણીએ 2006માં ખાદ્ય પદાર્થો અને વિભિન્ન ઘરેલુ ઉત્પાદનોનું વેચાણ કરતા રિલાયન્સ ફ્રેશ સ્ટોર્સ શ્રેણીનો આરંભ કર્યો. અત્યારે દેશમાં 700 કરતાં પણ વધુ ફ્રેશ સ્ટોર્સની શૃંખલા છે. વર્ષ 2008માં  આઈપીએલ ક્રિકેટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સની 111.9 મિલિયન ડૉલરમાં ખરીદી. આ ખરીદીને પગલે મુકેશ  અંબાણીને ‘વિશ્વની સૌથી ધનિક રમત ટીમના માલિક’ તરીકેની ઓળખ મળી હતી.

વર્ષ 2016માં મુકેશ અંબાણીએ ટેલિકૉમ્યુનિકેશન્સના ક્ષેત્ર સાથે જોડાયેલી જિયો કંપનીનો આરંભ કર્યો. મોબાઇલ નેટવર્ક ઑપરેટર સાથે જોડાયેલી આ કંપની અત્યંત ટૂંકા ગાળામાં ટેલિકોમ ક્ષેત્રમાં પકડ જમાવવામાં સફળ થઈ. ફેબ્રુઆરી 2016માં અંબાણીના નેતૃત્વમાં  જિયોએ એલવાયએફ નામની પોતાની 4G સ્માર્ટફોન બ્રાન્ડ લૉન્ચ કરી. જૂન 2016માં જિયો ભારતનો ત્રીજા ક્રમાંકે  સૌથી વધુ વેચાણ કરતો મોબાઇલ ફોન હતો. સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડનો આરંભ કર્યો. ત્યાર બાદ મુકેશ અંબાણીએ ઝડપી ઇન્ટરનેટ કનેક્શન આપતી જિયો ગીગા ફાઇબર નામની બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરી. ઑક્ટોબર 2022માં રિલાયન્સ જિયોએ 5G નેટવર્કનો આરંભ કર્યો.

મુકેશ અંબાણીને સર્વોચ્ચ ગણાતી ઝેડ પ્લસ શ્રેણીની  સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા કવચ હેઠળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ -સીઆરપીએફના લગભગ 50-55 સશસ્ત્ર કમાન્ડો ચોવીસ કલાક મુકેશ અંબાણીની સુરક્ષા માટે નિયુક્ત કરાયા છે. અઠવાડિયામાં ત્રણ બોલિવુડ ફિલ્મ જોતાં મુકેશ અંબાણી પાસે બોઇંગ બિઝનેસ જેટ, ફાલ્કન  900EX, ઍરબસ 319 અને કૉર્પોરેટ જેટ સહિતના ઍરક્રાફ્ટ છે. મર્સિડીઝ મેબેક બેન્ઝ, બીએમડબ્લ્યૂ, રોલ્સરોય અને એસ્ટન માર્ટિન રેપિડ સહિતની કીમતી અને વિન્ટેજ કારનું કલેક્શન છે.

અત્યંત જાહોજલાલીભર્યું જીવન જીવતા મુકેશ અંબાણી એન્ટિલિયામાં રહે છે. એન્ટિલિયાનું બાંધકામ 2006માં શરૂ થયું હતું અને લગભગ ચાર વર્ષ- 2010 સુધી ચાલ્યું હતું. 4,00,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ મહેલના ઘરમાં 27 માળ છે. તેમાં ત્રણ છતવાળાં હેલિપેડ, કાર પાર્કિંગના છ માળ, બેબીલોનથી પ્રેરિત હેંગિંગ ગાર્ડનના ત્રણ માળ, એક મંદિર અને 50 બેઠકની ક્ષમતા ધરાવતું ખાનગી મૂવી થિયેટર છે. એન્ટિલિયામાં કોઈ બે કક્ષ એકસરખા દેખાતા ન હોવા છતાં, ઘરની ડિઝાઇનમાં બે સામાન્ય થીમ સૂર્ય અને કમળ છે. એન્ટિલિયા હાઉસ આટલાન્ટિક મહાસાગરમાં પોર્ટુગલ અને સ્પેનની દૂર પશ્ચિમમાં આવેલા ફેન્ટમ ટાપુથી પ્રેરિત છે. 600 કર્મચારીઓનો સ્ટાફ ધરાવતા આ મહાલયની .કિંમત આશરે 15,000 કરોડ રૂપિયા છે. રિક્ટર સ્કેલમાં 8 ની તીવ્રતાના ધરતીકંપનો સામનો કરી શકે તેટલું નક્કર તેનું બાંધકામ છે.

ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ગામ ચોરવાડમાં આવેલું ધીરુભાઈ મેમોરિયલ હાઉસ મુકેશ અંબાણીનું પૈતૃક ઘર છે. 1.2 એકરમાં ફેલાયેલી બે માળની આ હવેલીની કિંમત 100 કરોડ રૂપિયા જેટલી છે. 2011માં હવેલીને મેમોરિયલ હાઉસમાં રૂપાંતરિત કરવામાં આવેલી. એપ્રિલ 2021માં  અંબાણીએ લંડનમાં સ્ટોક્સ પાર્કની હેરિટેજ પ્રોપર્ટી 592 કરોડ રૂપિયામાં હસ્તગત કરી હતી. સ્ટોક્સ પાર્ક અહીં ફિલ્માવાયેલી ગોલ્ડફિંગર અને ટુમોરો નેવર ડાઈઝ નામની બે જેમ્સ બોન્ડ ફિલ્મો માટે પ્રખ્યાત છે. અંબાણીએ દુબઈમાં 600 કરોડ રૂપિયાનો વિલા પણ ખરીદ્યો છે.

ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણામૂર્તિ સમાન મુકેશ અંબાણીને દેશવિદેશમાં પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયાં છે. 2000માં અર્ન્સ્ટ એન્ડ યંગ ઑર્ગેનાઈઝેશનનો વર્ષનો અર્ન્સ્ટ એન્ડ યંગ એન્ટર્પ્રોન્યોર ઍવૉર્ડ,  2004માં ટોટલ ટેલિકોમનો  ટેલિકૉમ્યુનિકેશન્સના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકેનો વર્લ્ડ કૉમ્યુનિકેશન ઍવૉર્ડ,  2007માં યુનાઈટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલનો ગ્લોબલ વિઝન લીડરશિપ એવોર્ડ, 2010માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીનો સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સ ડીન મેડલ, 2010માં જ આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરિષદનો ગ્લોબલ લીડરશિપ ઍવૉર્ડ, એ જ વર્ષે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી માનદ ડૉકટરેટની પદવી, અમેરિકાસ્થિત વૉશિંગ્ટનની એશિયા સોસાયટીનો એશિયા સોસાયટી લીડરશિપ ઍવૉર્ડ, 2017માં ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા બિઝનેસ પર્સન ઓફ ધ યર અને 2019માં સીએનબીસી દ્વારા સીએનબીસી એશિયા બિઝનેસ લીડર ઓફ ધ યર ઍવૉર્ડ સહિતના વિવિધ પુરસ્કારો મુકેશ અંબાણીને મળ્યા છે.

ટીના દોશી