અંબાણી, ધીરુભાઈ (જ. 28 ડિસેમ્બર 1932, ચોરવાડ, સૌરાષ્ટ્ર; અ. 6 જુલાઈ 2002, મુંબઈ) : વિશ્વના વિચક્ષણ અને ગતિશીલ ઉદ્યોગપતિઓની હરોળમાં માનભેર સ્થાન પ્રાપ્ત કરનાર સાહસિક, કુશળ વ્યવસ્થાપક તથા ભારતમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહના સ્થાપક-ચૅરમૅન. આખું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી. અત્યંત સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા વ્યાપારી પરિવારમાં જન્મ. પિતા શાળામાં શિક્ષક હતા. ભણવામાં ધીરુભાઈને ખાસ રુચિ ન હોવાથી અધવચ્ચે જ શાળા છોડી અને વતનના મંદિરની બહાર યાત્રાળુઓને ગરમ નાસ્તો વેચવાની શરૂઆત કરી. સત્તર વર્ષની ઉંમરે 1949માં એડન ગયા અને ત્યાં બર્મા શેલ પેટ્રોલ કંપનીના એક પેટ્રોલ પંપ પર મદદનીશ(attendant)ની સામાન્ય નોકરીથી શરૂઆત કરી. થોડાક સમયમાં કારકુન બન્યા અને ખંત તથા નિષ્ઠાપૂર્વકના કામને કારણે મૅનેજરનું પદ હાંસલ કર્યું. 1958માં સ્વદેશ પાછા આવ્યા અને મુંબઈમાં રૂપિયા પંદર હજારની પ્રાથમિક મૂડીના સહારે રિલાયન્સ કમર્શિયલ કૉર્પોરેશન નામની આયાત-નિકાસ કંપનીની સ્થાપના કરી. કંપનીના
કાર્યાલય તરીકે એક ટેબલ ભાડે રાખ્યું અને રહેવા માટે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારની એક ચાલીમાં એક ઓરડી ભાડે રાખી. પોતાની રિલાયન્સ કૉર્પોરેશન મારફત મસાલાની ચીજવસ્તુઓની નિકાસ અને બનાવટી રેશમની આયાતનો ધંધો શરૂ કર્યો. તે માટે કેન્દ્ર સરકાર પાસેથી પરવાના પણ મેળવી લીધા. સાથોસાથ એડનના ચલણના આંતરિક મૂલ્ય અને વિનિમય-મૂલ્ય વચ્ચેના તફાવતનો લાભ લઈ આર્બિટ્રૅજ એટલે કે જુદાં જુદાં બજારોમાં નફો મેળવવાના હેતુસર એકીવખતે વેચવા-લેવાનો ધંધો કરી 3,000 અમેરિકન ડૉલર જેટલી કમાણી કરી. થોડાક જ સમયમાં પોતાની કુનેહ અને દૂરંદેશીથી ધીરુભાઈ વીસમી સદીના સાતમા દાયકામાં દેશના પ્રથમ ક્રમના પૉલિયેસ્ટર વ્યાપારી બન્યા અને ‘પ્રિન્સ ઑવ્ પૉલિયેસ્ટર’નું બિરુદ પામ્યા. પૉલિયેસ્ટરના વ્યાપાર અને ઉત્પાદન દ્વારા દેશના મધ્યમ વર્ગને આર્થિક સમૃદ્ધિ બક્ષવામાં ધીરુભાઈ અંબાણીનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.
1966માં અમદાવાદના નરોડા વિસ્તારમાં તેમણે તાણા ગૂંથવાનું નાનું કારખાનું શરૂ કર્યું; જેમાં શરૂઆતમાં ચાર સાળ સાથે કામ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા 70 જેટલી હતી. આ કારખાનામાં ઉત્પાદન થતા કાપડને ‘વિમલ’ એ વ્યાપારસૂચક નામ (brand name) આપ્યું, જે સમય જતાં પારિવારિક પ્રતિષ્ઠા ધરાવતું થયું. 1975માં વિશ્વબૅંકના તકનીકી નિષ્ણાતોના એક જૂથે વિકાસશીલ દેશોનાં ધોરણો અનુસાર તેને સર્વોત્તમ ઉત્પાદન એકમ ગણીને તેની પ્રશંસા કરી હતી.
1977માં નરોડાની તેમની કંપની સંયુક્ત મૂડી કંપનીમાં ફેરવવામાં આવી અને તેના શૅરમાં રોકાણ કરવા માટે સામાન્ય જનતાને આમંત્રિત કરવામાં આવી. પહેલા જ પ્રયાસે 58,000 નાના રોકાણકારોએ તેમાં રોકાણ કર્યું, જેમાંથી એક મોટું સંયુક્ત મૂડીભંડોળ ઊભું થયું. જોતજોતાંમાં તેમની કંપની 600 અબજ રૂપિયા કરતાં પણ વધારે વાર્ષિક આવક ધરાવતી કંપની બની, જેના શૅરધારકોની કુલ સંખ્યા 30,000,00નો આંકડો વટાવી ગઈ. દેશની સામાન્ય જનતાએ તેમાં રોકાણ કરવા પાછળનું રહસ્ય એ હતું કે ધીરુભાઈએ રોકાણકારોને તેમના રોકાણની સામે ઉચિત મૂલ્ય આપવાની ખાતરી આપી હતી. 1982માં તેમણે પૉલિયેસ્ટર ફિલામૅન્ટ યાર્નનું ઉત્પાદન કરવા માટે કારખાનું શરૂ કર્યું. એંશીના આ દાયકા(1982–90)ને અંતે રિલાયન્સ કૉર્પોરેશન હસ્તકનું ઔદ્યોગિક સંકુલ ભારતનું સૌથી વધારે પ્રતિષ્ઠિત અને સૌથી વધારે નફો કમાતું ઔદ્યોગિક જૂથ બની ગયું. અનૌપચારિક કાર્યપ્રણાલી દ્વારા તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારબાદ તેમણે વૈવિધ્યીકરણ પર ભાર મૂક્યો અને કાપડ ઉપરાંત અન્ય વિવિધ ક્ષેત્રો તેમાં આવરી લીધાં; દા.ત., રિલાયન્સ સંકુલ હસ્તક હાલ કાપડ ઉપરાંત પેટ્રોકેમિકલ્સ, ઊર્જા અથવા વિદ્યુત-ઉત્પાદન, દૂરસંચાર અને સંદેશાવહેવાર, પ્લાસ્ટિક્સ, નાણા-પ્રબંધ સેવાઓ, જૈવશાસ્ત્ર, ગૅસ વગેરે અનેક ક્ષેત્રોની નફાલક્ષી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જામનગર ખાતે કાર્યરત તેલશુદ્ધીકરણનો એકમ વિશ્વમાં આ પ્રકારના સૌથી મોટા કારખાનામાં ગણવામાં આવે છે; તેવી જ રીતે સૂરતની પડખે હજીરા ખાતેનો બહુપ્રાશી ઇથિલીન વિભંજક (multi-feed ethylene cracker) એકમ વિશ્વભરમાં તે પ્રકારનો સૌથી મોટો હરિતક્ષેત્ર (green house) ઔદ્યોગિક એકમ છે. માત્ર ત્રણ દાયકાના અલ્પ ગાળામાં આ પ્રકારના અકલ્પિત ઔદ્યોગિક વિસ્તરણ માટે તેમના વ્યક્તિગત ગુણો, તેમની વ્યવહારક્ષમતા અને સોદાબાજી કરવાની તેમની કુશળતા કે કુનેહ જવાબદાર ગણાય છે. ભારતનાં જૂનાં ઔદ્યોગિક જૂથોને હરીફાઈની દોડમાં પાછળ ધકેલી પોતાના જૂથ કે સંકુલને આગળ લઈ જવામાં ધીરુભાઈને જ્વલંત સફળતા મળી છે. તેમ કરતી વેળાએ તેમણે કોઈ ગેરરીતિઓ અપનાવી નથી એવી તેમના વિશેની સર્વસાધારણ છાપ છે.
1986માં ધીરુભાઈ અંબાણી પર લકવાનો હુમલો થયો, જેને કારણે તેમણે તેમનાં બધાં જ સાહસોના રોજિંદા કામકાજની જવાબદારી તેમના બે પુત્રો – મુકેશ અને અનિલને સોંપી દીધી, જોકે નીતિવિષયક બધા જ નિર્ણયો તેમના માર્ગદર્શન તથા સંમતિથી લેવામાં આવતા. તેને કારણે તેમણે પરિવારમાં કુલપિતાનું સ્થાન અને મોભો હાંસલ કર્યાં હતાં. વર્ષ 2002માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ – આ બંનેનું વિલીનીકરણ થતાં તે ભારતની ખાનગી ક્ષેત્રની મોટામાં મોટી કંપની બની. ‘ફૉર્ચ્યુન’ નામના વ્યાવસાયિક સામયિકે તૈયાર કરેલ વિશ્વસ્તરની 500 કંપનીઓ કે કૉર્પોરેશનોની યાદીમાં રિલાયન્સને સર્વોચ્ચ માનભેર સ્થાન મળ્યું હતું.
દેશના સામાન્ય વર્ગમાં માહિતી અંગેની તકનીકો(information technology – I.T.)ના જ્ઞાનનું વિસ્તરણ થાય તે હેતુથી રિલાયન્સ ઔદ્યોગિક જૂથે મુંબઈ શહેરની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કમ્પ્યૂટર-શિક્ષણની ઝુંબેશ શરૂ કરી, જેનો લાભ હજારો વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો.
ધીરુભાઈ અંબાણીએ મોટાં કારખાનાંઓ કે મહાકાય ઉત્પાદન એકમો ઊભા કરવામાં જ સંતોષ માન્યો નથી, પરંતુ તેનાથી આગળ જઈને ભારતના વ્યાવસાયિક અને સાહસિક ક્ષેત્રમાં નવા ચીલા પાડ્યા છે તથા તેમાંથી એક આગવું ‘કૉર્પોરેટ કલ્ચર’ ઊભું કર્યું છે અને તે પણ એવા કપરા સમયમાં જ્યારે ભારતમાં લાઇસન્સ-પરમિટ રાજ્યની બોલબાલા હતી અને જ્યારે દેશનાં બજારો પર રાજ્યપ્રેરિત નાણાસંસ્થાઓની પકડ હતી. ભારતમાં નાની બચત કરનારા, મુખ્યત્વે મધ્યમ વર્ગમાંથી આવતા લાખો નાગરિકોને ખાનગી ક્ષેત્રમાં સુરક્ષિત અને આવકલક્ષી રોકાણ કરવાની તક ધીરુભાઈ અંબાણીએ પૂરી પાડી. એટલા માટે જ તેમને ‘મધ્યમ વર્ગના મસીહા’ કહેવામાં આવે છે. માર્ચ 1991ના અંતે તેમના બધા જ ઔદ્યોગિક એકમોના સામટા વેચાણનું નાણાકીય કદ રૂપિયા 2,300 કરોડ જેટલું હતું, જ્યારે તેમના અવસાન બાદ તેમના આર્થિક સામ્રાજ્યનું મૂલ્ય વર્ષ 2004ની ગણતરી મુજબ રૂપિયા 24,172 કરોડ જેટલું આંકવામાં આવ્યું હતું.
ધીરુભાઈ અંબાણીને તેમના જીવનકાળ દરમિયાન ઘણાં માન-સન્માન મળ્યાં છે; દા.ત., ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI – ‘ફિક્કી’) દ્વારા ‘ઇન્ડિયન ઍન્ટ્રપ્રનર ઑવ્ ધ ટ્વેન્ટિયેથ સૅન્ચુરી’ ઍવૉર્ડ; અમેરિકાની વ્યવસાય ક્ષેત્રની વિખ્યાત સંસ્થા વ્હાર્ટન સ્કૂલ દ્વારા ‘ડીન્સ મેડલ’ જે મેળવનાર ધીરુભાઈ પ્રથમ ભારતીય હતા; ‘ફૉર્બઝ’ સામયિકની વિશ્વના 500 અબજપતિઓની યાદીમાં 138મા ક્રમે તેમનો ઉલ્લેખ; ‘એશિયા વીક’ સામયિક દ્વારા એશિયાની સર્વાધિક આર્થિક સત્તા ધરાવતી પ્રથમ પચાસ વ્યક્તિઓમાં તેમની ગણના; ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયાએ વર્ષ 2000માં કરેલા જનમત-સંગ્રહમાં તેમની ‘દેશમાં સંપત્તિના સર્જક’ (creater of wealth in the country) તરીકે પ્રસિદ્ધિ; તે જ વર્ષે ડિસેમ્બરમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જાહેર સન્માન વગેરે. વળી ધનાઢ્ય ભારતીયોની યાદીમાં તેમનો ક્રમ બીજો આવેલો.
તેમના અવસાન બાદ તેમના પુત્રો વચ્ચે વ્યાવસાયિક મિલકતની માલિકી અંગે વિવાદ ઊભો થયેલો, જેનો સુમેળભર્યો ઉકેલ ધીરુભાઈનાં પત્ની કોકિલાબહેને ઊંડી તપાસ અને ચર્ચાવિચારણા બાદ શોધી કાઢ્યો હતો. અલબત્ત, તેને કારણે ધીરુભાઈ અંબાણીએ ઊભું કરેલ આર્થિક સામ્રાજ્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું છે. ધીરુભાઈની વિચક્ષણ અને નેત્રદીપક કારકિર્દીને ‘ચીંથરાથી ચાંદીસોનાના ઢગલા’ (from rags to riches) સુધીની યાત્રા તરીકે ઓળખાવવામાં આવી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે