અંબાણી, નીતા

December, 2023

અંબાણી, નીતા (. 1 નવેમ્બર 1963, મુંબઈ) : રિલાયન્સ ફાઉન્ડેશનનાં અને  ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સ્થાપક અને અધ્યક્ષા તથા  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનાં પત્ની.

નીતા અંબાણીનો જન્મ મુંબઈના મધ્યમવર્ગીય પરિવારમાં થયો. પિતા રવીન્દ્ર દલાલ અને માતા પૂર્ણિમા દલાલ. નીતાએ નરસી મોનજી કૉલેજમાંથી કૉમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. સૌંદર્યના તમામ માપદંડમાં ખરાં ઊતરતાં નીતા નિપુણ નૃત્યાંગના પણ ખરાં. આ નૃત્ય જ નીતાને અંબાણી પરિવારનાં પુત્રવધૂ બનવા સુધી દોરી ગયું. નીતાના શબ્દોમાં કહીએ તો નૃત્યથી જ એમનું નસીબ પલટાયું. દશેરાના દિવસે બિરલા માતુશ્રીમાં યોજાયેલા કાર્યક્રમમાં નૃત્ય કર્યા પછી નીતાના સરળ રીતે વહી રહેલા સાધારણ જીવનમાં અસાધારણ વળાંક આવ્યો. રિલાયન્સ સામ્રાજ્યના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ ફોન કરીને પોતાનો પરિચય આપેલો. નીતાએ કહ્યું કે, ‘જો તમે ધીરુભાઈ અંબાણી હો, તો હું એલિઝાબેથ ટેલર છું.’ પછી ખબર પડી કે ફોન ખરેખર ઉદ્યોગપતિ ધીરુભાઈનો જ હતો. ત્યાર પછીના ઘટનાક્રમમાં ધીરુભાઈના કહેવાથી  નીતા મુકેશને મળ્યાં.  દરમિયાન નવેમ્બર 1984માં મુકેશ અને નીતાના સંબંધને લગ્ન સુધી દોરી જનારી ઘટના બની. નીતાને ગાડીમાં એમને ઘેર મૂકવા જઈ રહેલા મુકેશે એકાએક ગાડી પેડર રોડ પર ઊભી રાખી દીધી. નીતાને પૂછ્યું, ‘વિલ યુ મેરી મિ?’  પ્રસ્તાવ મૂક્યા  બાદ તેમણે તત્ક્ષણ ‘હા કે ના’ના જવાબની માગણી કરી. એટલામાં ટ્રાફિક જામ થઈ ગયો. નીતાએ હામી ભણીને પ્રસ્તાવ સ્વીકારી લીધો. 8 માર્ચ  1985ના રોજ  નીતાએ મુકેશ અંબાણી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. ત્રણ બાળકો આકાશ, અનંત અને ઈશા અંબાણીનાં માતાપિતા બન્યાં. આકાશનાં લગ્ન શ્લોકા મહેતા સાથે અને ઈશાનાં લગ્ન આનંદ પિરામલ સાથે થયાં છે. અનંતની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઈ છે. નીતા આકાશનાં બાળકો પૃથ્વી અને વેદાનાં દાદીમા બની ગયાં છે. ઈશાનાં જોડિયાં બાળકો  આદ્યા અને કૃષ્ણની નાનીમા બન્યાં છે.

 ભારતના જ નહીં, એશિયાના સૌથી ધનાઢ્યોની ફોર્બ્સ સામયિકની ઑક્ટોબર, 2023ની યાદીમાં પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ થયેલા  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનાં પત્ની હોવા છતાં પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવવામાં સફળ થયેલાં મહિલા એટલે નીતા અંબાણી. અંબાણી પરિવારનાં પુત્રવધૂ હોવાની સાથે નીતા અંબાણી પોતાની આગવી ઓળખ પણ ધરાવે છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનનાં અને  ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સ્થાપક અને અધ્યક્ષા છે. સાથે જ તેઓ મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમનાં કો-ફાઉન્ડર છે. નીતા  ફર્સ્ટ લેડી ઓફ સ્પૉર્ટ્સ ઇન ઇન્ડિયા  તરીકે પણ ઓળખાય છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને EIH લિમિટેડ-ધ ઓબેરૉય ગ્રૂપના બોર્ડમાં પણ સામેલ છે. નીતા ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીનાં સભ્ય તરીકે ચૂંટાયેલાં પ્રથમ ભારતીય મહિલા છે. નીતા અંબાણીને 2019માં અમેરિકા ખાતે ન્યૂયૉર્કના પ્રતિષ્ઠિત ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ‘ધ મેટ’નાં માનદ ટ્રસ્ટી નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ મ્યુઝિયમના ટ્રસ્ટી મંડળમાં પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યાં હતાં. નીતાએ 2023માં મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું નિર્માણ કર્યું છે. તેમણે કાંચીપુરમની શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની માનદ્ પદવી મેળવી  છે. નીતા મુંબઈમાં પરિવાર સાથે જાહોજલાલી અને વૈભવના પ્રતીકસમા 27 માળના ભવ્ય મહાલય એન્ટિલિયામાં રહે છે.

અમેરિકાના અગ્રણી મૅગેઝિન ટાઉન ઍન્ડ કન્ટ્રીના સમર ઇશ્યૂમાં શ્રીમતી નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો વર્ષ 2020ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.  ટાઉન ઍન્ડ કન્ટ્રી અમેરિકાનું સતત 1846થી પ્રસિદ્ધ થતું સૌથી જૂનું અને અગ્રણી લાઇફસ્ટાઇલ મૅગેઝિન છે. આ મૅગેઝિન દર વર્ષે એક અંક એવા લોકો માટે સમર્પિત કરે છે જે લોકો પોતાના સમર્પણ, કૌશલ્ય અને વિશાળ હૃદયનો પરિચય આપીને સમાજ માટે ઉત્તમ કાર્યો અને દાન કરે છે. કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જિંદગીઓ બચાવવા અને લોકો માટે આશાનું કિરણ બનવા બદલ નીતા અંબાણીનો આ યાદીમાં સમાવેશ કરાયો  હતો. મહામારી સામે લડનારા યોદ્ધાઓ અને ગરીબોને ભોજન પહોંચાડવા, નાણાકીય સહાય પૂરી પાડવા અને ભારતની પહેલી કોવિડ-19 હૉસ્પિટલ ઊભી કરવાની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું નેતૃત્વ કરવા સહિતનાં નીતા અંબાણીનાં કાર્યો અંગે  મૅગેઝિને જાણકારી આપી હતી. નીતા અંબાણીનો આ યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સમાવેશ કરાયો હતો.

નીતા અંબાણીએ ઘર સંભાળવાની સાથે ઉદ્યોગ જગતમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેઓ  ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં ફાઉન્ડર અને ચૅરપર્સન છે. 2003માં સ્થપાયેલી આ શાળાનો ઉદ્દેશ બાળકોને વિશ્વકક્ષાનું  શિક્ષણ પ્રદાન કરવાનો છે.  2010માં સ્થપાયેલા રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષા છે નીતા અંબાણી. ફાઉન્ડેશન અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રે પરિવર્તન લાવવાની પહેલ શરૂ કરાઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમનાં નીતા સહસ્થાપક છે. ભારતમાં ક્રિકેટની સાથે અન્ય રમતોનો વિકાસ થાય એ માટે પણ નીતાએ પહેલ કરી છે. નીતા ફૂટબૉલ સ્પૉર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડનાં સ્થાપક ચૅરપર્સન છે. ફૂટબૉલ જગતમાં ભારત આગવું નામ મેળવે એ માટે ઇન્ડિયન સુપર લીગની શરૂઆત કરાઈ છે. નીતા અંબાણી દ્વારા મહિલાઓ માટે 2021માં ‘હર સર્કલ’ નામે ડિજિટલ મૂવમેન્ટનો આરંભ કરાયો છે. તે સોશિયલ મીડિયા પર મહિલાલક્ષી સામગ્રી પ્રદાન કરે છે. દેશની 31 કરોડ મહિલાઓ સુધી પહોંચેલું  ‘હર સર્કલ’  મહિલાઓ માટે સૌથી મોટું પ્લૅટફૉર્મ બની ગયું છે. આ પ્રકલ્પનો ઉદ્દેશ દેશની મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો છે.

 નૃત્ય અને કળા પ્રત્યેના લગાવને પગલે નીતા દ્વારા મુંબઈના બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં 31 માર્ચ, 2023ના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર-એનએમએસીસીનો પ્રારંભ કરાયો હતો. પર્ફોર્મિંગ તેમજ વિઝ્યુઅલ આર્ટ માટેનું આ કેન્દ્ર ભારતનું સૌથી અદ્યતન, પ્રતિષ્ઠિત અને વિશ્વ-કક્ષાનું સાંસ્કૃતિક કેન્દ્ર છે. ચાર માળના કલ્ચરલ સેન્ટરમાં ત્રણ થિયેટર અને 16,000 ચોરસ ફૂટની કસ્ટમ એક્ઝિબિશન સ્પેસ છે. 2,000 બેઠકનું ગ્રાન્ડ થિયેટર, 250 બેઠકનું એડવાન્સ સ્ટુડિયો થિયેટર અને 125 બેઠકનું ડાયનેમિક ક્યુબ થિયેટર સામેલ છે. 4 માળની આર્ટ ગૅલરી ધરાવતા સાંસ્કૃતિક કેન્દ્રનો ઉદ્દેશ્ય ભારતીય કળાઓને જાળવવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.

નીતા અંબાણીની લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ છે. નીતા અંબાણીએ વિશ્વની સૌથી મોંઘી લગભગ 90થી 100 કરોડ રૂપિયાની કાર ખરીદી છે.  આટલી મૂલ્યવાન કાર ખરીદનાર તેઓ પ્રથમ મહિલા છે. નીતા અંબાણીનું પ્રાઇવેટ જેટ લગભગ 230 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે. મુકેશ અંબાણીએ નીતાને તેમના 44મા જન્મદિવસ પર કસ્ટમ ફીટેડ એરબસ-319 લક્ઝરી પ્રાઇવેટ જેટ ભેટમાં આપ્યું હતું. નીતા જાપાનની સૌથી જૂની ક્રૉકરી બ્રાન્ડ ‘નોરીટેક’ના કપમાં ચા પીને દિવસની શરૂઆત કરે છે. નીતાને બલ્ગારી, કાર્ટીઅર, રાડો, ગુસી, કેલ્વિન કેલીન અને ફૉસિલ જેવી  વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડની ઘડિયાળો પસંદ છે. ચેનલ, ગોયાર્ડ અને જિમ્મી ચુ કેરે જેવી લક્ઝરી હૅન્ડબૅગ્સ પણ ખૂબ પસંદ છે. તેમની પાસે પેડ્રો, ગાર્સિયા, પલમોડા, માર્લીન બ્રાન્ડના પગરખાં અને સેન્ડલ છે. નીતા પાસે 48.5 મિલિયન ડૉલર-લગભગ 315 કરોડ રૂપિયાની કિંમતનો ફાલ્કન સુપરનોટા આઇફોન-6 પિંક ડાયમંડ ફોન છે. આ ફોન 24 કૅરેટ સોના અને પિંક ગોલ્ડથી બનેલો છે. તેની ખાસિયત એ છે કે તેમાં પ્લૅટિનમ કૉટિંગ હોવાથી ફોન તૂટવાની શક્યતા રહેતી નથી. આ ફોનને હેક પણ કરી શકાતો નથી. જો કોઈ એવો પ્રયાસ કરે તો સંદેશ તરત જ ફોનના વપરાશકાર  સુધી પહોંચી જાય છે. આ ફોન એકમાત્ર નીતા અંબાણી પાસે છે.

પુત્ર આકાશના લગ્નમાં નીતાએ 40 લાખની સાડી પહેરી હતી. ક્રીમ અને પિંક કલરની આ સાડી ભારતના જાણીતા પેઇન્ટર રાજા રવિ વર્માની પેઇન્ટિંગની પ્રતિકૃતિ પર ડિઝાઇન કરવામાં આવી હતી. સાડીનું ભરતકામ સોનાના તારથી કરવાની સાથે તેના નિર્માણમાં નીલમણિ,  રૂબી, મોતી અને  પોખરાજ  જેવા રત્નોનો ઉપયોગ થયો  હતો. આ કાંજીવરમ સાડીનું સંયુક્ત રીતે 36 મહિલા કારીગરો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. 8 કિલો વજન ધરાવતી સાડીને તૈયાર કરવામાં એક વર્ષ કરતાં પણ વધુ સમય લાગ્યો હતો. અતિ વૈભવી જીવન જીવતાં નીતા અંબાણી શ્રીમંત પણ છે અને દાનવીર પણ છે. સૌંદર્ય, સંપત્તિ અને સખાવતના ત્રિવેણી સંગમનું  ઉદાહરણ છે.

         ટીના દોશી