અંબર (રસાયણશાસ્ત્ર) : શંકુદ્રુમ (conifers) પ્રકારનાં વૃક્ષોની અશ્મીભૂત રાળ (resin) જેવો કાર્બનિક પદાર્થ. વૃક્ષમાંથી સ્રવતા મૂળ પદાર્થમાંના બાષ્પીય ઘટકો કાળાંતરે ઊડી જતાં અને દટાયેલ સ્થિતિમાં રાસાયણિક રૂપાંતર પછી અવશેષરૂપે અંબર પેદા થાય છે. તે પીળા, લાલ, નારંગી, તપખીરી અને કવચિત્ વાદળી કે લીલા રંગના પારદર્શક કે પારભાસી (transluscent) ટીપારૂપે કે ગાંગડારૂપે મળે છે. અંબર બાલ્ટિક સમુદ્રના કિનારાના પ્રદેશોમાં તથા મ્યાનમાર (બર્મા), સિસિલી અને રૂમાનિયામાં મળે છે. બાલ્ટિક સમુદ્રના છીછરા દરિયાના તળિયે કે કિનારાની રેતાળ ભૂમિમાં તે સારા પ્રમાણમાં મળી આવે છે. આ રેતાળ ખડકો 3થી 6 કરોડ વર્ષ પુરાણા હોવાનું માલૂમ પડ્યું છે. અંબરના ટુકડાઓમાં હવાના પરપોટા કે કીટકો દટાયેલા માલૂમ પડે છે. આના અભ્યાસ ઉપરથી તે યુગની જીવનસ્થિતિ અંગે માહિતી મળે છે. તેની કઠિનતા 2-3 મોઝ, વિ. ઘ. 1.05થી 1.10, મૃદુલન બિંદુ (softening point) 1500 સે., ગ. બિં. 250-3500 સે. છે. અંબરના બધા ઘટકોનો અભ્યાસ કરીને તેનો રેઝિન આપતાં આધુનિક વૃક્ષો સાથે સંબંધ જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બાલ્ટિક અંબરને બાળતાં સક્સિનિક ઍસિડ મળે છે. કૌરી અને કોપાલ રેઝિન પણ અંબરના પ્રકાર છે. અંબરના દંડ(rod)ને ઘસતાં તેમાં સ્થિર વિદ્યુત (static electricity) ઉત્પન્ન થાય છે. આ બાબત ગ્રીકોએ ઈ. પૂ. 600માં નોંધી છે. અંબરના ટુકડાને જોડી શકાય છે, પણ તેમાંની સમાંતર વહન-રેખાઓને કારણે તે પરખાઈ જાય છે. અંબર સામાન્ય રીતે અસ્ફટિકમય હોય છે. જોકે કેટલાક પ્રકાર X – કિરણો વડે સ્ફટિકમય માલૂમ પડે છે. અંબરનું સામાન્ય સૂત્ર C10H16O છે.
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી