અંતિયોક 3જો (ઈ. પૂ. ત્રીજી સદી) : સેલુકવંશનો ગ્રીક રાજા. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એશિયાઈ મુલકો ઉપર યવનવિજેતા સેલુકસની સત્તા જામી. આ સેલુકવંશમાં અંતિયોક 3જો થયો, જેણે પહલવ અને બાહલિક રાજ્યો ઉપર સત્તા જમાવવા નિષ્ફળ કોશિશ કરેલી. આથી દિમિત્રને પોતાની કુંવરી પરણાવીને તેણે તે રાજ્ય સાથે મૈત્રીસંબંધો બાંધ્યા. આરંભમાં એણે હિન્દુકુશ ઓળંગી છેક કાબુલ સુધી વિજયકૂચ કરેલી અને ત્યાંના રાજા સુભગસેનને વશ કરેલો.

રસેશ જમીનદાર