અંતરીક્ષયાન પ્રમોચન-મથકો

January, 2001

અંતરીક્ષયાન પ્રમોચનમથકો : કોઈ પણ અંતરીક્ષયાનના પ્રમોચન દરમિયાન પ્રમોચનવાહન અથવા રૉકેટના જુદા જુદા તબક્કા તથા અન્ય ભાગ છૂટીને ભૂમિ પર પડતા હોય છે. આનાથી જાન-માલને નુકસાન ન થાય એ હેતુને ધ્યાનમાં રાખીને પ્રમોચન-મથકો હમેશાં વસ્તીવિહીન ઉજ્જડ પ્રદેશો અથવા વિશાળ સમુદ્રના કિનારાના ભૂમિ-પ્રદેશોમાં સ્થાપવામાં આવતાં હોય છે. આ ઉપરાંત, બીજો અગત્યનો મુદ્દો એ છે કે પૃથ્વીની પશ્ચિમથી પૂર્વ દિશાની દૈનિક ભ્રમણગતિનો લાભ લઈ શકાય એ માટે મોટેભાગે અંતરીક્ષયાનનું પ્રમોચન પૂર્વ દિશામાં કરવામાં આવતું હોય છે. આથી પૂર્વ દિશામાં ઉજ્જડ વસ્તીવિહીન વિશાળ ભૂમિ-પ્રદેશ અથવા વિશાળ સમુદ્ર હોય તો એ સ્થાન પ્રમોચન-મથક માટે વધારે યોગ્ય ગણવામાં આવે છે. દુનિયાના જુદા જુદા દેશોનાં પ્રમોચન મથકો ઉપર્યુક્ત બંને મહત્ત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સ્થાપવામાં આવેલાં છે.

દરેક પ્રમોચન-મથક એક સંકુલ તંત્ર સમાન ગણી શકાય. એમાં જુદા જુદા પ્રકારની સુવિધા તથા વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. ઉપગ્રહના પ્રમોચન પહેલાં તેની યોગ્ય જાળવણી માટે સુવિધા, ઉપગ્રહ/ રૉકેટના પરીક્ષણ અંગેની યંત્ર-વ્યવસ્થા, રૉકેટ-બળતણના ઉત્પાદન/સંગ્રહ અંગેની વ્યવસ્થા, પ્રમોચન દરમિયાન રૉકેટની કામગીરી વિશે પ્રસારિત થતા રેડિયો-સંકેતો ગ્રહણ કરવાની દૂર-માપન(telemetry)ની અને રૉકેટને રેડિયો-સંકેત દ્વારા દૂર-આદેશ (telecommand) આપવાની વ્યવસ્થા, રૉકેટના પ્રક્ષેપન-માર્ગના પથશોધન (tracking) અંગે વ્યવસ્થા અને એની જટિલ ગણતરી કરવા માટેનાં કમ્પ્યૂટરો, પ્રમોચન પહેલાં હવામાન અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વ્યવસ્થા તથા છેલ્લે પ્રમોચન-સંકુલના સંરક્ષણ અંગેની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રમોચન માટેના મંચ (launch tower) અને તેની યંત્રરચના પણ પ્રમોચન-મથકમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Artist Concept of SLS on Launchpad

અંતરીક્ષયાન પ્રમોચન-મથકનો રચનાત્મક ખ્યાલ

સૌ. "Artist Concept of SLS on Launchpad " | CC BY-NC 2.0

અત્યાર સુધીમાં દુનિયાના આઠ દેશોએ પોતાના અંતરીક્ષયાનના પ્રમોચનની સ્વતંત્ર ક્ષમતા હાંસલ કરી છે. આ આઠ દેશોમાં રશિયા, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ચીન, જાપાન, ભારત અને છેલ્લે ઇઝરાયલનો સમાવેશ થાય છે.

રશિયા : 1991માં સોવિયેત રશિયાના ભાગલા પડ્યા એ પછી અલગ અલગ રાજ્યોનું સંકુલ – ‘કાઉન્સિલ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ (C.I.S.) – અસ્તિત્વમાં આવ્યું છે. જે રાજ્યોમાં અંતરીક્ષના કાર્ય અંગેની સુવિધા છે, તે સુવિધાની માલિકી તે રાજ્યની ગણાય છે. અગાઉ સોવિયેત રશિયાનાં મુખ્ય ત્રણ પ્રમોચન-મથકો હતાં  પ્લેસેત્સ્ક, ત્યુરાતામ અને કાપુસ્તિન યાર. આમાનું ત્યુરાતામ (બાઇકોનૂર) કઝાખસ્તાન રાજ્યમાં આવેલું છે એટલે તેની માલિકી કઝાખસ્તાન રાજ્યની છે અને તેનો ઉપયોગ કરવા માટે રશિયાને તેનો ખર્ચ આપવો પડે છે. રશિયાનાં પ્રમોચન-મથકો  પ્લેસેત્સ્ક અને કાપુસ્તિન યાર  અંગેની માહિતી નીચે આપેલી છે.

(1) પ્લેસેત્સ્ક : રશિયાનું મહત્વનું પ્રમોચન-મથક, જે ‘નૉર્ધર્ન કૉસ્મૉડ્રોમ’ તરીકે પણ ઓળખાય છે. ઉચ્ચ ઉત્તર અક્ષાંશ (630 ઉત્તર, 400 પૂર્વ), ઉચ્ચ નમનકોણ ધરાવતી ભ્રમણકક્ષામાં ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવા માટે આ મથક ખૂબ અનુકૂળ છે (દા.ત., રશિયન સંદેશા-વ્યવહાર ઉપગ્રહ ‘મોલ્નિયા’). આ ઉપરાંત, જાસૂસી ઉપગ્રહોને ધ્રુવીય અને અતિલંબ વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે આ પ્રમોચન-મથકનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે રશિયાનાં આવાં વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વનાં સ્થાનો વિશે વિશ્વસનીય માહિતી મેળવી શકાતી નથી; તેમ છતાં અમેરિકાના ‘લૅન્ડસૅટ’ ઉપગ્રહ દ્વારા 1973માં મળેલી તસવીરો પરથી જાણવા મળ્યું છે કે આ પ્રમોચન-મથકનો વિસ્તાર 100 કિમી. જેટલો છે, અને તેમાં કુલ ચાર પ્રમોચન-સંકુલ છે. આ સમગ્ર સ્થાન ભૂમિથી હવા પર્યંત (surface-to-air) પ્રક્ષેપાસ્ત્રોથી સુરક્ષિત કરવામાં આવેલું છે.

(2) કાપુસ્તિન યાર : ઐતિહાસિક દૃષ્ટિએ કાપુસ્તિન યાર રશિયાનું સૌથી જૂનું રૉકેટ-મથક ગણાય છે. શરૂઆતમાં અહીં બીજા વિશ્વયુદ્ધ પછી મેળવેલાં V-2 રૉકેટોમાં કૂતરાં અને અન્ય પ્રાણીઓને 500 કિમીની ઊંચાઈ સુધી મોકલીને તેમની ઉપર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવતો હતો. 1962થી શરૂ કરીને 1980 સુધી અહીંથી 70 જેટલા ‘કૉસમૉસ’ શ્રેણીના વૈજ્ઞાનિક ઉપગ્રહોનું પ્રમોચન કરવામાં આવ્યું હતું. પ્લેસેત્સ્ક પ્રમોચન-મથકની સ્થાપના પછી આ મથકનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો હતો. ભારતના પહેલા ત્રણ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’, ‘ભાસ્કર-1’ અને ‘ભાસ્કર-2’ આ મથક પરથી જ પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. 1975માં ‘લૅન્ડસૅટ’ ઉપગ્રહ દ્વારા મળેલી તસવીર પરથી જાણવા મળ્યું હતું કે આ પ્રમોચન-મથક લગભગ 7,000 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તેનું ભૌગોલિક સ્થાન વૉલ્ગા નદીથી ઉત્તર-પૂર્વ દિશામાં અને મૉસ્કોથી 965 કિમી. દૂર દક્ષિણ-પૂર્વમાં છે.

કઝાખસ્તાન : અહીંનું ત્યુરાતામ (બાઇકોનૂર) નામનું પ્રમોચન-મથક અગાઉ સોવિયેત રશિયાનું મહત્વનું પ્રમોચન-મથક હતું. 1950થી અહીં રૉકેટ અને પ્રક્ષેપાસ્ત્રના પ્રયોગો કરવામાં આવતા હતા. દુનિયાના પહેલા કૃત્રિમ ઉપગ્રહ ‘સ્પુતનિક-1’ તથા યુરી ગેગેરીનનું પહેલું (સ-માનવ) અંતરીક્ષયાન આ મથકેથી પ્રક્ષેપિત કરાયાં હતાં. આ મથકનું સ્થાન કઝાખસ્તાનમાં ત્યુરાતામ (લેનિન્સ્ક) પાસે ઍરલ (Aral) સમુદ્રની પૂર્વ દિશામાં અને બાઇકોનૂરથી નૈર્ઋત્ય દિશામાં 370 કિમી. દૂર છે.

1988થી 1995 સુધીમાં ભારતના ત્રણ દૂર-સંવેદન ઉપગ્રહો IRS-1A, 1B અને 1C આ મથક પરથી ધ્રુવીય કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા.

અમેરિકા : અમેરિકાનાં મુખ્ય ત્રણ પ્રમોચન-મથકો છે : (1) વાન્ડેનબર્ગ એર-ફૉર્સ બેઇઝ, (2) કેપ કેનાવરલ અથવા કેપ કેનેડી અને (3) વૉલપ્સ આયલૅન્ડ.

(1) વાન્ડેનબર્ગ એર-ફૉર્સ બેઇઝ : આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રોના પ્રમોચન માટેનું અમેરિકાનું આ મુખ્ય પ્રમોચન-મથક સૌથી વધારે ગુપ્ત છે. આ બધાં પ્રક્ષેપાસ્ત્રો જમીનની નીચે ખૂબ ઊંડે ભોંયરામાં સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. આ સ્થળ લૉસ એન્જેલસથી 160 કિમી. ઉત્તરે કૅલિફૉર્નિયામાં 40 કિમી. વિસ્તારના કિનારાના લાંબા રેતાળ અને ઝાડી-ઝાંખરાંવાળા વેરાન પ્રદેશમાં આવેલું છે. લશ્કરી પ્રક્ષેપાસ્ત્રો ઉપરાંત વૈજ્ઞાનિક અને લશ્કરી ઉપગ્રહોને અહીંથી ધ્રુવીય ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. 1982 સુધીમાં અહીંથી 441 ઉપગ્રહોનું પ્રમોચન કરવામાં આવ્યું હતું.

1960ની શરૂઆતમાં ‘જેમિની’ શ્રેણીના સ-માનવ ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા માટે આ મથક સ્થાપવામાં આવ્યું હતું, જોકે 1969થી આ પ્રકારના કાર્યક્રમો બંધ કરીને ત્યાં ‘સ્પેસ-શટલ’ના પ્રમોચન માટે જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં ‘સ્પેસ-શટલ’ને ધ્રુવીય ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવાનું શક્ય બને.

(2) કેપ કેનાવરલ અથવા કેપ કેનેડી : 1947માં આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રના વિકાસકાર્ય માટે અમેરિકાના ફ્લૉરિડા રાજ્યના દરિયાકાંઠાના રેતાળ અને વેરાન પ્રદેશમાં આ પ્રમોચન-મથક સ્થાપવામાં આવ્યું હતું. 1983 સુધીમાં અમેરિકાનાં બધાં જ સ-માનવ અંતરીક્ષયાનો તથા કેટલાક વૈજ્ઞાનિક ઉપગ્રહો મળીને કુલ 344 જેટલાં પ્રક્ષેપન અહીંથી કરવામાં આવ્યાં હતાં. અમેરિકાના મહત્વના સ-માનવ અંતરીક્ષ કાર્યક્રમો  એપૉલો સ્કાયલૅબ તથા સ્પેસ-શટલ અંગેના પ્રમોચનના  અહીં જ યોજવામાં આવ્યા હતા. અમેરિકાના પ્રમુખ કેનેડીની હત્યા પછી આ મથકનું નામ ‘કેપ કેનેડી’ રાખવામાં આવ્યું હતું. અહીંનાં સંખ્યાબંધ પ્રમોચન-સંકુલોમાંના અમુકનો ઉપયોગ બંધ કરીને તેમને ઐતિહાસિક સ્મૃતિચિહનો તરીકે જાળવવામાં આવ્યાં છે, જે રવિવારે સહેલાણીઓ માટે ખુલ્લાં રાખવામાં આવે છે.

(3) વૉલપ્સ આયલૅન્ડ : કેપ કેનાવરલ અને વાન્ડેનબર્ગ પછી અમેરિકાનું આ ત્રીજું પ્રમોચન-મથક 1945માં સ્થાપવામાં આવ્યું હતું. શરૂઆતમાં અહીં ફક્ત પ્રક્ષેપન-વાહનોનું પરીક્ષણ કરવામાં આવતું હતું. 1979 સુધીમાં અહીંથી 19 વૈજ્ઞાનિક ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. ત્યારપછી આ મથકનો ઉપયોગ ફક્ત પરિજ્ઞાપી (sounding) રૉકેટના પ્રયોગો માટે જ થાય છે.

ફ્રાન્સ/યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) : ફ્રાન્સનાં શરૂઆતનાં રૉકેટ, પ્રક્ષેપાસ્ત્ર તથા ઉપગ્રહ-પ્રમોચન અંગેના પ્રયોગો અલ્જિરિયામાં સહરાના રણપ્રદેશમાં આવેલા લશ્કરી થાણા ‘કોલંબ બેકર’ ખાતે કરવામાં આવતા હતા. પરંતુ અલ્જિરિયા સ્વતંત્ર થયું એ પછી આ થાણું ખાલી કરવું પડ્યું હતું. ત્યારપછી ફ્રેન્ચ ગિયાના(દ. અમેરિકા)માં આવેલા કુરુ ખાતે એક પ્રમોચન-મથક સ્થાપવામાં આવ્યું હતું. ગરમ અને ભેજવાળી આબોહવા હોવા છતાં વિષુવવૃત્તથી ફક્ત 20 ઉત્તર અક્ષાંશ પર આવેલું કુરુ, ભૂ-સમક્રમિક ઉપગ્રહોના પ્રમોચન માટે ખૂબ અનુકૂળ છે. કેપ કેનાવરલની સરખામણીમાં અહીંથી પૂર્વ દિશામાં થતા પ્રમોચનમાં 17 ટકા વધુ ભારે પેલૉડ ભ્રમણકક્ષામાં મોકલી શકાય છે. વળી, પૂર્વ કે ઉત્તર દિશાના પ્રમોચન દરમ્યાન પ્રમોચન-વાહનનો ઉડ્ડયન-પથ 3,000 કિમી. સુધી સમુદ્ર પર જ હોય છે. આ પ્રમોચન મથક હવે યુરોપની અંતરીક્ષસંસ્થા (ESA) માટે ઉપયોગમાં લેવાય છે. 1983 સુધીમાં અહીંથી કુલ 11 ઉપગ્રહો પ્રક્ષેપિત કરાયા હતા. 19 જૂન 1981ના રોજ ભારતનો પહેલો પ્રાયોગિક ભૂ-સમક્રમિક સંદેશા-વ્યવહાર ઉપગ્રહ ‘ઍપલ’ તથા 22 જુલાઈ 1988ના રોજ ભારતનો INSAT-1C ઉપગ્રહ ESAના પ્રમોચન-વાહન ‘એરિયાન’ની મદદથી આ મથક પરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા.

બ્રિટન (યુનાઇટેડ કિંગ્ડમ) : બ્રિટન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત પ્રયાસથી 1946માં વુમેરા (ઑસ્ટ્રેલિયા) ખાતે સ્થાપવામાં આવેલું પ્રમોચન મથક ઍડેલેઇડથી 430 કિમી. દૂર ઉત્તરમાં આવેલું છે. વુમેરાની પૂર્વે 2,000 કિમી.નો વિશાળ રણપ્રદેશ છે. એ રીતે આ સ્થળ રૉકેટ અને પ્રક્ષેપાસ્ત્રોના પરીક્ષણ માટે ખાસ અનુકૂળ છે. 1976થી બ્રિટને આ મથક અંગેની બધી જવાબદારી છોડી દીધી છે. 1982 સુધીમાં અહીંથી ફક્ત બે જ ઉપગ્રહો પ્રક્ષેપિત થયા છે. પહેલો ઉપગ્રહ 1967માં અમેરિકાના ‘રેડસ્ટોન’ રૉકેટ દ્વારા અને બીજો બ્રિટનનો ‘પ્રૉસ્પેરો’ ઉપગ્રહ બ્રિટનના જ રૉકેટ ‘બ્લૅક ઍરો’ દ્વારા પ્રક્ષેપિત કરાયા હતા.

ચીન : ચીનનું પ્રમોચન-મથક ‘શુઆંગ ચૅન્ગ ત્સે’ મધ્યચીનમાં, બીજિંગથી આશરે 1,600 કિમી. પશ્ચિમે અને લોપનોરથી 800 કિમી. દૂર પૂર્વમાં આવેલું છે. ‘લૅન્ડસૅટ-2’ ઉપગ્રહ દ્વારા મળેલી તસવીર પરથી જાણવા મળ્યું છે કે આ મથકનો વિસ્તાર પ્રમાણમાં નાનો છે. 1983 સુધીમાં અહીંથી કુલ 11 ઉપગ્રહો પ્રક્ષેપિત થયા છે. ચીનમાં બીજાં બે પ્રમોચન-મથકો પણ તૈયાર કરવામાં આવ્યાં છે.

જાપાન : જાપાનનાં બે પ્રમોચન-મથકો છે  ‘કાગોશીમા’ અને ‘તાનેગાશીમા’. ક્યુશુ ટાપુની દક્ષિણે 220 મીટર ઊંચી ટેકરીઓ પર આવેલું ‘કાગોશીમા’ પ્રમોચન-મથક 1962માં સ્થાપવામાં આવ્યું હતું. 1970થી શરૂ કરીને જાપાનના પહેલા છ ઉપગ્રહો અહીંથી જ પ્રક્ષેપિત કરાયા હતા. ત્યાંના માછીમારોએ રૉકેટ પ્રક્ષેપનથી થતા ભારે અવાજ અને એના જોખમ અંગે વારંવાર ફરિયાદો કરવાથી જાપાનની સરકારે ‘તાનેગાશીમા’ ખાતે બીજું વધારે સલામત પ્રમોચન-મથક ઊભું કર્યું છે. આ સ્થળ ‘કાગોશીમા’ની દક્ષિણે 100 કિમી. દૂર આવેલા એ જ નામના 58 કિમી. લાંબા ટાપુ ઉપર છે. જોકે આ સ્થાન અંગે પણ ત્યાંના માછીમારોએ ફરિયાદો કરી હોવાથી રૉકેટ/ઉપગ્રહોનાં પ્રક્ષેપન ફક્ત ફેબ્રુઆરી અને ઑગસ્ટ મહિના પૂરતાં જ સીમિત રાખવામાં આવ્યાં છે.

ભારત : ભારતનું ઉપગ્રહ પ્રમોચન-મથક ‘શ્રીહરિકોટા’ પૂર્વ કિનારે આંધ્ર પ્રદેશમાં આવેલું છે. પૂર્વ દિશામાં બંગાળાનો ઉપસાગર હોવાથી પૂર્વ દિશામાં પ્રક્ષેપન માટે આ સ્થળ ખાસ અનુકૂળ છે. અહીંથી SLV-3 દ્વારા ત્રણ ‘રોહિણી’ ઉપગ્રહો તથા ASLV પ્રમોચન-વાહન દ્વારા SROSSC તથા SROSS-C2 ઉપગ્રહો પૃથ્વીની નજીકની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. ત્યારપછી 1994થી 1999 સુધીમાં ‘ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપક-વાહન’ (PSLV) દ્વારા ભારતના ચાર દૂર-સંવેદન ઉપગ્રહો IRSP-2, IRSP-3, IRS-1D તથા IRSP-4 ધ્રુવીય કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. છેલ્લા પ્રક્ષેપનમાં IRSP-4 સાથે અન્ય દેશોના બીજા બે ઉપગ્રહો KITSAT (કોરિયા) તથા TUBSAT (જર્મની) પણ ધ્રુવીય કક્ષામાં પ્રક્ષેપિત કરાયા હતા. પરિજ્ઞાપી રૉકેટ (sounding rocket) અંગેના પ્રયોગો માટે પણ આ મથકનો ઉપયોગ કરવામાં આવે છે.

નગેન્દ્રવિજય

પરંતપ પાઠક