અંતરીક્ષયાન પ્રમોચન-વાહન, સંવર્ધિત

January, 2001

અંતરીક્ષયાન પ્રમોચનવાહન, સંવર્ધિત (Augmented Satellite Launch Vehicle–ASLV) : 150 કિગ્રા. વજનના ઉપગ્રહને પૃથ્વીની નજીક 400 કિમી.ની ઊંચાઈએ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે ભારતનું આ પ્રમોચન-વાહન તૈયાર કરવામાં આવ્યું છે. મૂળભૂત રીતે જોઈએ તો આ વાહન SLV-3 (જુઓ આકૃતિ) પ્રમોચન-વાહનનું સંવર્ધિતરૂપ જ છે. SLV-3ના પહેલા તબક્કાના રૉકેટની બંને બાજુ પર એક એક વધારાનું રૉકેટ જોડીને આ પ્રમોચન-વાહન તૈયાર કરવામાં આવ્યું છે, જેથી વધારાના ધક્કાથી ભારે વજનનો ઉપગ્રહ વધારે ઊંચાઈએ પ્રક્ષેપિત થઈ શકે. ASLVના બધા તબક્કાનાં રૉકેટ ઘન બળતણ વડે કાર્ય કરે છે. પ્રક્ષેપન સમયે તેની લંબાઈ 23.5 મીટર અને કુલ વજન 39 ટન હોય છે. પ્રક્ષેપન દરમિયાન તેનું સમગ્ર કાર્ય નીચેની આકૃતિમાં બતાવ્યું છે :

અંતરીક્ષયાન પ્રમોચન-વાહન

‘ASLV’નાં પહેલાં બે વિકાસલક્ષી ઉડ્ડયનો D-1 અને D-2 (તારીખ 24 માર્ચ, 1987 અને 13 જુલાઈ, 1988) નિષ્ફળ નીવડ્યાં હતાં. ત્રીજું વિકાસલક્ષી ઉડ્ડયન D-3 (20 મે, 1992) સંપૂર્ણ રીતે સફળ નીવડ્યું હતું, જેમાં સ્રોસ-સી (Stretched Rohini Series Satellite–SROSS-C) નામનો ઉપગ્રહ 450 કિમી.ની ઊંચાઈ પર પ્રક્ષેપિત થયો હતો. ત્યારપછીનું ચોથું વિકાસલક્ષી ઉડ્ડયન D-4 (4 મે, 1994) પણ સફળ થયું હતું, જેમાં SROSS-C 2 નામનો 113 કિગ્રા. વજનનો ઉપગ્રહ પૃથ્વીની નજીકની લંબવર્તુળાકાર કક્ષા(ન્યૂનતમ અંતર — 437 કિમી., મહત્તમ અંતર – 938 કિમી.)માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ASLVનાં વધારાનાં ઉડ્ડયનો સ્થગિત કરવામાં આવ્યાં હતાં.

પરંતપ પાઠક