અંત:પેશી શેક (diathermy) : ચામડી નીચેની પેશીઓને અપાતો શેક. જુલના નિયમને આધારે એકાંતરિયો (alternate) વીજ-સંચાર (electric current) ગરમી ઉત્પન્ન કરે છે. ઓછી પુનરાવર્તિતાવાળો વીજસંચાર ધ્રુવીકરણ (polarization)ની અસરને કારણે ગરમી ઉત્પન્ન કરતી વખતે પેશીને નુકશાન પહોંચાડે છે, જ્યારે વધુ પુવરાવર્તિતાવાળો અને ઓછી તરંગલંબાઈવાળો વીજ-સંચાર ચામડીને વધુ પડતી ગરમી આપવાને બદલે અંદરની પેશીઓને જરૂરી ઉષ્મા આપે છે કે પરારક્ત દીપ (infrared lamp) અને ઉષ્માદાયી વીજપડ (heating pad) અંદરની પેશીને બદલે ચામડીને વધુ પડતી ગરમી આપે છે. અંત:પેશી શેકમાં વીજશક્તિ એક વીજદંડ-(electrode)થી બીજા વીજદંડ સુધી પસાર થતાં શરીરની અંદરની પેશીઓને શેક આપતી રહે છે. તે શરીરમાં કોઈ રાસાયણિક ક્રિયાઓ કરતી કે કરાવતી નથી તેમજ સંવેદના (sensation) કે ચાલક (motor) ચેતાતંતુઓને ઉત્તેજિત કરતી નથી. એક વોલ્ટનો વીજસંચાર 0.239 કૅલરી ગરમી ઉત્પન્ન કરે છે. અહીં લઘુતરંગોવાળા વીજસંચારનો ઉપયોગ થાય છે; માટે આને લઘુતરંગ અંત:પેશી શેક કહે છે.

અંત:પેશી શેક સ્થાનિક પેશીમાં લોહીનું ભ્રમણ તેની ગ્રંથિઓનો સ્રાવ, ત્યાંના પ્રાણવાયુનો પુરવઠો અને ઉપયોગ તથા તેનું ચયાપચય (metabolism) વધારે છે. સમગ્ર શરીરના ચયાપચયની સાથે નાડી અને શ્વાસોચ્છવાસની ગતિમાં પણ વધારો થાય છે. તે સ્થાનિક ચેતાતંતુઓનું શમન કરે છે અને તેથી પીડાકારક સંવેદનાઓ અને સ્નાયુનાં આકુંચનો (cramps) ઘટે છે. ઉષ્માસંવેદી (heat sensitive) જીવાણુઓ બિનઉપદ્રવી થાય છે અથવા મરી જાય છે. આને કારણે શોથજન્ય (inflammatory) સોજો ઘટે છે, દુખાવો ઓછો થાય છે અને અંગની ક્રિયાઓ સક્ષમ બને છે. દીર્ઘકાલી (chronic) અથવા અલ્પોગ્ર (sub-acute) સંધિશોથ (arthritis), દાહ(burn)ની ઈજાજન્ય અથવા શોથકારી અવસ્થાઓ, તૂટેલાં હાડકાંના જોડાણમાં વિલંબ, ઈજાજન્ય સતંતુતા(fibrosis)ને કારણે જકડાઈ ગયેલો સાંધો, નિતંબગુહા(pelvic cavity)નો શોથ, સ્ત્રીઓના જનન-અવયવોનો શોથ અને શ્વસનીયશોથ (bronchitis), પરિફેફસીશોથ (pleurisy) વગેરે શ્વસનતંત્રના રોગો ઉપર આ શેકની સારવાર થાય છે.

નિદાન ન થઈ શકેલી કોઈ પણ પીડાકારક સ્થિતિમાં અંત:પેશી શેકનો ઉપયોગ હાનિકારક પણ નીવડે. સાંધામાં પરુ થયું હોય, લોહી વહેવાની તકલીફ હોય, કૅન્સરને કારણે પીડા થતી હોય અથવા ચેતાતંતુની ઈજાને કારણે પીડા હોય તો અંત:પેશી શેકનો ઉપયોગ નથી થતો.

વીણા રામનાની

શિલીન નં. શુક્લ