અંત:ક્ષેપ પંપ (Infusion pump) : નસ વાટે સતત દવા આપવા માટેની યાંત્રિક યોજના. તેના દ્વારા દર્દીની રોજિંદી ક્રિયામાં ખલેલ ન પહોંચે તે રીતે તેને સતત ઘણા દિવસો માટે કે કાયમ માટે ધમની (artery) કે શિરા (vein) વાટે દવા આપી શકાય છે. તે માટે વપરાતા પંપ બે પ્રકારના હોય છે : (1) શરીરની બહાર રખાતા બાહ્ય (external) અંત:ક્ષેપ પંપ અને (2) શરીરમાં ચામડીની નીચે બેસાડેલા અંત:રોપ્ય (implantable) પંપ. કેટલાક બાહ્ય અંત:ક્ષેપ પંપ દર્દી ખીસામાં કે બગલથેલામાં રાખી શકે તેટલા નાના હોય છે. તે 30થી 50 મિલી.ના નિક્ષેપક (syringe) દ્વારા 0.4થી 2 મિલી. પ્રતિકલાકના દરે પ્રવાહી દવા આપ્યે જાય છે.

અંત:રોપ્ય પંપ વડે કોઈ પણ અવયવની ધમની (દા.ત., યકૃત, liver) કે શિરામાં દવા આપી શકાય છે. આ પંપ આખા દિવસમાં 3થી 5 મિલી. પ્રવાહી દવા આપે છે અને તે એકસાથે 50 મિલી. દવા સંગ્રહી શકે છે. આમ દર એક કે બે અઠવાડિયે તેમાં દવા ફરીથી ભરવી પડે છે. અંત:ક્ષેપ પંપની રચના સરળ હોય છે. તેમાં મુખ્ય પાંચ ભાગો હોય છે : (1) દવા ભરવાની જગ્યા, (2) વીજશક્તિ માટે બૅટરી, (3) દવા આગળ ધકેલવાની યાંત્રિક રચના, (4) પ્રવાહનિયામક અને (5) રુધિરવાહિની સાથે જોડતી વિમોચન(delivery)-નળી. વીજશક્તિથી ચાલતા આ પંપની વિદ્યુત દર્દીને નુકસાન ન કરે તેની કાળજી લેવામાં આવેલી હોય છે.

Infusionspumpe

અંત:ક્ષેપ પંપ

સૌ. "Infusionspumpe" | CC BY-SA 3.0

મધુપ્રમેહ (diabetes mellitus)ના દર્દીને ઇન્સ્યુલિન, લોહીનું ગંઠન (clotting) અટકાવવા હીપેરિન અને કેટલીક કૅન્સરની દવાઓ આપવા આ પંપ વપરાય છે. આ આધુનિક પંપો ભારતમાં ઘણા ખર્ચાળ હોય છે અને પરદેશથી મંગાવવા પડે છે. અત્યારે ઉપલબ્ધ કેટલાક પંપની માહિતી આ મુજબ છે : (1) Cor-Med Model ML 6-4 Infusion Pump Cormed Corporation, U.S.P. (2) Infusion pump. Model 400, Infusion Corporation, U.S.P. (3) IVAC 530, Peristaltic Infusion pump, IVAC Corporation, U.S.

પંકજ મ. શાહ

શિલીન નં. શુક્લ