અંડેરી ગંડેરી ટીપરી ટેન

January, 2001

અંડેરી ગંડેરી ટીપરી ટેન (1966) : ગુજરાતી બાળનાટક. લેખિકા : ધીરુબહેન પટેલ. બહુ ઓછાં લાંબાં ગુજરાતી બાળનાટકોમાંનું એક. એના બાળપાત્ર નન્નુભાઈને એકથી નવ સુધીનાં દરેક અંક પોતપોતાના દેશમાં લઈ જાય છે અને એક સૂરજ, એક ચંદ્રથી માંડી નવ રત્નો અને નવ તારા સુધીના ઝૂમખાનો પરિચય કરાવી, એકથી નવ સુધીનું શિક્ષણ આપે છે. પછી એ બધાના મુખી જેવા ‘શૂન્યરાજા’ પાસે એને લઈ જવામાં આવે છે. ક્યાંક ક્યાંક ક્યારેક એમાં ચમત્કારો પણ સર્જાય છે. શિયાળો, ઉનાળો વગેરે ઋતુઓ, દિશાઓ, સંગીતના સૂરો તથા પાંડવો, સૂપડકન્નો રાજા, સાત પૂંછડિયો ઉંદર વગેરે પાત્રોની એની કથાના વળાંકો અને પરિવેશને નિર્દેશે છે. જાણે આખો કલ્પનાનો દેશ ખડો થાય છે, મેટરલિંકનું ‘બ્લૂ બર્ડ’ નાટક યાદ આવી જાય એવો. વિશિષ્ટ ગુજરાતી પુરાકથાઓ અને બાળવાર્તાઓનાં પાત્રોનું આ નાટકમાં સારું સંયોજન થયું છે. નાટકના નિર્માણમાં પુનરુક્તિઓ રસપ્રદ બની શકી છે. પ્રાસયુક્ત મનોરંજક જોડકણાં અનેક સ્થળે બાળકાવ્યનાં ઊંચાં શિખરો સર કરે છે. બાળનટો દ્વારા જ બાળપ્રેક્ષકો માટે શૈક્ષણિક બની રહેતું આ નાટક કૌતુકી વાતાવરણ સર્જે છે. રંગભૂમિ પર દૃશ્યયુક્તિઓ પ્રયોજવાની પૂરતી તકો આપતું આ નાટક અનેક રીતે બધા પ્રકારના રંગકર્મીઓ માટે નાટ્યસાહસ બની શકે તેમ છે.

હસમુખ બારાડી