અંડનળીબંધન અને પુનર્રચના

January, 2001

અંડનળીબંધન અને પુનર્રચના (tubal ligation and reconstruction) : ગર્ભધારણ રોકવા માટે અંડનળી(fallopian tube)ને બાંધી દેવી અને જરૂર પડે ત્યારે ગર્ભધારણહેતુથી તેને ફરીથી કાર્યાન્વિત કરવી તે. સામાન્ય રીતે ગર્ભધારણ કાયમી ધોરણે રોકવા માટે અંડનળી-બંધનની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આ માટે છેલ્લાં 30 વર્ષોમાં ભારતમાં ૩ કરોડ સ્વૈચ્છિક શસ્ત્રક્રિયાઓ થઈ છે. કેટલાક લોકો ધાર્મિક કારણસર તેનો વિરોધ કરે છે. શસ્ત્રક્રિયા વખતે પતિ-પત્ની બંનેની લેખિત સંમતિ લેવામાં આવે છે. પત્ની જો પતિની સંમતિ છે તેવું લેખિત જાહેર કરે તો તે માન્ય રખાય છે. ત્રણ પ્રકારની શસ્ત્રક્રિયાઓ થાય છે : (1) ઉદર(પેટ)માર્ગે, (2) યોનિ-(vagina)માર્ગે અને (૩) ઉદરગુહાંતદર્શક (ઉદરદર્શક, laparoscope) વડે. ઉદરમાર્ગી શસ્ત્રક્રિયા માટે પેટ પર કાપ (incision) મૂકી બંને અંડનળીઓને છૂંદીને પછી બાંધી દેવામાં આવે છે. આને માટે ઘણી પદ્ધતિઓ ઉપલબ્ધ છે, પરંતુ સામાન્ય રીતે પોમેરૉયની સુધારેલી પદ્ધતિ વધુ અપનાવાય છે. યોનિમાર્ગી શસ્ત્રક્રિયા માટે યોનિછેદ (colpotomy) વડે અંડનળી સુધી પહોંચાય છે. ઉદરદર્શક વડે થતી શસ્ત્રક્રિયાના સેવાયજ્ઞો (camps) યોજવામાં આવે છે. મોંઘું સાધન અને વાપરવાની વિશિષ્ટ આવડત માગી લેતી આ પદ્ધતિ પ્રચલિત થયેલી છે. હૉસ્પિટલમાંનું ટૂંકું રોકાણ, નાનકડો ઘા અને ઝડપી શસ્ત્રક્રિયા આ પદ્ધતિનાં ઉપકારક પાસાં ગણાય. પેટની પરિતનગુહા(peritoneal cavity)માં હવા ભરી ઉદરદર્શક વડે પેટમાં ભેદક (trocar) અને નિવેશિકા (cannula) નાખવામાં આવે છે. અંડનળીઓને સીધી રીતે જોઈને તેમને યૂનની કડીઓ વડે બાંધી દેવામાં આવે છે. ડૂંટી પાસેના સ્થાનિક ભાગને બહેરો કરીને કે હળવા ઘેનની અસર હેઠળ આ શસ્ત્રક્રિયા થઈ શકે છે. વિવિધ અભ્યાસોમાં તેની નિષ્ફળતાનો આંક ૦.1થી ૦.56 % જેટલો જ છે. ગર્ભાશયનિરીક્ષા (hysteroscopy) દ્વારા અંડનળીને સિરૅમિક (ceramic) કે ઍક્રિલિક(acrylic)ના ડાટા લગાવી શકાય છે અથવા ક્વિનાફીન વડે રાસાયણિક વંધ્યીકરણ (sterilization) કરી શકાય છે. આ પદ્ધતિઓ હજુ નવી છે.

અંડનળીબંધન અને પુનર્રચના : સ્ત્રી-પ્રજનનમાર્ગ અને અંડનળી-બંધન (તીર દ્વારા દર્શાવેલી જગ્યા) : (1) અંડગ્રંથિ, (2) અંડનળી, (3) ગર્ભાશય, (4) યોનિ

બાળકોનાં મરણને કારણે કે પુનર્લગ્નને કારણે ક્યારેક અંડનળીની પુનર્રચના (tuboplasty) કરવાની જરૂર ઊભી થાય છે. બંધનને કારણે અંડનળીનો તંતુભૂત (fibrosed) ભાગ કાપી કાઢીને ખુલ્લા છેડાઓને સૂક્ષ્મદર્શકની મદદથી નાયલૉન કે પૉલિથીન વડે સાંધી લેવામાં આવે છે. આ પદ્ધતિની સફળતા 40 %થી 6૦ % જેટલી છે, પરંતુ સફળ ગર્ભધારણ તો ફક્ત 15 % કિસ્સામાં જ શક્ય બને છે.

પ્રકાશ પાઠક

શિલીન નં. શુક્લ

અનુ. હરિત દેરાસરી