અંડગ્રંથિકોષ્ઠ

January, 2001

અંડગ્રંથિકોષ્ઠ (ovarian cyst) : અંડગ્રંથિ(ovary)ની પ્રવાહી ભરેલી ગાંઠ. ક્યારેક અંડગ્રંથિની પેશીના કાર્યની વિષમતા કોષ્ઠ સર્જે છે. આવા કોષ્ઠને વિષમ-કાર્યશીલ (dysfunctional) કોષ્ઠ કહે છે. તે ત્રણ પ્રકારના હોય છે : (1) પુટિકા (follicular) કોષ્ઠ : જો તે કાર્યશીલ હોય તો અંત:સ્રાવ (hormone) ઉત્પન્ન કરે છે. તેથી ગર્ભાશયમાંથી લોહી પડવાનો, રુધિરસ્રાવી ગર્ભાશય-વ્યાધિ (metropathia haemorrhagica) નામનો રોગ થાય છે. (2) પીતપિંડ (corpus luteal) કોષ્ઠ : ગ્રાફિયન (Graffian) પુટિકામાંથી અંડકોષ (ovum) છૂટો પડ્યા પછી રહી ગયેલી પેશીને પીતપિંડ કહે છે. અંડકોષ ફલિત થાય તો તે કરમાઈ જાય છે, પરંતુ પીતપિંડ કરમાઈ ન જાય તો તે પીતપિંડ કોષ્ઠ સર્જે છે. (3) પીત (lutein) કોષ્ઠ : કોષ્ઠકારી ગાંઠ (vesicular mole) તથા ગર્ભાવરણના કૅન્સર(choriocarcinoma)માં ગર્ભાવરણી જનનગ્રંથિ ઉત્તેજાતાં (chorionic gonadotrophin) અંત:સ્રાવ ઉત્પન્ન થાય છે. તેઓ બંને અંડગ્રંથિઓમાં પીતકોષ્ઠો સર્જે છે.

અંડગ્રંથિના કેટલાક કોષ્ઠો અને અર્બુદો : (1) અન્ય અવયવોનું અંડગ્રંથિઓમાં પ્રસરેલું કૅન્સર, (2) સુતરલ કોષ્ઠગ્રંથિ કૅન્સર, (3) શ્લેષ્મસમ કોષ્ઠગાંઠ, (4) ત્વચાભ, (5) કોષ્ઠગાંઠનું મોચન

વિષમકાર્યશીલતા ઉપરાંત નવવિકસન(neoplasia)ને કારણે પણ અંડગ્રંથિમાં કોષ્ઠ સર્જાય છે. આ પ્રકારના કોષ્ઠ ખરેખર તો સૌમ્ય (benign) કે દુર્દમ (કૅન્સર) ગાંઠના પ્રકારો હોય છે. કોષ્ઠમાં રહેલું પ્રવાહી સુતરલ (serous) કે શ્લેષ્મસમ (mucinous) હોય છે. અંદર રહેલા પ્રવાહીને આધારે અંડગ્રંથિની કોષ્ઠ ધરાવતી સૌમ્ય ગાંઠને સુતરલ કોષ્ઠગાંઠ (cystadenoma) કે શ્લેષ્મસમ કોષ્ઠગાંઠ કહે છે. ક્યારેક ત્વચાભ (dermoid) પણ કોષ્ઠવાળી સૌમ્ય ગાંઠ રૂપે જોવા મળે છે. આ ત્રણ પ્રકારની કોષ્ઠગાંઠમાં ક્યારેક કૅન્સર થાય છે, જેમ કે સુતરલ કોષ્ઠગ્રંથિકૅન્સર (cystadenocarcinoma), શ્લેષ્મસમ કોષ્ઠગ્રંથિકૅન્સર તથા ત્વચાભમાં ઉદભવતું કૅન્સર. અંડગ્રંથિમાંની ગાંઠ કોષ્ઠ વગરની એટલે કે ઘન (solid) પણ હોય છે. તે પણ સૌમ્ય કે દુર્દમ (malignant) એમ બંને પ્રકારની હોય છે. અંડગ્રંથિના કોષ્ઠનું વર્ગીકરણ સારણી 1માં દર્શાવેલું છે. (અંડગ્રંથિની ઘનગાંઠોના વર્ગીકરણ માટે જુઓ ‘કૅન્સર, અંડગ્રંથિનું’.)

અંડગ્રંથિના કોષ્ઠ

1. સૌમ્ય કોષ્ઠ (benign cyst)

        ક.      વિષમકાર્યશીલ (dysfunctional)

                ક-1.    પુટિકા કોષ્ઠ (follicular cyst)

                ક-2.   પીતપિંડ કોષ્ઠ (corpus leuteal cyst)

                ક-3.   પીતકોષ્ઠ (lutein cyst)

        ખ.     નવવિકસન (neoplasia)

                ખ-1.   સુતરલ કોષ્ઠગાંઠ કે સુતરલ કોષ્ઠાર્બુદ (serous

                        cystadenoma)

                ખ-2.   શ્લેષ્મસમ કોષ્ઠગાંઠ કે શ્લેષ્મસમ કોષ્ઠાર્બુદ (mucinous

                        cystadenoma)

                ખ-3.   ત્વચાભ (dermoid)

2. દુર્દમ (malignant) કોષ્ઠ (કૅન્સર)

        ક.      સુતરલ કોષ્ઠગ્રંથિકૅન્સર (serous cystadenocarcinoma)

        ખ.     શ્લેષ્મસમ કોષ્ઠગ્રંથિકૅન્સર (mucinous cystadenocarcinoma)

        ગ.     ત્વચાભમાં કૅન્સર

અંડગ્રંથિની સૌમ્ય ગાંઠના દર્દીનું પેટ ધીમે ધીમે આગળની બાજુ મોટું થાય છે, અને બંને બાજુ પરથી સપાટ બને છે. પેટમાં કળતર થાય છે. નાની ગાંઠને કારણે કોઈ ચિહન ન પણ ઉત્પન્ન થાય. જ્યારે મોટી ગાંઠને કારણે પાંડુતા (anaemia) તથા અપચો (dyspepsia) થાય છે. આસપાસના અવયવો પરના દબાણને કારણે કબજિયાત, પગના સોજા, શ્વાસ લેવાની તકલીફ અથવા પેશાબની વારંવાર ઇચ્છા કે અટકાવ થાય છે. ઋતુસ્રાવ-વિકારો (menstrual disorders) પણ થાય છે. દર્દી વ્યક્તિ સતત સુકાતી જાય છે. સ્પર્શતપાસમાં પરિતનગુહા(peritoneal cavity)માં આવેલી લીસી સપાટીવાળી, બધી દિશામાં સહેલાઈથી ખસેડી શકાતી અને સ્પષ્ટ કિનારીવાળી, ગર્ભાશયથી અલગ, યોનિની કોઈ એક કમાન(vaginal fornix)માં આવેલી ગાંઠ છે એમ જાણી શકાય છે. કોષ્ઠ ફાટી જાય, તેમાં ચેપ લાગે, તેમાંથી લોહી વહે કે તેને આમળ (મોટન, torsion) ચઢે ત્યારે અચાનક પેટમાં દુખાવો, ઊલટી અને પેટનું ફૂલી જવું વગેરે થાય છે. તેને માટે ક્યારેક તાત્કાલિક શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

દુર્દમ ગાંઠને કૅન્સર કહે છે. તેના દર્દીનું પેટ ઝડપભેર મોટું થતું જાય છે, તેમાં દુખાવો થાય છે. અપચો, વજનઘટાડો, એક પગે સોજો, ગર્ભાશયમાંથી લોહીનું પડવું તથા ક્યારેક આંતરડાં પરના દબાણનાં ચિહનો જોવા મળે છે. કૃષકાયતા (cachexia), પાંડુતા અને ક્યારેક હાંસડી ઉપર ગળાની લસિકાગ્રંથિઓ (lymphnodes) મોટી થઈ આવે છે. પેટમાંની ગાંઠ, ગર્ભાશયથી અલગ, કઠણ, અનિયમિત અને સ્પર્શવેદના(tenderness)વાળી હોય છે. અમુક અંશે ચોંટેલી હોવાથી તેને મર્યાદિત પ્રમાણમાં હલાવી શકાય છે. જળોદર (ascites) થાય છે. ડગ્લાસની કોથળી(pouch of Douglas)માં પણ કઠણ ગંડિકાઓ થાય છે.

વિષમ કાર્યશીલ કોષ્ઠમાં ઉપર જણાવેલ ચેપ, રુધિરસ્રાવ, આમળ (મોટન) કે ફાટી જવા જેવી આનુષંગિક તકલીફો થાય તો જ શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. સૌમ્ય અને દુર્દમ ગાંઠને શસ્ત્રક્રિયા વડે દૂર કરવામાં આવે છે. સૌમ્ય ગાંઠને અંડગ્રંથિછેદ (ovariotomy) દ્વારા કાઢી નાખવામાં આવે છે. જરૂર પડ્યે બંને અંડનળીઓ, બંને અંડગ્રંથિઓ અને સંપૂર્ણ ગર્ભાશય પણ કાઢી નાખવામાં આવે છે. અંડગ્રંથિની કૅન્સરની ગાંઠ હોય તો બંને અંડનળીઓ, બંને અંડગ્રંથિઓ તથા સંપૂર્ણ ગર્ભાશય ઉપરાંત ઉદરપટલ (omentum) તથા નિતંબ(pelvis)માંની તથા મહાધમની (aorta) પાસેની મોટી થયેલી લસિકાગ્રંથિઓને પણ કાઢી નાખવામાં આવે છે. કૅન્સરના પ્રકાર અને ફેલાવા પ્રમાણે શસ્ત્રક્રિયા પછી વિકિરણ-ચિકિત્સા (radiotherapy) આપવામાં આવે છે. શસ્ત્રક્રિયા પછી બાકી રહેલા કે ફરીથી થતા કૅન્સર માટે સાઇક્લોફૉસફેમાઇડ, મિથોટ્રેક્ઝેટ, વીનફીસ્ટિન, માયટોમાયસિન, મેલ્ફેલાન વગેરે દવાઓ વિવિધ જૂથોમાં આપવામાં આવે છે. ક્યારેક દવાઓ પરિતનગુહામાં સીધી આપવામાં આવે છે. બહિસ્ત્વકીય (epidermal) કૅન્સરમાં 75 % સુધી સારવારની અસરકારકતા જોવા મળે છે. શરૂઆતની ઔષધચિકિત્સા પછી ફરી શસ્ત્રક્રિયા કરી બાકી રહેલી ગાંઠ દૂર કરી શકાય છે. ગાંઠની વધઘટ કૅન્સર-ગર્ભીય પ્રતિજન(carcinoembryonica antigen : CEA)ના લોહીમાંના પ્રમાણ વડે પણ જાણી શકાય છે. સામાન્ય રીતે પ્રથમ બે તબક્કાના કૅન્સરના દર્દીઓમાં 4૦ %થી 5૦ % દર્દીઓ પાંચેક વર્ષ સુધી જીવે છે, જ્યારે ત્રીજા અને ચોથા તબક્કાના દર્દીઓમાં માંડ 5 % દર્દીઓને આ સદભાગ્ય સાંપડે છે.

શરદ પરીખ

શિલીન નં. શુક્લ