અંડકોષજનન (oogenesis) : અંડકોષનું ઉત્પન્ન થવું તે. નારી-પ્રજનનકોષને અંડકોષ (ovum) કહે છે. તે અંડગ્રંથિમાં ઉદભવતી ગ્રાફિયન પુટિકા(Graaffian follicle)માં હોય છે. ગ્રાફિયન પુટિકા અંત:સ્રાવો(hormones)ની અસર હેઠળ તૈયાર થયેલું આદિ (primodial) પુટિકાનું પુખ્ત સ્વરૂપ છે.
યૌવનારંભ (puberty) પછી મોટા મગજમાં આવેલા અધશ્ચેતક (hypothalamus) નામના ભાગમાંથી વિમોચનકારી (releasing) અંત:સ્રાવો ઉત્પન્ન થાય છે, જે અગ્રપીયૂષિકા (anterior pituitary) ગ્રંથિના બે અંત:સ્રાવોનું ઉત્પાદન વધારે છે પુટિકા-ઉત્તેજનકારી અંત:સ્રાવ (follicle stimulating hormone; FSH) અને પીતપિંડકારી અંત:સ્રાવ (luteinizing hormone, LH). આ અંત:સ્રાવોની હાજરીમાં આદિપુટિકામાંથી ગ્રાફિયન પુટિકા તૈયાર થાય છે. ગ્રાફિયન પુટિકાનું સૌપ્રથમ વર્ણન 1672માં રેગ્નિયર ડીગ્રાફે કર્યું હતું. દરેક ઋતુસ્રાવચક્ર(menstrual cycle)માં સામાન્ય રીતે એક જ ગ્રાફિયન પુટિકા પુખ્તતા પામે છે. તે ઈસ્ટ્રોજન નામનો અંત:સ્રાવ ઉત્પન્ન કરે છે, જે તેની અંદર આવેલી ગુહા(cavity)માંના પ્રવાહી(પુટિકાતરલ, liquor folliculi)માં વધુ પ્રમાણમાં હોય છે. તે ગોળાકાર કે અંડાકાર હોય છે. તેના કોષો બે હરોળમાં આવેલા હોય છે. બહારની હરોળને અંતર્દીવાલ (theca interna) અને અંદરની હરોળને અંત:કણીય કોષપડ (inner granulosa cell layer) કહે છે. ગ્રાફિયન પુટિકાની ગુહામાંની અંત:કણીય કોષપડની ચકતી આકારની લઘુગંડિકા(projection)માં અંડકોષ સ્થાપિત થયેલો હોય છે. મોટામાં મોટી ગ્રાફિયન પુટિકા 2૦થી 25 મિમી.ની હોય છે. અશ્રાવ્ય ધ્વનિચિત્રણ (ultrasonography) વડે તેની માહિતી મેળવી શકાય છે. વંધ્યતા (sterility) અને અફલિતતા(infertility)ના નિદાનમાં આ માહિતી ઉપયોગી છે. વળી બહારના ફલીકરણના પ્રયોગો (બહિષ્કાય ફલીકરણ, in-vitro fertilization) કે જે ‘ટેસ્ટ-ટ્યૂબ બેબી’ તરીકે જાણીતું છે, તેમાં તથા કૃત્રિમ શુક્રનિવેશન(artificial insemination)માં પણ અલ્ટ્રાસોનોગ્રાફી વડે પુખ્ત ગ્રાફિયન પુટિકાનું નિદર્શન ઉપયોગી રહે છે.
પુખ્ત અંડકોષનો વ્યાસ 12૦થી 14૦ માઇક્રોમિમી.નો હોય છે, જ્યારે તેનું કેન્દ્ર 2૦ ´ 2૦ માઇક્રોમિમી. હોય છે. અંડકોષની આસપાસ અંડકોષ-પડ (theca externa) તેના સંપુટ(capsule)રૂપે તથા અંત:કણીય કોષપડ વિસ્તારી મુકુટ-પટ(corona radiata)રૂપે આવરણ બનાવે છે. તે છૂટા પડેલા અંડકોષને ચોંટેલા રહે છે.
ઋતુસ્રાવ–પ્રારંભકાળ યાને રજોદર્શન(menarche)થી ઋતુસ્રાવ-નિવૃત્તિકાળ (menopause) સુધીના લગભગ દરેક ઋતુસ્રાવચક્રમાં એક અંડકોષ ઉત્પન્ન થાય છે અને અંડગ્રંથિમાંથી છૂટો પડે છે. એક વખત જમણી, બીજી વખત ડાબી, એમ વારાફરતી દર મહિને એ બહાર પડે છે. ક્યારેક એકથી વધુ અંડકોષ છૂટા પડે અને ફલિત થાય તો એકથી વધુ ગર્ભ ઉત્પન્ન થાય છે. કોઈ એક ઋતુસ્રાવચક્રમાં અંડકોષ છૂટો ન પડે તો તેને નિરંડકોષી (anovulatory) ચક્ર કહે છે.
પ્રકાશ પાઠક
શિલીન નં. શુક્લ
અનુ. હરિત દેરાસરી