અંડક (ovule) : બીજાશયના પોલાણમાં એક કે વધુ સંખ્યામાં રહેલું સ્ત્રીકેસરનું અંગ. સ્ત્રીકેસર પુષ્પનું ટોચનું કે ચોથું ચક્ર છે. તેના બીજા ત્રણ ભાગો તે બીજાશય, પરાગવાહિની અને પરાગાસન કે બોરિયું. બીજાશયનું પોલાણ એક કે વધુ અંડક કે બીજાંડ ધરાવે છે.

માદાજન્યુ કે અંડકોષ(female gamete)ને અંડક આશ્રય આપે છે. અંડકના બીજદેહમાં આવેલા અંડકોષનું મિલન પુંજન્યુ (male gamete) સાથે થતાં અંડકનું પરિવર્તન બીજમાં થાય છે.

Ovules in flower

પુષ્પનું અંડક

સૌ. "Ovules in flower" | CC BY-SA 3.0

અંડક એકથી ત્રણ આવરણો ધરાવે છે. પહેલું તે બાહ્ય, બીજું અંત:બીજાવરણ અને સૌથી બહારનું તે બીજોપાંગ (aril) ક્વચિત જ હોય છે. અંડકનાં આવરણો ફલન પછી બીજમાં રહેલા ભ્રૂણ (embryo) અને ભ્રૂણપોષ(endosperm)ને રક્ષણ આપે છે.

અંડકનો મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ(meiosis)થી વિભાજન પામવાની અનન્ય ક્ષમતા ધરાવે છે. આથી માદાજન્યુમાં એકકીય (haploid = n) રંગસૂત્રો હોય છે. કોષના અર્ધીકરણ માટેનાં વનસ્પતિમાં બે જ સ્થાનો હોય છે : એક અંડક અને બીજું પુંકેસર પરાગાશય.

મુકુંદ દેવશંકર ભટ્ટ

સરોજા કોલાપ્પન