અંજોદીદી (1955) : હિંદી નાટ્યકાર ઉપેન્દ્રનાથ ‘અશ્ક’નું એક નાટક. અંજો (જેનું નામ અંજલિ છે), સુસંપન્ન-સંસ્કારી વર્ગની મહિલા છે. તેણે પોતાના બધા ગુણો દાદાજી પાસેથી વારસારૂપે મેળવ્યા છે. દાદાનાં કાર્યોની તેના પર સ્પષ્ટ અસર છે. દાદાએ જ તેનું પાલનપોષણ કર્યું હોય છે. તેના દાદા આઈ.સી.એસ. ઑફિસર હતા. અંજોના પતિ ઇન્દ્રનારાયણ વકીલ છે. તેમના ઘરમાં અંજોનું જ શાસન ચાલે છે. અંજોના ઘરમાં સ્વચ્છંદતા નથી. કુટુંબનો કોઈ પણ સભ્ય અંજોની ઇચ્છાવિરુદ્ધ કંઈ કામ કરી શકતો નથી. અચાનક એક દિવસ ઘરમાં અંજોના ભાઈ શ્રીપતનો પ્રવેશ થાય છે. તે આધુનિક માનસ ધરાવનાર વ્યક્તિ છે. આ ઘરમાં વર્ષોથી ચાલ્યા આવતા ચાટ નહિ ખાવાના નિયમનો એક ક્ષણમાં જ શ્રીપત ભંગ કરે છે. ઇન્દ્રનારાયણ અંજોથી છાની રીતે દારૂ પીવા લાગે છે. જ્યારે અંજોને આ વાતની ખબર પડે છે ત્યારે તે હૃદયની બીમારીનો ભોગ બને છે. દૃઢ પ્રતિજ્ઞા કર્યા છતાં પણ ઇન્દ્રનારાયણ દારૂ છોડતો નથી. અંજો આ ગેરશિસ્તથી કંટાળીને આપઘાત કરે છે. આપઘાત કર્યા પછી પણ શાસન તો અંજોનું જ ચાલે છે ! અંજો પછી એ ઘરનું પ્રતિનિધિત્વ સોમી  નીરજની પત્ની  કરે છે. તેનામાં પણ અંજો જેવી જ ભાવના છે. તે એક રીતે અંજોના જ પડછાયારૂપ છે. અંજોના મૃત્યુ પછી ઇન્દ્રનારાયણ જજ બને છે. તેની રહેણીકરણીમાં સાત્વિકતા આવી જાય છે. ત્યારબાદ વીસ વર્ષ પછી શ્રીપત ફરીથી આવે છે. તેને સમગ્ર પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડતાં કહે છે કે ‘‘હું સાચું કહું છું, અંજો મારી બહેન હતી. પણ તે મોસાળમાં દાદા પાસે ઊછરી હતી. તે મનોવિકારી અને જાલિમ હતી. તે આ ઘરને ઘડિયાળની જેમ ચલાવવા માંગતી હતી, પણ એ જાણતી ન હતી કે ઘડિયાળ એક મશીન છે, જ્યારે માનવી મશીન નથી. માનવીનું યંત્ર બનવું તે એક વિકૃતિ જ છે.’’

પ્રસ્તુત નાટક મનોવૈજ્ઞાનિક છે. નાટકનું દરેક પાત્ર અંજોની દમનવૃત્તિનું શિકાર બનતું હોય છે, જે મૂલ્યોને જીવન દરમિયાન અંજો  વળગી રહી તેમને તે મૃત્યુ દ્વારા પણ સ્થાપિત કરે છે.

પ્રસ્તુત નાટક પરોક્ષ રીતે પતિ-પત્નીના વિચાર-વૈષમ્યને સફળતાથી નિરૂપિત કરે છે. નાટકની ભાષા પાત્રાનુકૂળ છે. રંગમંચની સજાવટ પ્રયોગાત્મક છે.

રામકુમાર ગુપ્ત