અંજુમને ઇસ્લામ

January, 2001

અંજુમને ઇસ્લામ : અંગ્રેજો વિરુદ્ધના 1857ના વિપ્લવ પછી મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા, સામાજિક સુધારાઓ દાખલ કરવા તથા આધુનિક શિક્ષણના પ્રસારના હેતુથી સાર્વજનિક મુસ્લિમ સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી, જેમને સામાન્ય રીતે અંજુમને ઇસ્લામ અર્થાત્ મુસ્લિમ મંડળ નામ આપવામાં આવ્યું હતું. જૂના મુંબઈ રાજ્યમાં મુંબઈ શહેર તથા ગુજરાતમાં અમદાવાદ, સૂરત, વડોદરા જેવાં પ્રમુખ નગરો ઉપરાંત નાના કસબાઓ, જિલ્લા અને તાલુકામથકોમાં પણ એક યા બીજા નામે આવી સંસ્થાઓ સ્થપાઈ હતી. આવી અંજુમને ઇસ્લામ સંસ્થાઓને મહદ્અંશે રાજ્યનું સમર્થન અને આશ્રય પ્રાપ્ત થતાં હતાં અને તે બિનસાંપ્રદાયિક ધોરણે પ્રાથમિક-માધ્યમિક શાળાઓ ચલાવતી હતી, જેમાં અંગ્રેજી ભાષાનું સઘન શિક્ષણ આપવામાં આવતું હતું. અમદાવાદમાં આ પ્રકારની અંજુમને ઇસ્લામ સંસ્થા ડિસેમ્બર 1884માં સ્થપાઈ હતી; તેની છત્રછાયા હેઠળ અંગ્રેજી, ગુજરાતી તથા ઉર્દૂ માધ્યમની અલગ અલગ શાળાઓ તેમજ બે કન્યાશાળાઓ અને એક પ્રૌઢશિક્ષણ-વર્ગ શરૂ થયાં હતાં. આ શાળાઓ – વર્ગો અમદાવાદ શહેરની મધ્યમાં જુમ્મા મસ્જિદ પાસે કામ કરતાં હતાં. 1893માં આસ્ટોડિયા રોડ ઉપર શાળાને પોતાનું આગવું બહાઉદ્દીન મદરેસા નામનું નવું મકાન પ્રાપ્ત થયું હતું.

અંજુમને ઇસ્લામ, અમદાવાદમાં શરૂઆતનાં વર્ષોમાં જિલ્લા કલેક્ટર પોતાના હોદ્દાની રૂએ પ્રમુખપદ સંભાળતા હતા. 1919માં ભારતીય ન્યાયસેવાના ખાનબહાદુર સર મેહબૂબ કાદરીને પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તેમણે અને તેમના પછીના મુસ્લિમ પ્રમુખો તથા મંત્રીઓએ અંજુમને ઇસ્લામની પ્રગતિમાં મહત્વનો ફાળો આપ્યો હતો. અંજુમને ઇસ્લામને પ્રારંભથી જ અમદાવાદના અગ્રગણ્ય નાગરિકો તથા શિક્ષણમાં રસ લેતા મહાનુભાવો, જેવા કે રાવબહાદુર લાલશંકર ઉમિયાશંકર, સર માણેકજી પેસ્તનજી મોદી, સૈયદ સૈયદમિયાં એહમદમિયાં, શ્રી મહિપતરામ રૂપરામ નીલકંઠ, ગણપતરામ ગૌરીશંકર, શેખ જાનમોહંમદ હુસેનમિયાં, રેવાશંકર અંબારામ ભટ્ટ વગેરેનો સક્રિય સાથ મળ્યો હતો તેમજ દેશી રજવાડાંઓ – વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ; પાલનપુર, રાધનપુર, જૂનાગઢના નવાબો તેમજ કચ્છ, પાલિતાણા, ઈડર વગેરેનાં રાજવી કુટુંબો તરફથી નાણાકીય સહાય મળતી રહેતી હતી. આમ સમગ્ર સમાજના સહકારથી શિક્ષણની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને અંજુમને ઇસ્લામની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિસ્તારવામાં આવી હતી. તેના વિકાસ અને આધુનિકીકરણના ભાગરૂપ કાલુપુર ટાવર પાસે એક અંગ્રેજી માધ્યમિક શાળા (અંજુમન ઇંગ્લિશ સ્કૂલ), આસ્ટોડિયા રોડ ઉપર બહાઉદ્દીન મદ્રેસા સામે હૉસ્ટેલ અને 1952માં બહેનો માટેની માધ્યમિક સ્કૂલ તથા 1954માં હૉસ્ટેલની જગ્યાએ શાળા માટેનું નવું મકાન બાંધવામાં આવ્યાં હતાં. 1984માં અંજુમને ઇસ્લામની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે કાલુપુરમાં શાળાનું નવું મકાન બંધાયું અને આસ્ટોડિયા રોડ ઉપર બહાઉદ્દીન મદ્રેસાની જગ્યાએ એક અદ્યતન ઇમારત ઊભી થઈ છે. અંજુમને ઇસ્લામ  અમદાવાદે શિક્ષણ ઉપરાંત રમતગમત તથા સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ઉજ્જ્વળ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે; અમદાવાદના મુસ્લિમ સમાજના સર્વાંગી વિકાસમાં તે સંસ્થાએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. હાલ અંજુમને ઇસ્લામ તરફથી કાલુપુર તથા આસ્ટોડિયા રોડ ઉપર ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, એક ટૅકનિકલ શાળા અને એક સાર્વજનિક પુસ્તકાલય ચલાવવામાં આવે છે.

રસૂલમિયાં એહમદમિયાં શેખ

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી