અંજીર ફૂદું : એક ઉપદ્રવી કીટક. અંજીર ફૂદા(એફિસ્ટિયા કૉટેલા)નો રોમપક્ષશ્રેણીના પાયરેલિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંગ્રહેલ ચોખા, ઘઉંનો લોટ તથા બીજાં અનાજ અને સૂકાં ફળમાં આ જીવાતથી નુકસાન થાય છે. અનાજ દળવાની મિલોમાં પણ તેનો ઉપદ્રવ થાય છે. આ કીટક ભૂખરા રંગનો હોય છે. રતાશ પડતી સફેદ ઇયળ પોતાની લાળમાંથી રેશમ બનાવીને અનાજના દાણા સાથે ચોંટાડી અનાજની નાની ભૂંગળી બનાવી તેમાં ભરાઈ રહે છે. આથી તે સહેલાઈથી દેખાઈ આવે છે. માદા 25૦ જેટલાં ઈંડાં મૂકે છે, જેમાંથી 4થી 6 દિવસમાં ઇયળ નીકળે છે. 25થી 5૦ દિવસમાં ઇયળમાંથી કોશેટા બને છે અને 8થી 14 દિવસમાં તેમાંથી ફૂદાં નીકળે છે, જે 78 દિવસ સુધી જીવે છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
રાવજીભાઈ છોટાભાઈ પટેલ
જિતેન્દ્ર રાવજીભાઈ પટેલ
પરબતભાઈ ખી. બોરડ