અંગૂઠો ચૂસવો : બાળકની લાંબા વખત સુધી અંગૂઠો ચૂસવાની ટેવ. તે આશરે ત્રણથી ચાર વર્ષની ઉંમર સુધી સ્વાભાવિક ગણાય છે. આ ઉંમર પછી પણ જો બાળક અંગૂઠો ચૂસવાનું ચાલુ રાખે તો તેની માઠી અસર પડે છે. તે ઊગતા દાંતની રચના અને જડબાંનાં હાડકાંને નુકસાન કરે છે.

મોંની રચના, અંગૂઠો ચૂસવાથી આવતું દબાણ તથા તેનાથી થતી વિકૃતિઓ

અંગૂઠો ચૂસવાથી બાળકના ઉપરના દાંત આગળ આવે છે. તેનું મોઢું આગળથી ખુલ્લું રહે છે તથા ઉપર અને નીચેના દાંત વચ્ચે જગ્યા પડી જાય છે. આને લીધે બાળકને મોઢા વડે શ્વાસ લેવાની ટેવ પડે છે. ઉપરના, આગળના અને નીચેના દાંત ભેગા ન થઈ શકવાથી બાળકને વસ્તુ કાપવામાં તકલીફ પડે છે. ગાલના સ્નાયુઓને વધુ તકલીફ પડવાથી ઉપર અને નીચેની દાઢો અંદરના ભાગમાં ખસતી જાય છે અને જડબાં સાંકડાં થતાં જાય છે.

બાળક ત્રણથી ચાર વર્ષની ઉંમર પછી, ધીરે ધીરે અંગૂઠો ચૂસવાની ટેવ ન છોડે તો તેને માતાપિતાએ કાળજી રાખીને સમજાવવું જોઈએ. સાથે સાથે જો કોઈ માનસિક કારણ હોય; જેમ કે, બાળકની ઉપેક્ષા થતી હોય, તો તે દૂર કરવી જોઈએ. આ માટે બાળકને ભૂખ્યું ન રાખતાં, તેના અંગૂઠા પર બિનહાનિકારક એવો કડવો કે તીખો પદાર્થ લગાડવો જોઈએ, જેથી તે અંગૂઠો ચૂસવાની ટેવ ભૂલી જાય. આમ છતાં બાળક જો આ ટેવ ન છોડે તો દાંતના ડૉક્ટરની સલાહ લેવાય છે. તેના મોઢામાં  સ્પ્રિંગો બેસાડીને પણ આ ટેવ દૂર કરી શકાય છે.

કિરીટ હરિલાલ શાહ

શિલીન નં. શુક્લ