અંગુલિવંકતા (tetany) : શરીરમાં કૅલ્શિયમની ઊણપ અથવા આલ્કલી કે સાઇટ્રેટના વધારાને કારણે આંગળીઓનું વાંકું વળી જવું તે. શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘણી રીતે ઘટે છે; જેમ કે, પરાગલગ્રંથિનો ઘટેલો અંત:સ્રાવ (parathyroid hormone), વિટામિન ‘ડી’ની ઊણપ અને મૂત્રપિંડના રોગો. વધુ પ્રમાણમાં ઊલટી થાય ત્યારે તથા સોડાબાયકાર્બ(રાંધવાનો સોડા)નો દવા તરીકે વધુ પ્રમાણમાં ઉપયોગ થાય ત્યારે શરીરમાં આલ્કલીનું પ્રમાણ વધે છે. દર્દીને વધુ પ્રમાણમાં લોહી ચઢાવવામાં આવે ત્યારે દર્દીના શરીરમાં સાઇટ્રેટ વધુ પ્રમાણમાં પ્રવેશે છે. આ બધી પરિસ્થિતિઓમાં અંગુલિવંકતા થઈ આવી છે. કેટલાક સ્વાદુપિંડના રોગોમાં તથા સ્ત્રીઓના ઋતુસ્રાવ સમયે, પ્રસૂતિ સમયે અને પયધારણકાળ (lactaction period)માં કોઈક વાર અંગુલિવંકતા થાય છે.

અંગુલિવંકતાની શરૂઆતમાં આંગળીઓ ખેંચાવા માંડે છે અને થોડી વાંકી વળી જાય છે અને એક ઉપર એક ચઢી જાય છે. પગમાં ખૂબ કળતર થાય છે અને ઝણઝણાટી તથા ખાલી ચઢે છે. શરીરના મોટા  ભાગના સ્નાયુઓમાં દુખાવો થાય છે, સ્નાયુઓ ફરકે છે અને છેવટે ખેંચાવા પણ લાગે છે. સ્વરપેટીના સ્નાયુઓના આવા પ્રકારના સંકોચનને કારણે ઘરઘરાટી જેવો અવાજ પેદા થાય છે. ક્યારેક પેટમાં ચૂંક આવે, ઊલટી થાય અને શ્વાસ ચઢે. ક્યારેક આંચકી આવતી હોય તેવી ખેંચ પણ શરૂ થાય છે.

આકૃતિ 1 : પરાગલગ્રંથિનું ગળામાં સ્થાન (ગળાનું પાછળથી દેખાતું ર્દશ્ય) : (1) ગ્રસની (pharynx), (2) ગલગ્રંથિઓ (thyroid glands), (3) પરાગલગ્રંથિઓ, (4) અન્નનળી, (5) શ્વાસનળી, (6) ગળાની મુખ્ય ધમનીઓ અને શિરાઓ

લોહીમાં કૅલ્શિયમનું કે પરાગલગ્રંથિના અંત:સ્રાવનું ઘટેલું પ્રમાણ કે બાયકાર્બોનેટ(HCO)નું વધેલું પ્રમાણ નિદાનમાં ઉપયોગી છે. કેટલીક નિદાનસૂચક કસોટીઓ પણ ઉપલબ્ધ છે; જેવી કે, ટ્રૂસો(Trousseau)નું ચિહ્ન, શ્વોસ્ટેક(Chvostek)નું ચિહન, અર્બ(Erb)નું ચિહન વગેરે. દર્દીના કાનની આગળ આંગળીથી ટકોરા મારતાં મોંના સ્નાયુ ખેંચાવા માંડે છે. તેવી જ રીતે તેના હાથ પર લોહીનું દબાણ માપવાના સાધનનો પટ્ટો બાંધી તેમાં તેના લોહીના હૃદ્સંકોચદાબ (systolic pressure) દબાણ કરતાં વધુ દબાણ આવતાં તે હાથનાં આંગળાં ખેંચાવા માંડે છે અને વાંકાં વળી જાય છે.

આકૃતિ 2 : અંગુલિવંકતાનું વર્ણન કરી તેનાં ચિહ્ન દર્શાવનાર : (ક) આર્મન્ડ ટ્રૂસો, (ખ) અંગુલિવંકતાનો દર્દી : (i) મોઢા તથા (ii) આંગળીઓ અને હાથના સ્નાયુઓનું સંકોચન

હાથપગનાં આંગળાંનું આવું જે વાંકું વળવું તેને હસ્તપાદાંગુલિ આકુંચન (carpopedal spasm) કહે છે. તાત્કાલિક સારવાર માટે ઘણી જ સાવચેતી સાથે, ખૂબ ધીમે ધીમે નસ વાટે  કૅલ્શિયમ અપાય છે. તેનાથી ખેંચ તરત બંધ થવા માંડે છે. વિટામિન ‘ડી’ (calciferol), ડાઇહાઇડ્રોટેકિસ્ટિરોલ તથા 1, 2, a (આલ્ફા) હાઇડ્રૉકૉલિ- કૅલ્સિફેરોલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બીટરૂટ, ઈંડાં, દૂધ, પનીર, ઘઉં, નારંગી, બદામ, વટાણા, પાલક(spinach)ની ભાજી કે કપાસિયાના બીજનું તેલ વગેરેનું આ દર્દમાં સામાન્ય રીતે સેવન થાય છે.

રમણિકભાઈ શાહ

શિલીન નં. શુક્લ