અંગુલિમુદ્રા (finger-prints) : આંગળાંની ઝીણી ગડીઓની છાપ. હજાર વર્ષ પહેલાં ચીનના સમ્રાટો આંગળાંના આકારની છાપનો ઉપયોગ દસ્તાવેજ પર મુદ્રા (seal) લગાવવા માટે કરતા હતા. જાપાનમાં પણ ગુલામોના વેચાણખત (sale deed) માટે તેનો ઉપયોગ થતો હતો. અંગુલિમુદ્રા પરનું વૈજ્ઞાનિક સંશોધન સત્તરમી સદીમાં શરૂ થયું. માલફિજીએ 1686માં આંગળીના ટેરવા પરની ભાત (patterns) વિશે નોંધ કરી હતી. પરકિંજીએ 1823માં સૌપ્રથમ અંગુલિમુદ્રાઓનું 9 વિભાગમાં વ્યવસ્થિત વર્ગીકરણ કર્યું. જર્મનીના હર્મન વૅલકરે 1856માં અને 1857માં, એમ બે વખત, પોતાની જમણી હથેળીની છાપ પ્રસિદ્ધ કરેલી. આશરે 41 વર્ષ પછી કૉલકાતાના દસ્તાવેજનિષ્ણાત એફ. બ્રેવસ્ટરે બંને છાપો સરખાવીને તારવ્યું કે ઉંમરને કારણે આંગળીઓ પરની લીટીઓમાં કોઈ ફેરફાર થયો નથી. હુગલી(પ. બંગાળ)ના કલેક્ટર અને જિલ્લા ન્યાયાધીશ સર વિલિયમ હરશેલ્સે અંગુલિમુદ્રાનો નિયમિત ઉપયોગ કરી શકાય તેવી પદ્ધતિ વિકસાવી, જે પાછળથી વિધિવત્ (officially) અમલમાં મુકાઈ. આમ ઓળખ (identification) સાબિત કરવા માટે તથા છદ્મવેશકૃત્ય (false personation) રોકવા માટે અંગુલિમુદ્રાનો સૌપ્રથમ કાયદેસર ઉપયોગ કરનાર સર વિલિયમ હરશેલ્સ હતા. નિષ્ણાતોની ગણતરી મુજબ સમાન અંગુલિમુદ્રાવાળી બીજી વ્યક્તિ આ વિશ્વની કુલ વસ્તીની ત્રીસગણી સંખ્યામાં જ જોવા મળે. જોડકાં (twins) રૂપે જન્મેલાં (ભાઈબહેન, ભાઈઓ, બહેનો) પણ સમાન અંગુલિમુદ્રા ધરાવતાં નથી.
અંગુલિમુદ્રા મેળવવા માટે છાપકામની કાળી શાહીનો પ્રથમ ઉપયોગ ફૉલ્ડસે 1905ની આસપાસ કર્યો, તથા 1-9-1891ના રોજ પ્રો. વુસેટિશે અંગુલિમુદ્રા વડે કદાચ સૌપ્રથમ કોઈ એક વ્યક્તિની ઓળખ નિશ્ચિત કરી. સર ફ્રાન્સિસ ગોલ્ટને સાબિત કર્યું હતું કે આંગળી પરની આ ગડીઓની ભાત કાયમી અને અવિકારી (permanent and immutable) છે. ઉંમર વધતાં તેમાં ઝાંખપ (blurring) આવતી નથી. ગર્ભાવસ્થાના 34 મહિનેથી માંડીને મૃત્યુપર્યંત તે હંમેશાં તેમની તેમ રહે છે. ભારત સરકારે 1897ની 12મી જૂને સર ઇ. આર. હેન્રીની પદ્ધતિ ગુનાશોધક (criminal investigation) વિભાગ માટે સ્વીકારી. સર હેન્રીની પદ્ધતિ તથા બીજી પદ્ધતિઓ મૂળભૂત રીતે સમાન છે. ‘ફિંગરપ્રિન્ટ’ નામના સામયિકના 1937ના મે માસના અંકમાં બી. સી. બ્રિજિઝે દર્શાવ્યું હતું કે બ્રિટિશ મ્યુઝિયમમાં એક સંસ્કૃત દસ્તાવેજમાં (કૅટલૉગ ક્રમાંક 842, 11, 172) અંગુલિમુદ્રાને ઓળખચિહન (mark of identification) તરીકે વર્ણવવામાં આવી છે. આ દસ્તાવેજ ત્રણેક હજાર વર્ષ જૂનો છે. હસ્તરેખાશાસ્ત્ર(palmistry)ની જૂની સંસ્કૃત ચોપડીઓમાં શંખ (loop), ચક્ર (whorl) ઇત્યાદિ વર્ણવેલાં છે. જોકે, તેમાં ત્રિકોણ (delta), નાભિ (core), ટૂંકી ગડી, ટોપચું, લઘુપૃષ્ઠ (short ridge), સદ્ય-અન્ત (abrupt ending) કે ચીપિયા-વળાંક (forking) દર્શાવતા આકાર વર્ણવ્યા નથી.
ચામડી પરની ગડીઓ ખરેખર તો બહિસ્ત્વચા(epidermis)ની ગડીઓ છે. બહિસ્ત્વચાની ગડીઓ નીચે આવેલા ત્વચાંકુરો(dermal papillae)ને અનુરૂપ હોય છે. આ ગડીઓ બનવાનું કારણ કદાચ ઘર્ષણ વધારી, પકડ વધુ મજબૂત કરવા માટે હશે. આંગળી પર દાહ કે ઈજાથી ઘા પાડવામાં આવે તોપણ જો પૂરેપૂરી ચામડી નષ્ટ ન થઈ હોય તો ત્યાંની ગડીઓ યથાવત્ રહે છે. ગડીઓ પર પ્રસ્વેદગ્રંથિઓનાં છિદ્રો આવેલાં છે. આ છિદ્રોનો અભ્યાસ (છિદ્રનિરીક્ષા, poroscopy) પણ ઓળખ નિશ્ચિત કરવામાં વપરાય છે. અંગુલિમુદ્રાનો મધ્ય ભાગ ભાત ઉપસાવનારો (pattern area) ગણાય છે. ગડીઓનાં આકાર અને રચના(configuration)ની ભાત (pattern), આપેલ નમૂના સાથેની તેની સરખામણી તથા દશેય આંગળીઓ પરની ભાતનું જૂથ કે ઉપજૂથમાં વર્ગીકરણ – એમ ત્રણ વિભાગોમાં અંગુલિમુદ્રાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ થાય છે. ધોઈને ચોખ્ખી કરેલી, કોરી આંગળીના ટેરવા પર છાપખાનાની કાળી શાહી (printer’s black ink) લગાડવામાં આવે છે. ચમકે નહિ તેવા (unglazed) સફેદ વિશિષ્ટ પત્રક (form) પર આંગળીને હળવેથી (gently) દબાવીને છાપ લેવામાં આવે છે. આંગળી સીધેસીધી દબાવીને નખથી નખ સુધી ગોળ ફેરવીને (rolled) આંગળીની ત્રણ સપાટીની છાપ લેવામાં આવે છે. દશે આંગળીઓની છાપ એક ચોક્કસ ક્રમમાં લેવામાં આવે છે. રક્તપિત્ત(leprosy)ના દર્દીની છાપ લેવામાં આવતી નથી. જ્યારે આંગળી પર અન્ય ચેપ લાગેલો હોય તો તે રુઝાય તેની રાહ જોવામાં આવે છે. ગુનાના સમયે હથિયાર, કપડાં, વાસણો, ફર્નિચર, બારીબારણાંના હૅન્ડલ કે ફ્રૅમ પર લોહી, ગ્રીઝ, ધૂળ કે પરસેવાવાળી આંગળાની છાપ પડે છે; આથી તેવી વસ્તુઓને યોગ્ય પરીક્ષણ ન થાય ત્યાં સુધી ન અડકવાની સલાહ અપાય છે. જરૂર પડ્યે કાળો કે ભૂખરો પાઉડર અને ગ્રૅફાઇટ નાખી ઝાંખી છાપોને ઉપસાવવામાં આવે છે. આધુનિક સમયમાં લાલ બ્રૉન્ઝ કે રોમલ (romal) સોનેરી રંગો આને માટે વપરાય છે. આયોડિનની ધૂણીનળી (fuming pipe) પણ આ માટે વપરાય છે.
અંગુલિમુદ્રાની ગડીઓની ભાત કેટલીક ચોક્કસ આકૃતિઓ બનાવે છે. તેમાંથી મુખ્ય નીચે મુજબ છે :
1. કમાનાકાર (arch) : વળાંક લે પણ પાછી ન ફરતી ગડીઓ.
2. શંખાકાર (loop) : વળાંક લઈને પાછી ફરતી ગડીઓ.
3. ચક્રાકાર (whorl) : ગોળ ફરતી ચક્રરૂપી ગડીઓ.
4. મિશ્ર (composite) : વિવિધ પ્રકારોની સંયુક્ત છાપ હોય.
5. આકસ્મિક (accidental) : કોઈ ચોક્કસ આકારમાં ન ગોઠવાય તેવી ગડીઓ.
6. ત્રિકોણાકાર (delta) : કોઈ એક ગડી દ્વિભાજન પામીને કે બે ગડીઓ અચાનક છૂટી પડીને ત્રિકોણ જેવી આકૃતિ કરે છે.
7. નાભિ (core) : શંખાકાર કે ચક્રાકાર ભાતનું કેન્દ્રસ્થાન.
અંગુલિમુદ્રાથી ઊપસતી વિવિધ ભાતોને આધારે ગુણાંકનની પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. પાંચથી 8 ગુણાંકને આધારે ઓળખ નિશ્ચિત કરી શકાય છે. લંડનની પોલીસે વાયરલેસ સંદેશા દ્વારા અંગુલિમુદ્રા એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવાની પદ્ધતિ વિકસાવી છે. અમુક ગુનાના આરોપીઓ, ગુનેગારો, વિદેશીઓ અને ઓળખ નિશ્ચિત ન થઈ હોય તેવી લાશની આંગળાની છાપ લેવાની પોલીસને સત્તા આપવામાં આવેલી છે.
ઓળખ માટે અંગુલિમુદ્રા ઉપરાંત અન્ય છાપોનો પણ ઉપયોગ થાય છે. હથેળીની છાપ, પગલાંની છાપ, પગમાં પહેરેલા જોડાની છાપ, હોઠની છાપ અને દાંત કે દાંતના ચોકઠાની છાપ ઓળખ માટે ઉપયોગી બને છે. લોહીનાં જૂથ અને ઉપજૂથ પણ ઓળખ સાબિત કરવામાં ઉપયોગી છે. હવે તો જનીની ભાષા-ઉકેલ(genetic decoding) પણ કોણ સાચો પિતા છે (પિતૃતા, paternity) સાબિત કરવામાં ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.
જતીન વૈદ્ય
શિલીન નં. શુક્લ