અંગિરસ (2) : બ્રહ્માના માનસપુત્ર. અન્ય ઇતિહાસ પ્રમાણે તેઓ અગ્નિથી ઉત્પન્ન થવાને લીધે અંગિરસ કહેવાય છે. તેમનું લગ્ન કર્દમ ઋષિની પુત્રી શ્રદ્ધા સાથે થયું હતું. તેમને બૃહસ્પતિ ઉપરાંત બે પુત્રો તથા ચાર પુત્રીઓ હતાં.
વૈદિક સાહિત્યમાં અંગિરસ એ નામ અનેક વાર આવે છે; ઋગ્વેદના નવમા મંડલનાં કેટલાંક સૂક્તો અંગિરસકુલના દૃષ્ટાઓનાં છે.
શરશય્યા ઉપર પોઢેલા ભીષ્મ પિતામહની સાથે મેળાપ; પુત્રના મૃત્યુથી વિલાપ કરતા રાજા ચિત્રકેતુને ઉપદેશ; સુદર્શન નામના વિદ્યાધરે પોતાનો ઉપહાસ કરતાં તેને સર્પ બનવાનો શાપ આદિ કેટલીક પૌરાણિક ઘટનાઓ અંગિરસ સાથે જોડાયેલી છે. तत्वज्ञान અને મંત્રોપાસનાના ક્ષેત્રે પણ તેમનું નામ સંકળાયેલું છે. અંગિરસ પહેલાં મનુષ્ય, પણ પછી દેવ બન્યા હતા.
ભગવતીપ્રસાદ પંડ્યા