અંગારિયો (Smut) : યુસ્ટિલેજિનેલ્સ ગોત્રની ફૂગ દ્વારા લાગુ પડતો એક પ્રકારનો રોગ. આ રોગથી યજમાન વનસ્પતિ પર કાળા મેશ જેવા બીજાણુઓનો જથ્થો ઉત્પન્ન થાય છે, જે ભૂકી સ્વરૂપે જોવા મળે છે તેથી તેને અંગ્રેજીમાં ‘સ્મટ’ (મેશ) કહે છે. ગેરુ-ફૂગ(rust fungi)ની જેમ આ ફૂગ ધાન્યો અને ઘાસની ઘણી જાતિઓને ચેપ લગાડે છે અને ગેરુ-ફૂગ કરતાં વધારે નુકસાન પહોંચાડે છે. તે ઘઉં, જવ, શેરડી, જુવાર, બાજરી અને મકાઈ જેવા મહત્વના પાકો પર આક્રમણ કરે છે. તેના દ્વારા થતા કેટલાક રોગ નીચે પ્રમાણે છે :

ઘઉંનો પોચો અંગારિયો (loose smut) :

આકૃતિ 1 : (અ) ઘઉંનો પોચો અંગારિયો; (આ) શેરડીનો અંગારિયો; (ઇ) બાજરીનો અંગારિયો; (ઈ) ઓટનો અંગારિયો; (ઉ) જુવારનો અંગારિયો

રોગજનક (pathogenic) ફૂગ : Ustilago tritici (Pers.) Rostr. syn. U. nuda Jens.

ચિહનો : અક્ષ અને શૂક (awn) સિવાય સમગ્ર કણસલું કાળા મેશ જેવા બીજાણુઓની ભૂકી ધરાવે છે. વનસ્પતિને સર્વાંગી (systemic) ચેપ લાગે છે અને કણસલું ઉત્પન્ન ન થાય ત્યાં સુધી દેખાતો નથી. આવરણ તૂટ્યા પછી અંતિમ બીજાણુઓ(teleutospores)નો ઢીલો જથ્થો પવન દ્વારા વિકિરણ પામે છે.

રોગચક્ર : આંતરિક રીતે બીજોઢ (seed-borne) રોગજનક (pathogen) બીજાંકુરણ દરમિયાન સક્રિય બને છે અને વનસ્પતિની વૃદ્ધિ સાથે તે વૃદ્ધિ પામે છે. તે સર્વાંગી હોવાથી કણસલું ઉત્પન્ન થાય ત્યારે તેનાં ચિહનો દેખાય છે. કણસલાના નિર્માણ-સમયે દ્વિકોષકેન્દ્રી (dikaryotic) કવકજાલ અંતિમ બીજાણુઓમાં રૂપાંતર પામે છે. આ બીજાણુઓ નવી યજમાન વનસ્પતિના ભ્રૂણને ચેપ લગાડે છે. ઘઉંના પુષ્પના પરાગાસન પર અંતિમ બીજાણુ પડે છે અને કવકતંતુ (promycelium) પર ‘ચેપી તંતુઓ’ (infection threads) ઉત્પન્ન કરે છે. દ્વિકોષકેન્દ્રીકરણ (dikaryotization) થતાં દ્વિતીયક કવકજાલ ઉદભવે છે; જે વૃદ્ધિ પામી ભ્રૂણમાં પ્રસ્થાપિત થાય છે. ચેપ બાદ બીજી વાવણીની ઋતુ સુધી તે સુષુપ્ત રહે છે.

નિયંત્રણ : (1) રોગ-અવરોધક (resistant) જાતનું વાવેતર શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. મુંદકુર અને પાલે (1941, 1945) રોગ અવરોધક જાતો શોધી છે. ત્યારબાદ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (Indian Agricultural Research Institute  I.A.R.I.) દ્વારા ઘણી અવરોધક જાતો શોધાઈ છે.

(2) ગરમ પાણીની ચિકિત્સા પછી 4-5 કલાક સૂર્યના તડકામાં અસરકારક સુકવણી કરતાં બીજ ચેપમુક્ત બને છે.

શેરડીનો અંગારિયો : રોગજનક ફૂગ : U scitaminea var. sacchari-officinarum Mundkur.

ચિહ્નો : પ્રરોહ પર કાળા બીજાણુઓનો જથ્થો ઉત્પન્ન થાય છે અને લાંબા ચાબુક જેવો આકાર ધારણ કરે છે. અંતિમ બીજાણુઓની ફરતે આવરણ આવેલું હોય છે, જે પાછળથી ખરી પડે છે. આ રોગજનક યજમાનના બધા ભાગોમાં પ્રસરેલો હોય છે.

રોગચક્ર : આંતરિક રીતે ચેપયુક્ત બીજ દ્વારા અથવા ભૂમિમાં સુષુપ્ત અંતિમ બીજાણુઓના ચેપ દ્વારા રોગની શરૂઆત થાય છે. પ્રવર્ધનમાં ઉપયોગમાં લેવાતા પ્રકાંડના ટુકડાઓ જો રોગિષ્ઠ વનસ્પતિ ઉપરથી લેવામાં આવ્યા હોય તો તે રોગિષ્ઠ વનસ્પતિઓ ઉત્પન્ન કરે છે, જેના પર કાળામેશ ચાબુક આકારના પ્રરોહ ઉદભવે છે. તંદુરસ્ત વનસ્પતિ પર પડતા અંતિમ બીજાણુઓ પ્રકણી બીજાણુઓ(basidiospores)નું સર્જન કરી તેમના દ્વારા યજમાન વનસ્પતિની કક્ષકલિકાઓને ચેપ લગાડે છે. ચેપ બાદ, પ્રકણી બીજાણુઓ પ્રાથમિક કવકજાલ બનાવે છે. તેમના દ્વિકોષકેન્દ્રીકરણથી દ્વિતીયક કવકજાલ ઉત્પન્ન થાય છે. અંતિમ બીજાણુ-નિર્માણ માત્ર પ્રરોહ પર જ થાય છે. આ અંતિમ બીજાણુઓ ભૂમિમાં સુષુપ્તાવસ્થા ગાળે છે અને યજમાન હાજર હોય તો ચેપ લાગુ પડે છે.

નિયંત્રણ : (1) રોગમુક્ત ખેતરોમાંથી મેળવેલા તંદુરસ્ત પ્રકાંડના ટુકડાઓનો વાવણીમાં ઉપયોગ કરવામાં આવે છે.

(2) વાવતા પહેલાં બીજને ફૉર્મેલિનની ચિકિત્સા આપી ચેપમુક્ત કરવામાં આવે છે.

(3) રોગગ્રસ્ત વનસ્પતિઓને બાળી નાખવામાં આવે છે.

મકાઈનો અંગારિયો :

રોગજનક ફૂગ : Ustilago maydis (DC) Cda.

આ રોગજનક જાતિ અંગારિયાનો રોગ લાગુ પાડતી અન્ય જાતિઓ કરતાં ખૂબ જુદી હોય છે. યજમાનની ગેરહાજરીમાં તે ભૂમિમાં મૃતોપજીવી તરીકે વૃદ્ધિ પામે છે. દ્વિકોષકેન્દ્રીકરણ ન થયું હોય છતાં પ્રાથમિક કવકજાલ યજમાન વનસ્પતિની પેશીમાં વિસ્તૃતપણે પ્રવેશે છે અને પિટિકાઓ (galls) ઉત્પન્ન થાય છે.

ચિહનો : યજમાન વનસ્પતિના ભૂમિ ઉપરના ભાગો પર પિટિકાઓ ઉદભવે છે, જેમાં અંતિમ બીજાણુઓ હોય છે; પરંતુ મકાઈના ડૂંડામાં તે મહત્તમ કદ પ્રાપ્ત કરે છે. ચેપ સ્થાનિક હોવાથી બધી પિટિકાઓ સ્વતંત્ર ચેપની નીપજ હોય છે.

આકૃતિ 2 : Ustilago maydis દ્વારા થતો મકાઈને અંગારિયાનો રોગ

રોગચક્ર : અંતિમ બીજાણુના અંકુરણથી મોટી સંખ્યામાં પ્રકણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તેઓ ભૂમિ પર ત્રાસજનક સ્થિતિ પેદા કરી પ્રરોહને ચેપ લગાડે છે. જ્યારે યજમાન વનસ્પતિ 3૦ સેમી.થી 6૦ સેમી. ઊંચી હોય ત્યારે કલિકાઓને ચેપ લાગે છે. તેની યજમાન પેશીમાં વૃદ્ધિ માટે દ્વિકોષકેન્દ્રીકરણ જરૂરી નથી, છતાં પિટિકાના નિર્માણ માટે તે અનિવાર્ય છે. અંતિમ બીજાણુઓનું ક્રમિક (successive) પુનરુત્પાદન દ્વિતીયક ચેપ લગાડે છે. અંતિમ બીજાણુ દ્વારા લાગુ પડતો દ્વિતીય ચેપ રોગનું સંચારણ ઝડપી બનાવે છે. યજમાનની ગેરહાજરીમાં ભૂમિમાં કે ખાતરના ઢગલા પર મૃતોપજીવન ગુજારે છે.

નિયંત્રણ : ભૂમિની સ્વચ્છતા (sanitation) અને રોગ-અવરોધક જાતોના વાવેતર દ્વારા રોગને નિયંત્રિત કરી શકાય છે.

અરવિંદ દરજી

બળદેવભાઈ પટેલ