અંગદેશ : સોળ મહાજનપદોમાંનું એક. એ બિહારના ઈશાન ભાગમાં આજના ભાગલપુર અને મોંઘીર જિલ્લાને આવરતો વિસ્તાર ધરાવતું હતું. તેની રાજધાની ચંપાનગરી હતી. એ સ્થાન પર આજે ભાગલપુર વસેલું છે. મહાભારત અનુસાર અંગ-વૈરોચની રાજાના નામ પરથી તે દેશનું નામ અંગદેશ પડ્યું, દુર્યોધને કર્ણને આ દેશનો અધિપતિ બનાવ્યો હતો. રામાયણ પ્રમાણે કામદેવનું અંગ અહીં ભસ્મ થવાથી તે અંગદેશ કહેવાયો. એની રાજધાની ચંપા વેપાર અને સભ્યતાનું કેન્દ્ર હતી. ત્યાંના રાજા દધિવાહનને વત્સરાજ શતાનીકે હરાવેલો, પછી અંગરાજ બ્રહ્મદત્તે મગધના રાજા ભટ્ટિયનો પરાજય કર્યો. આમ અંગનું ગૌતમ બુદ્ધના સમય પહેલાં મગધ પર આધિપત્ય પ્રવર્તતું હતું, પણ તેમની વચ્ચેના લાંબા સંઘર્ષ પછી મગધે તેને જીતી લઈ પોતાનામાં ભેળવી દીધું હતું. આ પ્રદેશ ઉત્તમ હાથીઓ માટે પ્રખ્યાત હતો.

પ્રવીણચંદ્ર પરીખ