અંગકોર : કમ્પુચિયા (પ્રાચીન કમ્બુજ) દેશમાં યશોધરપુર અને અંગકોરથોમ નામે બે રાજધાનીઓ ધરાવતો વિસ્તાર.

યશોધરપુર મૂળમાં કમ્બુપુરીને નામે ઓળખાતું શહેર હતું અને તેની સ્થાપના ખ્મેર સમ્રાટ યશોવર્મા(889-9૦૦)એ કરી હતી. નોમ બળેન નામની ટેકરીની આસપાસ આ શહેર વસ્યું હતું. યશોવર્માએ ટેકરી પર રાજગઢ અને શહેર બહાર ‘યશોધર-તટાક’ નામે વિશાળ જળાશય કરાવ્યાં હતાં. તેના વંશમાં થયેલા રાજા રાજેન્દ્ર વર્મા(944-968)એ અહીં ‘મહેન્દ્ર પ્રાસાદ’ અને ‘સુવર્ણગૃહ’ કરાવ્યાં. તેણે યશોધર-તટાકની મધ્યમાં એક મંદિર પણ કરાવ્યું. રાજા ઉદયાદિત્ય વર્મા બીજા (1૦5૦-1૦66)એ રાજધાનીમાં એક નવું તળાવ ખોદાવ્યું. વળી તેણે મેરુપર્વતની નકલરૂપ સોનાનો એક પર્વત બંધાવ્યો અને તેની ટોચે સુવર્ણમંદિર કરાવી તેમાં શિવલિંગની સ્થાપના કરી. સૂર્યવર્મા ૨જા(1112-1152)એ અહીં જગપ્રસિદ્ધ અંગકોરવાટ (નગરનું મંદિર) બંધાવ્યું.

Angkor-Wat-from-the-air

અંગકોરવાટનું ઊંચાઈએથી ઝીલેલું દૃશ્ય

સૌ. "Angkor-Wat-from-the-air" | CC BY-SA 3.0

અંગકોરવાટ એક વિશાળ જળાશય વચ્ચે ટાપુની જેમ ઊભું છે. તેને ફરતી ખાઈમાં હજી પણ પાણી છે. ખાઈની કુલ લંબાઈ ચાર કિલોમીટર અને પહોળાઈ 196 મીટર કરતાં વધારે છે. મંદિરમાં દાખલ થવા માટે ખાઈ પર બાંધેલો પુલ લગભગ અગિયાર મીટર પહોળો અને જમીનથી લગભગ સવા બે મીટર ઊંચો અને 453 મીટર લાંબો છે. પુલમાર્ગની બંને બાજુએ વિશાળ કદના નાગોની હારમાળા છે. તેમની વિકરાળ ફણાઓ ચાર મીટર જેટલી ઊંચી છે.

આ પુલમાર્ગ એક વિશાળ ગોપુરને જઈ મળે છે. અહીંથી મંદિર શરૂ થાય છે. આશરે 26૦ મીટર × 2૦૦ મીટરના લંબચોરસ ક્ષેત્રમાં પશ્ચિમાભિમુખ પ્રવેશદ્વારવાળું અંગકોરવાટ આશરે 166 મીટર × 133 મીટરની વિશાળ જગતી પર બાંધેલું છે. મુખ્ય મંદિરના અધિષ્ઠાન પર દરેક ખૂણા પર શિખરબંધી મંદિરો અને બહારના ભાગમાં પશ્ચિમ દિશામાં વાયવ્ય અને નૈર્ઋત્ય ખૂણા પરનાં બાંધકામો, તથા મંદિરોમાં પ્રવેશ માટેની સોપાનપંક્તિઓથી મંદિરની ભવ્યતામાં ઘણો વધારો થાય છે. મંદિરમાં પ્રવેશ કરવાના મુખ્ય દ્વારની બંને બાજુના કઠેડાઓ, અને મંદિર પરનાં સુશોભનોની શ્રેણીઓ પણ ઉત્તમ કારીગરી દર્શાવે છે. અનેક પૌરાણિક કથાઓ તેમાં ખ્મેર અર્થઘટનો સાથે બારમી સદીની સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્તમ સંસ્કારો સાચવે છે. અહીં શિલ્પો લગભગ 2૦૦ મીટર જેટલો લાંબો વિસ્તાર આવરે છે. એમાં રામાયણ, મહાભારત અને હરિવંશપુરાણના પ્રસંગો, પૌરાણિક કથાઓ, વિષ્ણુ અને તેના અવતારો, ખાસ કરીને રામ અને કૃષ્ણની કથાઓ દર્શાવાઈ છે. ભીષ્મપિતામહની શરશૈયાના દૃશ્યમાં ભીષ્મની આસપાસ ઊભેલા કૌરવો અને પાંડવવીરો અને થોડે દૂર હાથી પર સવાર મ્લાન વદનવાળો દુર્યોધન નજરે પડે છે. રામ-રાવણ યુદ્ધના દૃશ્યમાં વિકટ મુખવાળા રાક્ષસવીરો રથ પર બેસીને વાનરસેના પર બાણવર્ષા કરે છે, જ્યારે રામ હનુમાનની પીઠ પર બેસીને રાવણ પર બાણ ફેંકે છે. સિંહ જોડેલા રથ પર બેઠેલો રાવણ રામ-બાણની પીડાથી વ્યાકુળ થઈ રહ્યો છે. દેવાસુર-સંગ્રામ, સમુદ્રમંથન, યમલોકનું દૃશ્ય, કમ્બુજના રાજપરિવારને લગતાં દૃશ્યો, રાજસભા વગેરેનું લોકકલાસભર સજીવ આલેખન થયું છે. બાહ્ય સુશોભનોમાં અપ્સરાઓનાં 175૦ જેટલાં પૂરા કદનાં મૂર્તિશિલ્પોમાં સપ્રમાણ દેહસૌષ્ઠવ, ગતિશીલતા અને ભાવાભિવ્યક્તિની બાબતમાં અંગકોરના શિલ્પીઓને અનુપમ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

Ankor Wat temple

અંગકોરવાટ

સૌ. "Ankor Wat temple" | CC BY-SA 4.0

અંગકોરવાટ મૂલત: વિષ્ણુમંદિર હતું અને તેના ગર્ભગૃહમાં વિષ્ણુની ભવ્ય પ્રતિમા સ્થાપેલી હતી. પાછળથી કમ્બુજનરેશ જયવર્મા 7મા (1181-1218)એ એને બૌદ્ધ મંદિરમાં ફેરવ્યું અને તેના ગર્ભગૃહમાં બૌદ્ધ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હોવાનું મનાય છે. મંદિરની આવી ભવ્ય રચના તો ભગવાન જ કરી શકે એવા લોકવિશ્વાસને લઈને સ્થાનિક લોકો આજે પણ આ મંદિર વિશ્વકર્માએ બાંધ્યું હોવાનું કહે છે.

ત્રિભુવનાદિત્યવર્માના સમયમાં ઈ. સ. 1177માં ચમ્પાના ચામ રાજાએ કમ્બુજ પર આક્રમણ કરીને રાજધાની યશોધરપુરનો મહાવિનાશ કર્યો. તે પછી કમ્બુજના છેલ્લા મહાન શાસક જયવર્મા સાતમા(1181-1218)એ યશોધરપુરથી થોડે દૂર અંગકોરથોમ નામે નવું રાજધાનીને યોગ્ય ભવ્ય નગર વસાવ્યું. અંગકોરવાટથી ઉત્તરે લગભગ બે કિ.મીટરના અંતરે આવેલા અંગકોરથોમની મુલાકાત તેરમી સદીમાં ચીની મુસાફર ચેઉ-ત-કુઅને લીધી ત્યારે વિશ્વનાં તત્કાલીન મહાનગરોમાં તેની ગણના થતી હોવાનું જણાવ્યું છે. આ નગરનું તેણે આબેહૂબ વર્ણન કર્યું છે પણ આજે તો નગર મનુષ્યો અને કુદરતના કોપનો ભોગ બનીને ખંડેર બની ગયું છે. અલબત્ત, ઊભેલા અવશેષો પરથી એ નગરની ભવ્યતા અને જાહોજલાલીનો અંદાજ બાંધી શકાય છે. અંગકોરથોમ ચોરસ નગર છે. પથ્થરના ઊંચા કિલ્લાથી ઘેરાયેલું છે. કિલ્લાની દરેક દીવાલ લગભગ 3.25 કિમી. લાંબી અને 6.2 મીટર ઊંચી છે. કિલ્લાને ફરતી 13 કિમી. જેટલી લાંબી અને 1૦૦ મીટર પહોળી વિશાળ ખાઈ છે. નગરના મુખ્ય પ્રવેશદ્વારો સુધી જવા માટે ખાઈ પર પુલો બાંધેલા છે. પુલની બંને બાજુઓ પર રાક્ષસોની મોટા કદની શિલ્પકૃતિઓ છે, જેમાં રાક્ષસના ખોળામાં પંખાકારે સાત ફણાઓ ફેલાવેલા નાગ જોવા મળે છે. કિલ્લામાં પૂર્વમાં બે અને બાકી ત્રણે બાજુ પર એકેક એક કુલ પાંચ ભવ્ય દરવાજાઓ કરેલા છે. મુખાકૃતિ ધરાવતા આ દરવાજાઓથી ૩૦ મીટર પહોળા વિશાળ પાંચ રાજમાર્ગો શહેરની મધ્યમાં જઈને મળે છે. આ માર્ગોને લઈને નગર નિશ્ચિત વિસ્તારોમાં વહેંચાઈ જાય છે. દરવાજા 3.5 મીટર પહોળા અને તળિયેથી પાટલી સુધી 7 મીટર ઊંચા છે. ત્રણ મસ્તકોવાળા કદાવર હાથીઓ દરવાજાના મિનારાને પોતાની પીઠ પર ધારણ કરીને ઊભા છે. આ મિનારાઓની ઊંચાઈ લગભગ 4૦ મીટર છે અને તેમાં ભવ્ય ચતુર્મુખ આકૃતિ કરેલી છે. નગરની મધ્યમાં બેયોનનું ભવ્ય બૌદ્ધ મંદિર આવેલું છે.

ર. ના. મહેતા

પ્રવીણચંદ્ર પરીખ