અંકોલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍલેન્જિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alangium Salviflolium (Linn F. Wang. syn. A. lamarckii Thw. (સં. अंकोल, अंकोल्लक, अंकोट; હિં. अंकोला. મ. અંકોલ; બં. આંકડ, આંકોર, આંકોડ; ગુ. અંકોલ.) છે ભારતમાં તેની બે જાતિઓ (species) થાય છે.
સદાહરિત નાનાં ૩-0 મી. ઊંચાં, મોટાં, તીક્ષ્ણ કાંટાવાળાં વૃક્ષ. છાલ રાખોડી કે ભૂરા રંગની તિરાડોવાળી અને બરછટ. પાન રેસાવાળાં, અંડાકાર સાદાં. આડાંઅવળાં ગોઠવાયેલાં પુષ્પો ગુચ્છોમાં, જૂના થડિયા પર કે પાનના કક્ષમાં ઊગે. ફેબ્રુઆરીથી એપ્રિલ માસ સુધીમાં સફેદ, સુગંધી ફૂલ આવે. જાંબુ જેવડાં, પણ પીળાં અથવા ઘેરાં ભૂરાં (deep purple) સ્વાદિષ્ટ, પૌષ્ટિક, બલ્ય, રેચક અને ક્ષયનાશક ફળો. બીજ લંબચોરસ, સુગંધી.
ભારતમાં બધા પ્રાંતોના સૂકા પ્રદેશોમાં થાય છે. ખાસ કરીને ઉ. પ્ર. સહારનપુર, શિવાલિક્સ, રાણીપુરના તલીઆરા પ્રદેશમાં. ગુજરાતમાં મોડાસાની આસપાસ. લાકડું કઠણ અને મજબૂત, મિલઉદ્યોગમાં ધરી કે સાંબેલા તરીકે વાપરી શકાય. વાવેતર વધારવા જેવું વૃક્ષ.
આયુર્વેદ પ્રમાણે તેનાં મૂળિયાંની તૂરી છાલ અને બિયાંનું તેલ વિષપ્રતિરોધક. તેના તેલનું નસ્ય દીર્ઘાયુષપ્રદ, રસાયન, સ્તંભન અને વાતઘ્ન ગુણો ધરાવે છે. તેની છાલમાં રહેલ એલેનજિન નામનો આલ્કલૉઇડ લોહીનું દબાણ ઘટાડે છે, પરંતુ તેથી શ્વસનક્રિયા અનિયમિત થઈ જાય છે.
શોભન વસાણી
મ. દી. વસાવડા
સરોજા કોલાપ્પન