અંકુશો, આર્થિક

January, 2001

અંકુશો, આર્થિક : આર્થિક નિર્ણયો મુક્ત રીતે લેવાની તથા (તે ધોરણે પોતાની) આર્થિક પ્રવૃત્તિઓનું સંયોજન કરવાની વ્યક્તિની તથા અન્ય આર્થિક ઘટકોની સત્તા પર કાપ મૂકી તે દ્વારા પસંદગી કરવાની સ્વતંત્રતા પર મુકાતું નિયંત્રણ. આર્થિક અંકુશો એ નિર્ણયો લેવાની તથા તે નિર્ણયો અમલમાં મૂકવાની આર્થિક ઘટકોની સ્વરૂપગત સાર્વભૌમતાનું ઓછાવત્તા પ્રમાણમાં હનન કરે છે. સ્વૈરવિહારની આર્થિક વિચારસરણી પર રચાયેલ અર્થવ્યવસ્થામાં આર્થિક અંકુશો ગેરવાજબી ગણાતા હોવાથી આ વિચારસરણી મુજબ આર્થિક અંકુશોની ગેરહાજરી એ વ્યક્તિ તથા સમાજના મહત્તમ આર્થિક કલ્યાણની પૂર્વશરત હોય છે. બીજી તરફ, વ્યક્તિગત અને સામાજિક હિત વચ્ચે ઊભા થતા સંઘર્ષમાં સામાજિક હિતને અગ્રતા  આપીને તેને અસરકારક રીતે સિદ્ધ કરવા માટે આર્થિક અંકુશો અનિવાર્ય ગણાય છે. આમ, સ્વૈરવિહાર અને આર્થિક અંકુશો પરસ્પરવિરોધી હોય છે.

આયોજિત અર્થતંત્રમાં આર્થિક અંકુશો આયોજનના હેતુઓ સિદ્ધ કરવા માટેનું અગત્યનું સાધન ગણાય છે. આર્થિક અંકુશોનાં લક્ષણો, તેનું પ્રમાણ અને તેના પ્રકાર ઉપરથી આયોજિત અર્થતંત્રનો પ્રકાર અને તેનું સ્વરૂપ જાણી શકાય છે. આવા અંકુશો નાગરિકના આર્થિક સ્વાતંત્ર્ય પર તરાપ મારતા હોવાથી કેટલાક વિચારકો આયોજિત અર્થતંત્રને ગુલામીના પંથ તરીકે ધિક્કારે છે તો આર્થિક આયોજનની હિમાયત કરનારા વિચારકો આર્થિક અંકુશોને વ્યક્તિસ્વાતંત્ર્યના પોષક અને સંવર્ધક ગણે છે. મહત્તમ આર્થિક કલ્યાણના સંદર્ભમાં આર્થિક સ્વાતંત્ર્યની હિમાયત કરનારા વિચારકો મુખ્યત્વે ચાર પ્રકારનાં સ્વાતંત્ર્ય પર ભાર મૂકતા હોય છે : (1) ખાનગી મિલકત ધરાવવાનું  અને તેનો ઉપભોગ કરવાનું સ્વાતંત્ર્ય, (2) વપરાશનું સ્વાતંત્ર્ય, (૩) વ્યવસાયની પસંદગી તથા તેના સંયોજનનું સ્વાતંત્ર્ય, અને (4) આર્થિક સલામતી ભોગવવાનું સ્વાતંત્ર્ય. જે દેશોએ કેન્દ્રસ્થ આયોજનની પદ્ધતિનો સ્વીકાર કર્યો છે તે દેશોમાં આર્થિક સલામતી બાદ કરતાં બાકીના ત્રણેય પ્રકારના સ્વાતંત્ર્યનું રાજ્ય દ્વારા હનન કરવામાં આવે છે, પરંતુ જે દેશોએ લોકશાહી પર આધારિત વિકેન્દ્રિત આયોજનની પદ્ધતિ સ્વીકારી છે તે દેશોએ સાબિત કરી બતાવ્યું છે કે આયોજન અને આર્થિક સ્વાતંત્ર્ય એકબીજાંને પૂરક અને સુસંગત પણ હોઈ શકે છે. લોકશાહી આયોજનમાં આર્થિક અંકુશોનું પ્રમાણ સામાજિક હિતના રક્ષણ માટે અનિવાર્ય હોય તેટલું જ રાખવામાં આવે છે.

આર્થિક અંકુશોની માત્રા કે પ્રમાણ મુખ્યત્વે ત્રણ પરિબળોને આધીન હોય છે : (1) દેશની પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિ; દા.ત., આર્થિક રીતે પછાત દેશોમાં આર્થિક વિકાસના પ્રાથમિક તબક્કામાં આર્થિક અંકુશોનું પ્રમાણ અનિવાર્ય રીતે વધારે રાખવું પડે છે અને અર્થતંત્રનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ આર્થિક અંકુશો હળવા કરવામાં આવે છે. (2) આર્થિક આયોજનનાં ધ્યેયો તથા લક્ષણો પણ અંકુશોની માત્રા નક્કી કરનાર પરિબળ છે; દા.ત., શાંતિના સમયમાં ઓછા અંકુશો દ્વારા આયોજનના હેતુઓ સિદ્ધ કરી શકાય છે તો યુદ્ધના સમયમાં અને યુદ્ધ પછીના કાળમાં જે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ અંકુશો લાદવા પડે છે અને તેનો અમલ પણ સખતાઈથી કરાવવામાં આવે છે. વપરાશી ચીજવસ્તુઓની ન્યાયસંગત વહેંચણી કરવા માટે યુદ્ધના સમય દરમિયાન આવી વસ્તુઓની માપબંધી, વ્યાપારીઓ ગ્રાહકોનું શોષણ ન કરે તે માટે ભાવનિયમન, વસ્તુઓની હેરફેરનું નિયમન કરવા માટે પરવાના પદ્ધતિનો અમલ વગેરે અંકુશો યુદ્ધના સમય માટે ઇષ્ટ ગણવામાં આવે છે. (૩) સામાજિક હિતો પ્રત્યે પ્રજાની સભાનતા અને તેમાંથી સહજ રીતે પરિણમતો સહકાર એ પણ અંકુશોનું સ્વરૂપ અને પ્રમાણ નક્કી કરે છે. ભારત જેવા સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિકાસશીલ દેશમાં આર્થિક આયોજનનાં ધ્યેયો હાંસલ કરવા માટે વધુ અંકુશો લાદવા પડે છે પરંતુ આયોજનની સફળતા સાથે લોકમાનસ સુધરતું જાય તેમ તેમ અંકુશોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

આર્થિક અંકુશોના મુખ્યત્વે બે પ્રકાર ગણાય : (1) ઉત્પાદન પરના અંકુશો. (2) વપરાશ પરના અંકુશો. ઉત્પાદન પરના અંકુશોમાં ઉત્પાદનની પસંદગી, મૂડીરોકાણની પસંદગી અને વિનિમયની પસંદગી પરના અંકુશોનો સમાવેશ થાય છે; જ્યારે વપરાશ પરના અંકુશોમાં વપરાશની પસંદગી, બચતની પસંદગી અને વ્યવસાયની પસંદગી પરના અંકુશો હોય છે. આ બધા જ અંકુશો પરસ્પરાવલંબી હોઈ એકબીજા સાથે જોડાયેલા હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે