અંકુશ : પૂર્વનિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવાની દિશામાં ઉદભવતી પ્રક્રિયા પર ઇચ્છિત પરિણામ નિશ્ચિત બને તે ઇરાદાથી દાખલ કરાતું નિયંત્રણ. અંકુશ એ ચકાસણી માટેનું સાધન ગણાય છે, જેનો હેતુ કાબૂ રાખવાનો હોય છે. અંકુશના વિવિધ અર્થ પ્રચલિત છે. કોઈ એક વ્યક્તિ, જૂથ કે સંગઠનની બીજી કોઈ વ્યક્તિ, જૂથ કે સંગઠનનાં કાર્યો અને વર્તન પર અસર પાડવાની પ્રક્રિયાને અંકુશ કહેવાય. ભૂતકાળ અને વર્તમાનનું વિશ્લેષણ કરીને ધોરણ વિકસાવવાનું તથા ભાવિ કાર્ય વિશે આયોજન કરવાનું તે કાર્ય છે. વાસ્તવિક સિદ્ધિ કે પરિણામોનું તેમનાં ધોરણો સાથે સરખામણી કરવાનું તથા તેમને મર્યાદામાં રાખવાનું પણ તે કાર્ય છે. તે ચકાસણી કરવાનું, ખાતરી કરવાનું અને નિયમન કરવાનું કાર્ય છે.
ફ્રેંચ વિચારક મોન્ટેસ્કે રાજ્યશાસ્ત્રમાં ‘અંકુશ અને સમતુલા’નો સિદ્ધાંત આપ્યો. તદનુસાર સરકારના ત્રણ અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું વિભાજન એવી રીતે કરવામાં આવે કે એક અંગની સત્તા પર બીજું અંગ અંકુશ ધરાવે. આવા પરસ્પરના અંકુશ દ્વારા સત્તાની સમતુલા ઊભી થાય તેમજ સત્તાનો દુરુપયોગ ટાળી શકાય. ‘અંકુશ અને સમતુલા’ના આ સિદ્ધાંતને સત્તાવિશ્લેષના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકી બંધારણે આ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે.
અંકુશમાં ‘સત્તા’ અને ‘વગ’ અભિપ્રેત છે. માનવજીવનના દરેક ક્ષેત્રમાં તેનું અસ્તિત્વ હોવાથી તે સાર્વત્રિક છે. ધંધાકીય સંગઠનોમાં એક અગત્યના સંચાલકીય કાર્ય તરીકે તેનું મહત્વ વધ્યું છે. જે વ્યવસાય કે ઉદ્યોગનું આયોજન અને સંચાલન વિશાળ પાયા પર થાય છે, જેની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓમાં અનેક પ્રકારની ગૂંચવણો અને જટિલતાઓ અભિપ્રેત હોય છે તેવામાં અંકુશ અનિવાર્ય બને છે.
અંકુશ ગુણવત્તા : કોઈ પણ અસ્તિનાં રૂપ, રંગ, આકાર, ઘટક, વજન, દેખાવ વગેરે લક્ષણોના સારાપણા વિશેનો ઇચ્છનીય ખ્યાલ કે આદર્શ તે ગુણવત્તા. કારખાનાંઓમાં ઉત્પાદન થતી વસ્તુઓ અને સેવાઓ પૂર્વનિર્ધારિત ગુણવત્તા મુજબની રહે તેવો ઉત્પાદનના ધોરણીકરણ માટે અને ગ્રાહકોના સંતોષ માટે આગ્રહ રખાય છે, તેથી કારખાનાંઓમાં ગુણવત્તા-અંકુશનું કાર્ય એક રોજિંદા કાર્ય તરીકે સ્થાન પામ્યું છે. વૉલ્ટર એ. શ્યુહાર્ટ અને એલ. સી. એલ. લિપ્પેટ તેના પ્રણેતાઓ ગણાય છે.
‘ગુણવત્તા-અંકુશ’ એક એવી નીતિ, પ્રવૃત્તિ, પ્રક્રિયા, જવાબદારી અને અભ્યાસ છે; જે ઉત્પાદન થતી વસ્તુ કે સેવા તેનાં પૂર્વનિર્ણીત ધોરણોને અનુરૂપ છે કે નહિ તેની ખાતરી કરાવે છે. તેમ કરતાં તે અંકુશમાં રાખી શકાય અને અંકુશમાં રાખી ન શકાય એવાં સંખ્યાત્મક અને ગુણાત્મક પરિબળોને અલગ તારવે છે અને અંકુશમાં રાખી શકાય તેવાં પરિબળોને નિયંત્રણમાં રાખવાના ઉપાય યોજે છે. ખાસ કરીને કાચી માલસામગ્રીની વિવિધતાના કામદારો વચ્ચેના અને યંત્રો વચ્ચેના તફાવતને લીધે અર્ધતૈયાર કે તૈયાર વસ્તુની ગુણવત્તામાં ફેરફાર ન પડે તે જોવાનું તેનું પ્રમુખ કાર્ય છે.
ગુણવત્તા અંકુશ માટે રૂઢિગત રીતે વૈધિક નિરીક્ષણની અને બિનનિરીક્ષણની એવી બે પદ્ધતિઓ પ્રચલિત છે. વૈધિક નિરીક્ષણની પદ્ધતિમાં એક અલગ અધિકારી કે વિભાગની રચના કરી જુદી જુદી પ્રક્રિયાઓમાંથી ઉત્પાદનના નિદર્શ મેળવી તેમનાં સ્વીકારેલાં નીતિ, નિયમ, કાર્યક્રમ અને ધોરણ અનુસાર ગુણવત્તા જાળવવા સતત પરીક્ષણ કરવામાં આવે છે. જ્યારે બિનનિરીક્ષણની પ્રથામાં કોઈક ‘ગુણવત્તા-નિરીક્ષક’(quality controller)ની નિમણૂક કરી તેને વિભાગે વિભાગે ફરતો રાખી, તેની મારફતે ગુણવત્તા ઉપર અંકુશ રાખવામાં આવે છે. વિકલ્પે તૈયાર વસ્તુ વિશેના અહેવાલ મંગાવી અથવા વેતનની યોજનામાં ગુણવત્તાના આંકને સમાવી ઊંચી ગુણવત્તા માટે કામદાર કે નિરીક્ષકને વધુ વેતન આપી અથવા ગુણવત્તાના બગાડ માટે જવાબદાર કર્મચારીને દંડ કરી ગુણવત્તા પર અંકુશ રાખવામાં આવે છે.
વૈધિક નિરીક્ષણની પ્રથામાં અર્ધતૈયાર કે તૈયાર વસ્તુની સંખ્યાત્મક અને ગુણાત્મક ખામીઓ પર અંકુશ રાખવા X-ચાર્ટ, R-ચાર્ટ, P-ચાર્ટ, np-ચાર્ટ, C-ચાર્ટ અને t-ચાર્ટ જેવા આલેખ તૈયાર કરવાની આંકડાશાસ્ત્રીય ગુણવત્તા-અંકુશની પદ્ધતિઓ પણ હવે વિકસી છે.
ગુણવત્તા-અંકુશનું કાર્યક્ષેત્ર ઉત્પાદનનાં કાર્યો પૂરતું જ મર્યાદિત રહ્યું નથી. તે સંશોધન અને વિકાસનાં, વિપણનનાં (marketing), કર્મચારી વિશેનાં, કાર્યાલયનાં અને નાણાકીય કાર્યો સુધી વિસ્તર્યું છે. બિનધંધાકીય સંગઠનોમાં પણ તેમની પ્રવૃત્તિઓની ગુણવત્તા માટે તેનો ઉપયોગ વ્યાપક બન્યો છે.
ગુણવત્તા-અંકુશથી વસ્તુ કે સેવાની ગુણવત્તા ઊંચી લઈ જઈ શકાય છે, પડતર-ખર્ચમાં બચત કરી શકાય છે, એકમની ઉત્પાદકતા વધારી શકાય છે અને કર્મચારીઓના જુસ્સામાં પણ વૃદ્ધિ લાવી શકાય છે.
અંકુશ, અર્ધતૈયાર માલ પર : જે કાચી માલસામગ્રી ઉપર થોડી પ્રક્રિયાઓ કરવામાં આવી હોય અને બીજી થોડી પ્રક્રિયાઓ કરવાની બાકી હોય તેવા માલને અંશત: તૈયાર અથવા અર્ધતૈયાર માલ તરીકે ઓળખવામાં આવે છે. પૂરી થઈ ગયેલી પ્રક્રિયાઓ સુધી તે તૈયાર માલ ગણાય છે, પરંતુ તેને અંશત: તૈયાર માલ એટલા માટે કહેવામાં આવે છે કે નક્કી કરેલ તૈયાર માલ માટે થોડી પ્રક્રિયાઓ કરવાની બાકી હોય છે. માલસામગ્રી ઉપર એક પ્રક્રિયા કરવાની શરૂઆત કરવામાં આવી હોય પરંતુ તે પ્રક્રિયા અધૂરી રહી હોય ત્યારે તે માલસામગ્રીને ચાલુ કામ કહે છે.
સ્ટૉક-અંકુશ માટેની આ એક મહત્વની બાબત છે. ઉત્પાદનની પ્રક્રિયાઓ સાથે અર્ધતૈયાર માલના સ્ટૉકને ગાઢ સંબંધ છે. મહત્તમ ઉત્પાદન અથવા એકમદીઠ લઘુતમ પડતરને લક્ષમાં લઈને સ્ટૉકની કક્ષાઓ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે અર્ધતૈયાર માલના સ્ટૉક-અંકુશ તરફ પૂરતી કાળજી રાખવામાં આવતી નથી. માલસામગ્રી ફેરબદલી દરની ગણતરીથી સ્ટૉક-અંકુશના આવા પ્રશ્નો ઓળખી શકાય છે અને અંકુશ માટે અપનાવેલ વિધિઓની અસરકારકતાની માપણી કરી શકાય છે.
અમુક સમયના કોઈ ઉત્પાદન-વિભાગ, પડતર-કેન્દ્ર અથવા પ્રક્રિયાના અર્ધતૈયાર માલનો ફેરબદલી-દર ગણવો હોય તો તે દર બીજા વિભાગ/પ્રક્રિયામાં ફેરબદલી કરેલ એકમોની પડતર-કિંમતને ફેરબદલી કરનાર વિભાગના અર્ધતૈયાર માલના સરેરાશ સ્ટૉકની કિંમત વડે ભાગવાથી ગણી શકાય છે. સરેરાશ સ્ટૉકની ગણતરી શરૂઆતના અર્ધતૈયાર માલના સ્ટૉકમાં છેવટનો આવો સ્ટૉક ઉમેરીને તેના સરવાળાને બે વડે ભાગવાથી કરી શકાય છે. પ્રમાણિત ફેરબદલી-દરને ખરેખર ફેરબદલી-દર સાથે સરખાવવામાં આવે છે. પ્રમાણિત દર વધુ હોય તો વસ્તુના સ્ટૉકના પ્રમાણમાં તેની ઉત્પાદન-પડતરનો દર ઓછો થાય છે. જુદા જુદા વિભાગના ફેરબદલી-દર અલગ હોય છે. આથી ફેરબદલી-દરના ફેરફારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
જ. ઈ. ગઠિયાવાલા
શિરીષભાઈ શાહ