અંકિયાનાટ : મધ્યકાલીન અસમિયા નાટ્યપ્રકાર. તેને પ્રચલિત કરનાર શંકરદેવ. અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં પણ શંકરદેવે નાટ્યસ્વરૂપ ખેડ્યું હતું. એમણે આસામની બહાર રામલીલા, યાત્રા વગેરે લોકનાટકો જોયેલાં, તે પરથી ધર્મપ્રચારને માટે લોકનાટ્ય અમોલું માધ્યમ લાગેલું. એ સમયે આસામમાં ‘ઓજાપાલી’ નામના લોકનાટ્યનું પ્રચલન હતું. શંકરદેવે ઓજાપાલીને સંસ્કૃત નાટકનો અનુરૂપ ઘાટ આપીને ‘અંકિયાનાટ’ લખ્યાં. ‘અંકિયાનાટ’ની વિશેષતાઓ : (1) એમાં સંસ્કૃત નાટકોની જેમ સૂત્રધાર આવે છે, જે નાટકનું સંચાલન કરે છે. (2) સંસ્કૃત નાટકોની જેમ એમાં પણ વચ્ચે વચ્ચે પયાર છંદોમાં લખેલાં પદ્યો આવે છે. (૩) નાટકો કૃષ્ણલીલાવિષયક હોવાથી એમાં અસમિયા અને વ્રજભાષાના મિશ્રણવાળી વિશિષ્ટ ભાષા હોય છે, જેને ‘વ્રજબૂલિ’ એવું નામ આપવામાં આવ્યું હોય છે. (4) એનું ગદ્ય લયવાળું હોય છે. એમાં સૂત્રધાર ગાયક, નર્તક, અભિનીત પ્રસંગોમાં પ્રવક્તા અને અભિનયનું સંચાલન કરનાર હોય છે. તે એક રીતે દર્શકો તથા પાત્રો વચ્ચે મધ્યસ્થી કરતો હોય છે. એમાંનાં ગીત ત્રણ પ્રકારનાં હોય છે : (i) ભક્તિપ્રધાન ગંભીર મહિમાગીત, (ii) કથાને અનુરૂપ રાગ-તાલયુક્ત ગીત, (iii) વર્ણનાત્મક પયાર છંદનાં ગીતો. શંકરદેવે ‘પત્નીપ્રસાદ’, ‘કાલિયદમન’, ‘કેલિગોપાલ’, ‘રુક્મિણીહરણ’ તથા ‘પારિજાત- હરણનાટ’ રચ્યાં છે.

પ્રીતિ બરુઆ