અંકારા : તુર્કીનું અને તેનાં મધ્યમાં સહેજ પશ્ચિમ તરફનું આવેલા અંકારા પ્રાન્તનું પાટનગર. ભૌ. સ્થાન : 390 56´ ઉ. અ. અને 320 52´ પૂ. રે. જેનો વિસ્તાર 24,521 ચોકિમી. જ્યારે વસ્તી : 5,66,00,000 (2૦20). પથ્થરયુગથી આ શહેરના  સ્થળે મનુષ્યનો વસવાટ હોવાના પુરાતત્ત્વીય પુરાવા મળ્યા છે. પ્રથમ  વિશ્વયુદ્ધ (1914-18) બાદ અંકારા શહેર રાષ્ટ્રવાદી નેતા મુસ્તફા કમાલ આતા તુર્કની રાષ્ટ્રીય ચળવળનું કેન્દ્ર બન્યું હતું. 1919માં તેમણે પોતાનું વડું મથક અંકારામાં સ્થાપ્યું હતું. 1923માં તે તુર્કીનું પાટનગર બન્યું. શહેરનું સ્થાપત્ય તેના વૈવિધ્યસભર ઇતિહાસનું પ્રતિબિંબ પાડે છે. અંકારા વહીવટનું મુખ્ય કેન્દ્ર છે. તે ઉપરાંત તે ઇસ્તંબુલ પછી દેશનું બીજા ક્રમનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર છે. વ્યાપાર અને પરિવહનનું પણ તે એક મહત્વનું કેન્દ્ર છે.

Ankara-Kizilay Meydani

અંકારા

સૌ. "Ankara-Kizilay Meydani" | CC BY-SA 4.0

અંકારામાં અનેક સંગ્રહાલયો આવેલાં છે, જે એનાતોલિયાના ઇતિહાસને રજૂ કરે છે. ‘એનાતોલિયન સંસ્કૃતિઓનું સંગ્રહાલય’ હિટ્ટાઇટ સંસ્કૃતિના અવશેષો માટે વિશ્વવિખ્યાત છે.

Musem Of Anatolian Civilisations

અંકારા, એનાતોલિયન સંસ્કૃતિઓનું સંગ્રહાલય

સૌ. "Musem Of Anatolian Civilisations" | CC BY-SA 3.0

હેમન્તકુમાર શાહ