અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય)

January, 2001

અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય) : જેમ વર્તમાન ભારતીય લિપિઓના અક્ષરોને પ્રાચીન બ્રાહ્મી અક્ષરો સાથે સરખાવતા તેમની વચ્ચે મોટું અંતર જણાય છે, તેમ વર્તમાન ભારતીય અંકો અને પ્રાચીન બ્રાહ્મી અંકો વચ્ચે પણ મોટું અંતર રહેલું છે. આ અંતર અંકોનાં સ્વરૂપ તેમજ સંખ્યાલેખનપદ્ધતિમાં પણ વરતાય છે.

પ્રાચીન બ્રાહ્મી અંકચિહનોની પદ્ધતિમાં શૂન્યનો પ્રયોગ નહોતો. આથી એકમ, દશક, શતક વગેરે સ્થાન અનુસાર અંકોનાં મૂલ્ય બદલાતાં નહિ. 1થી 9 સુધીની સંખ્યા દર્શાવવા માટે જુદાં જુદાં નવ ચિહનો નિયત હતાં. એવી જ રીતે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 1000 વગેરેને માટે પણ અલગ ચિહનો હતાં. સંખ્યાલેખનની આ શૈલીને ‘પ્રાચીન શૈલી’ કહેવામાં આવે છે.

આ પ્રાચીન શૈલીનાં 1થી 9 અંકચિહનોમાંથી આજના 1થી 9 ચિહનો ક્રમશઃ રૂપાંતર પામ્યાં છે. વળી તેમની સાથે શૂન્યનો પ્રયોગ થતાં અર્વાચીન અંકપદ્ધતિ તૈયાર થઈ. આ પદ્ધતિમાં એકમ, દશક વગેરે સ્થાન અનુસાર અંકોનાં મૂલ્યો બદલાવા લાગ્યાં. આ શૂન્યના વ્યવહારવાળી પદ્ધતિને ‘નવીન શૈલી’ કહેવામાં આવે છે.

ઈ. સ.ની છઠ્ઠી શતાબ્દી સુધીના અભિલેખોમાં શૂન્યનો પ્રયોગ જોવા મળતો નથી. કેમ કે એ અંકો પ્રાચીન પદ્ધતિએ લખાતા હોવાથી એમાં શૂન્યની આવશ્યકતા નહોતી. ભારતમાં ઈ. સ.ની છઠ્ઠી સદીથી સાહિત્યમાં અને ઈ. સ.ની સાતમી-આઠમી શતાબ્દીથી અભિલેખોમાં શૂન્યના વ્યવહારવાળી નૂતન શૈલીના પ્રયોગનાં સ્પષ્ટ પ્રમાણ મળે છે. આ નૂતન (દશાંશ) પદ્ધતિ ધીમે ધીમે પ્રાચીન પદ્ધતિનું સ્થાન લેતી જાય છે છતાં લગભગ ઈ. સ.ની અગિયારમી સદી સુધી નૂતન શૈલીના અંકોની સાથોસાથ પ્રાચીન શૈલીના અંકોનો પ્રયોગ પણ થતો રહેલો જોવા મળે છે.

પ્રાચીન શૈલી : બ્રાહ્મીના અંકોમાં સામાન્યતઃ 20 ચિહનો પ્રયોજાતાં. 1થી 9 સુધીનાં 9 ચિહનો, 10થી 90 સુધીનાં 9 ચિહનો અને 100 તથા 1000નાં એક એક મળીને કુલ્લે 20 અલગ અલગ અંક-સંકેતો હતા. એમાંના પહેલા ત્રણ અંકચિહનો એક, બે અને ત્રણ આડી રેખાઓ દ્વારા, દેશીનામામાં આણમાણમાં લખાતું, તેમ સૂચવાતાં જ્યારે બાકીનાં ચિહનો સાવ જુદી જાતનાં હતાં. જેમાંના કેટલાકના મરોડ બ્રાહ્મી અક્ષરો કે યુક્તાક્ષરો જેવા જણાય છે. આ પદ્ધતિ અનુસાર 200 અને 300ની સંખ્યા દર્શાવવા માટે 100ના ચિહનની જમણી બાજુઅ અનુક્રમે એક અને બે આડી રેખાઓ ઉમેરવામાં આવતી. તેવી જ રીતે 2000 અને 3000ના ચિહનોમાં પણ 1000ના ચિહનની જમણી બાજુઅ અનુક્રમે એક અને બે આડી રેખાઓ ઉમેરાતી, જ્યારે 400, 500, 600 વગેરે સંખ્યાઓ સૂચવવા માટે 100ના ચિહનની જમણી બાજુઅ અનુક્રમે 4, 5, 6 વગેરેનાં ચિહનો ઉમેરવામાં આવતાં. તેવી જ રીતે 4000, 5000 અને 6000 વગેરેની બાબતમાં કરવામાં આવતું. આ શૈલીની અંકલેખનપદ્ધતિમાં દરેક આંકડાંનું અલગ અલગ ચિહન પ્રયોજાતું. જેમકે 156 સંખ્યા દર્શાવવા માટે 6નું, 50નું અને 100નું એમ ત્રણ ચિહનો જમણેથી ડાબે લખાતાં. સંસ્કૃતમાં સંખ્યા એકમથી શરૂ કરીને બોલાય છે જેમકે एकादश (11), एकविंशति (21), सप्तत्रिशंत् (37), षडशीति (86), त्रिनवति (93) વગેરે. કહેવાયું પણ છે કે अंकाना वामतो गतिः (અંકોની ઊલટી દિશાથી ગતિ છે) અર્થાત્ અક્ષરો ડાબેથી જમણે લખાય છે જ્યારે અંકો જમણેથી ડાબે લખાય છે. દા. ત., બાવીસ માટે ‘બે’ ના ચિહનની ડાબી બાજુએ 20નું ચિહન કરવામાં આવતું. નૂતન શૈલીનો પ્રચાર થતાં આ શૈલીનાં 1થી 9નાં અંકચિહનો અપનાવી લેવાયાં અને શૂન્ય સાથે એમનો યોગ થયો. આને લઈને 10, 20, 30 વગેરે અંકચિહનોનો ઉપયોગ લુપ્ત થયો, જ્યારે 1થી 9નાં અંકચિહનો એના ક્રમિક પરિવર્તન સાથે ચાલુ રહ્યાં.

નૂતન કે દશાંશ પદ્ધતિ : આ પદ્ધતિમાં 1થી 9 સુધીનાં અંકચિહનો અને ખાલી સ્થાનસૂચક ચિહનો (શૂન્ય) આ દશ ચિહનોથી સંખ્યાલેખનનો સમસ્ત વ્યવહાર ચાલે છે. આ દશ ચિહનો એકમ, દશક, શતક વગેરે પ્રત્યેક સ્થાન પર આવી શકે છે અને સ્થાન પ્રમાણે જમણેથી ડાબી તરફ ખસતાં દરેક અંકનું સ્થાનિક મૂલ્ય દશગણું વધી જાય છે. દા. ત., 1, 11, 111. આમાં છયે અંકો 1 છે, પરંતુ જમણેથી લેતાં પહેલો 1નો, બીજો 10નો, ત્રીજો 100નો, ચોથો 1000નો, પાંચમો 10000નો અને છઠ્ઠો 1,00000નો બોધ કરે છે. આ સંખ્યાસૂચક ક્રમને દશ ગુણોત્તર સંખ્યા કે સ્થાનમૂલ્યનો સિદ્ધાંત કહે છે. આ પદ્ધતિને દશાંશપદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ નૂતન શૈલીમાં 1થી 9 સુધીના અંકોનાં ચિહનો તેમના પ્રાચીન સ્વરૂપમાં યથાવત્ સ્વીકારાયાં છે, જ્યારે શૂન્યના ચિહનોની શોધ સ્વતંત્રપણે કરવામાં આવી છે. શૂન્યની શોધે માનવજાતને હિસાબ-કિતાબમાં પ્રયોજવી પડતી સંખ્યાલેખન પદ્ધતિમાં ઘણી જ સરળતા કરી આપી છે. એથી જ આજે શૂન્યયુક્ત દશાંશ- પદ્ધતિનો પ્રચાર સમગ્ર દુનિયામાં થતો રહ્યો છે.

ભારતીય અંકોની પ્રાચીન અને નૂતન આ બંને શૈલીઓનો ભારતના ઇતર પ્રદેશોની જેમ ગુજરાતમાં પણ પૂર્ણતઃ પ્રચાર થયેલો જોવા મળે છે. પ્રાચીન શૈલીનાં અંકચિહન અહીં ક્ષત્રપકાલથી મળવાં શરૂ થાય છે અને નવમા શતક સુધી પ્રયોજાતાં નજરે પડે છે. નૂતન શૈલીનાં અંકચિહનો નવમા શતકથી મળવાં શરૂ થાય છે.

પ્રવીણચંદ્ર પરીખ