હો–ચી–મિન્હ (શહેર)

February, 2009

હો–ચી–મિન્હ (શહેર) : વિયેટનામનું મોટામાં મોટું શહેર. જૂનું નામ સાઇગોન. ભૌગોલિક સ્થાન : 10° 58´ ઉ. અ. અને 106° 43´ પૂ. રે. તે વિયેટનામનું પ્રધાન ઔદ્યોગિક તેમજ વ્યાપારી મથક પણ છે. 34,733 (ઈ. સ. 2004 મુજબ) ચોકિમી. વિસ્તાર ધરાવતું આ શહેર દક્ષિણ વિયેટનામમાં મૅકોંગ નદીના ત્રિકોણપ્રદેશ અને દક્ષિણ ચીની સમુદ્રની વચ્ચેના ભાગમાં આવેલું છે. મૅકોંગનો ત્રિકોણપ્રદેશીય વિસ્તાર ખેતી માટે ફળદ્રૂપ ગણાય છે. આ વિસ્તારમાં થતી પેદાશો આ શહેરમાં પહોંચતી કરવામાં આવે છે.

હો–ચી–મિન્હ શહેરનું નગરગૃહ તથા હો–ચી–મિન્હનું બાવલું

હો–ચી–મિન્હ અને તેના ચીની વિભાગ કોલોનના માર્ગો વૃક્ષોની હારથી સજાવેલા છે. શહેરમાં આધુનિક ઢબની સ્થાપત્યશૈલીની ઘણી ઇમારતો જોવા મળે છે, તે બધી ચીની અને ફ્રેન્ચ વસાહતીઓએ બાંધેલી જૂની ઇમારતોથી જુદી પડી આવે છે. અહીંની હો–ચી–મિન્હ યુનિવર્સિટી પણ વિયેટનામની મોટામાં મોટી શિક્ષણસંસ્થા ગણાય છે.

રીયુનિફિકેશન મહેલ

અહીંના મુખ્ય ઉદ્યોગોમાં કાપડ, રબર અને ખાદ્યપ્રક્રમણનો સમાવેશ થાય છે. 1954થી 1976ના ગાળા દરમિયાન તે દક્ષિણ વિયેટનામનું પાટનગર હતું, આજે પણ તે પ્રજાસત્તાક અખંડ વિયેટનામનું દક્ષિણ વિભાગ પૂરતું પાટનગર ગણાય છે.

18મી સદીમાં ઉત્તર તરફના વિયેટનામી લોકો સ્થળાંતર કરીને અહીં આવીને વસેલા, ત્યારે આ શહેર સાઇગોન નામથી ઓળખાતું હતું, વળી તે બંદર તરીકે વિશેષ ઉપયોગમાં લેવાતું હતું; ત્યારે મૅકોંગ નદીના ત્રિકોણપ્રદેશમાં થતી ડાંગરની નિકાસ થતી હતી. 1861માં ફ્રેન્ચોએ સાઇગોનનો કબજો લઈ લીધેલો. તેમણે આ સ્થળને લશ્કરી મથક બનાવેલું અને તેમની કોચીન–ચાઇના(ફ્રેન્ચ ઇન્ડોચીનનો ભાગ)ની વસાહતોનું વહીવટી પાટનગર બનાવેલું.

1954માં ફ્રાન્સના શાસનમાંથી ઇન્ડોચીન સ્વતંત્ર બન્યું. વસાહતોના વિયેટનામી વિભાગોને (દેશને) બે વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યા  ઉત્તર વિયેટનામ અને દક્ષિણ વિયેટનામ. તે વખતે સાઇગોન દક્ષિણ વિયેટનામનું પાટનગર બન્યું. 1957થી 1975ના ગાળા દરમિયાન વિયેટનામ યુદ્ધમાં સંડોવાયું; પરંતુ તેને કારણે સાઇગોન ઘણું બધું વિસ્તર્યું અને વિકસ્યું. દક્ષિણ વિયેટનામ અને યુ.એસ.નાં દળો અહીં રહેલાં; પરંતુ વસ્તીના ઘણા લોકો લડાઈઓની તકલીફોથી બચવા આજુબાજુના પ્રદેશોમાં જતા રહેલા. સામ્યવાદી ઉત્તર વિયેટનામે આ યુદ્ધમાં દક્ષિણ વિયેટનામને હરાવ્યું. 1976માં સામ્યવાદીઓએ ઉત્તર અને દક્ષિણ વિયેટનામને એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું. વિયેટનામના પ્રથમ પ્રમુખ હો–ચી–મિન્હના નામ પરથી સાઇગોનને હો–ચી–મિન્હ નામ આપવામાં આવ્યું.

યુદ્ધની સમાપ્તિ પછી શહેરનું અર્થતંત્ર મંદ પડ્યું, તેથી બેકારીનું પ્રમાણ વધ્યું; આથી સરકારે અહીંના ઘણા લોકોને શહેર વિસ્તાર છોડીને ગ્રામવિસ્તારોમાં જવાની ફરજ પાડી. 2004 મુજબ હો–ચી–મિન્હની વસ્તી 1,31,49,700 જેટલી છે.

જાહનવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા