હોમિયોપથી (સમચિકિત્સાવિજ્ઞાન)

February, 2009

હોમિયોપથી (સમચિકિત્સાવિજ્ઞાન) : રોગોપચારનું એક વિલક્ષણ ચિકિત્સાવિજ્ઞાન. ગ્રીક શબ્દ ‘homois’ એટલે like (= સમ) અને ‘pathos’ એટલે suffering (= દર્દ) પરથી તેનું નામ હોમિયોપથી આપવામાં આવ્યું છે. તે ઍલૉપથી (allopathy) અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન છે. હોમિયોપથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હૉનેમાનના નામ પરથી આ ચિકિત્સાપદ્ધતિને હૉનેમાનની ચિકિત્સાપદ્ધતિ પણ કહે છે.

ઐતિહાસિક : ડૉ. હૉનેમાને આ ચિકિત્સાપદ્ધતિની 1796માં સ્થાપના કરી. તેઓ ઍલૉપથીય ચિકિત્સક હતા. 1790માં જર્મનીમાં તબીબ તરીકેની માન્યતા મળવા છતાં તેમને ઍલૉપથીય ચિકિત્સાથી સંતોષ ન હતો; તેથી તેમણે 1790માં જ આ ચિકિત્સાપદ્ધતિ છોડી દઈ આજીવિકા માટે વૈદકીય પુસ્તકોનું ભાષાંતર કરવાનો આરંભ કર્યો.

વિલિયમ કુલેનના ઔષધ નિઘંટુ(materia medica)ના ગ્રંથનો જર્મન ભાષામાં અનુવાદ કરતાં તેમને હોમિયોપથીનો વિચાર ઉદભવ્યો. તેમણે પોતાના પર અને સગાંસંબંધીઓ પર સિંકોનાની છાલના કેટલાક પ્રયોગો કર્યા. તેમણે જોયું કે સિંકોનાની છાલ ખાવાથી જઠરનાં કેટલાંક લક્ષણો ઉપરાંત તાવ, ટાઢથી ધ્રૂજવું, સાંધાનો દુખાવો જેવાં મલેરિયાની શરૂઆતમાં જોવા મળતાં લક્ષણો જેવાં જ લક્ષણો ઉત્પન્ન થાય છે.

સમરૂપનો સિદ્ધાંત (law of similars) : હૉનેમાને તેમને થયેલા અનુભવોને આધારે ચિકિત્સાનો સમરૂપનો સિદ્ધાંત આપ્યો. તે ‘like cures like’ (Latin : similia similibug curentur) તરીકે પણ જાણીતો છે. એટલે કે જે ઔષધ કે દ્રવ્ય રોગનાં લક્ષણો ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે; તે જ ઔષધ કે દ્રવ્યની સૂક્ષ્મ માત્રા વડે શીઘ્ર અને ખૂબ સારી રીતે તે રોગ મટી શકે છે.

ડૉ. હૉનેમાને 20 વર્ષ સુધી 700 જેટલી વનસ્પતિઓમાંથી ઍલૉપથી કરતાં જુદી રીતે હોમિયોપથીય ઔષધો બનાવી તંદુરસ્ત વ્યક્તિઓ ઉપર પ્રયોગો કરી પોતાની નવી ચિકિત્સાની સ્થાપના કરી.

હોમિયોપથીય ઔષધો : હોમિયોપથીય ઔષધોનો સ્વાદ પ્રાય: મીઠો અને રંગ સફેદ હોય છે. આ ઔષધો ત્રણ સ્વરૂપમાં આપવામાં આવે છે : ગોળી, ચૂર્ણ અને પ્રવાહી. ઘણાં ઔષધો સ્પિરિટ અથવા ઈથર કે ગ્લિસરિનમાં મેળવી તેનું ટિંક્ચર કે અર્ક બનાવવામાં આવે છે. તેને મૂલાર્ક (mother tincture) કહે છે.

આ ઔષધો વિષહીન અને બિન-હાનિકારક હોય છે. તેઓમાં આશ્ચર્યજનક પ્રભાવશાળી ઔષધીય ગુણ હોય છે. તે રોગનાશનમાં પ્રબળ અને શરીરના ગઠન માટે નિષ્ક્રિય હોય છે. ઍલૉપથીનાં મોંઘાં ઔષધોની તુલનામાં આ ઔષધો એકંદરે સસ્તાં હોય છે અને ઘણે ભાગે તેની આડ અસરો થતી નથી. તેથી ઘણા લોકો હોમિયોપથીય ઔષધો વધારે પસંદ કરે છે.

ગંધક, પારો, સોનું, જસત, કલાઈ, ચાંદી, લોખંડ, ચૂનો, તાંબું અને ટેલ્યૂરિયમ જેવાં તત્ત્વો, છોડ કે તેમનાં મૂળ, છાલ, વિવિધ પ્રાણીઓનાં અંગો કે વિષ તથા અન્ય ઘણા પદાર્થોમાંથી ઔષધો બનાવવામાં આવ્યાં છે. તત્ત્વોનાં સંયોજનોમાંથી પણ ઔષધો બને છે. હોમિયોપથીના ઔષધ નિઘંટુમાં 260થી 270 ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પૈકી મોટા ભાગનાં ઔષધોનું પુરુષ, સ્ત્રી કે બાળકો ઉપર પરીક્ષણ કરી તેમના રોગોત્પાદક ગુણ નિશ્ચિત કરવામાં આવ્યા છે. બાકીનાં ઔષધો અનુભવસિદ્ધ છે.

મંદન (dilution) અને પ્રબળ મંથન (succussion) : હોમિયોપથીય ઔષધના નિર્માણ માટે ગતિશીલન (dynamisation) કે શક્તિપ્રવર્ધન (potentisation) નામની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં દ્રવ્યને આલ્કોહૉલ કે નિસ્યંદિત પાણીમાં મંદ કરી સ્થિતિસ્થાપક સાધન સાથે 10 વાર સખત રીતે અથડાવી ખૂબ જોરથી હલાવવામાં આવે છે. આ ક્રિયાને પ્રબળ મંથન કહે છે. આ પ્રક્રિયાથી મંદીકૃત દ્રવ્યની જીવનશક્તિ સક્રિય બને છે અને દ્રવ્યને જોરથી હલાવવાથી કાર્યશક્તિ મુક્ત થાય છે. આ હેતુ માટે હૉનેમાને એક બાજુએ ચામડા વડે આવરિત અને ઘોડાના વાળ વડે ભરણ કરેલું કાષ્ઠનું સ્ટ્રાઇકિંગ બૉર્ડ બનાવ્યું હતું. ક્વાર્ટ્ઝ અને છીપલાના કવચ જેવા અદ્રાવ્ય ઘન પદાર્થોનું લૅક્ટોઝ સાથે સંપેષણ (trituration) કરીને મંદ કરવામાં આવે છે. અદ્રાવ્ય પદાર્થોને ઘૂંટવા માટે ખરલ-દસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે હવે તેમને યંત્ર દ્વારા ઘૂંટી શકાય છે.

હોમિયોપથીમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતાં ઔષધોનું સામર્થ્ય (potency) દર્શાવતા ત્રણ માપક્રમ (scale) આપવામાં આવ્યા છે. હૉનેમાને શતાંશક (centesimal) કે ‘C’ માપક્રમ આપ્યો છે. એટલે કે પદાર્થનું દરેક તબક્કે 100ના ગુણકમાં મંદન કરવામાં આવે છે. દા.ત., 2C મંદન કરવા એક ભાગ પદાર્થને 100 ભાગ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. પછી મંદીકૃત દ્રાવણના એક ભાગને 100ના ગુણકમાં ફરીથી મંદ કરવામાં આવે છે. તેથી મૂળ દ્રાવણના એક ભાગે 9999 ભાગ (100 × 100 – 1) દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. 6C મંદનમાં આ ક્રિયાનું 6 વાર પુનરાવર્તન કરવામાં આવે છે. તેથી મૂળભૂત દ્રવ્યનું 100–6 = 10–12 ગણું મંદન થાય છે.

હોમિયોપથીમાં વધારે મંદ દ્રાવણ વધારે સામર્થ્યવાળું ગણાય છે. વધારે મંદ પદાર્થો વધારે ગુણવત્તાવાળા અને ક્રિયાશીલ હોય છે. કેટલીક વાર અંતિમ ઊપજનું એટલું બધું મંદન કરવામાં આવ્યું હોય છે કે તે દ્રાવક(નિસ્યંદિત પાણી, શર્કરા કે આલ્કોહૉલ)થી સહેલાઈથી પારખી શકાતું નથી.

સારણી 1 : ઔષધ દ્રવ્યનું મંદન અને તેના માપક્રમ

X

માપક્રમ

C

માપક્રમ

ગુણોત્તર નોંધ
1X 1 : 10 ઓછા સામર્થ્યવાળું ઔષધ
2X 1C 1 : 100 1X કરતાં વધારે સામર્થ્યવાળું ઔષધ
6X 3C 10–6 આર્નિકા મોન્ટાના(વછનાગ)નું મંદન 10–6 હોય છે.
8X 4C 10–8 અમેરિકામાં પીવાના પાણીમાં આર્સેનિકની સ્વીકૃત સાંદ્રતા
12X 6C 10–12
24X 12C 10–24 જો એક મોલ મૂળભૂત પદાર્થનો ઉપયોગ કર્યો હોય તો દ્રાવણમાં તેનો એક અણુ હોવાની સંભાવ્યતા (probability)
60X 30C 10–60 મોટા ભાગના હેતુઓ માટે હૉનેમાને સૂચવેલું મંદન
400X 200C 10–400 ફ્લૂની ચિકિત્સામાં વપરાતા ઓસ્સિલો- કોક્સિનમનું દ્રાવણ; જે બતકના યકૃતમાંથી બનાવવામાં આવતું વ્યાપારિક ઔષધ છે.

કેટલાક ચિકિત્સકો દશાંશક (decimal) માપક્રમનો ઉપયોગ કરે છે; જેમાં પદાર્થનું મંદન તેના મૂળ કદના 10ના ગુણકમાં કરવામાં આવે છે. તેને ‘D’ કે ‘X’ સંજ્ઞા વડે દર્શાવાય છે. C માપક્રમનું મૂલ્ય નિશ્ચિત સાંદ્રતા માટે D કે Xના માપક્રમ કરતાં અર્ધું હોય છે; જેમ કે 12Xનું મંદન 6Cને સમકક્ષ હોય છે. હૉનેમાને દશાંશક પદ્ધતિનો ક્યારેય ઉપયોગ કર્યો નથી; પરંતુ તે 19મી સદીમાં અને આજે પણ ખૂબ પ્રચલિત છે.

હોમિયોપથિક ઔષધ નામની સાથે તેનું સામર્થ્ય ખાસ દર્શાવાય છે; જેમ કે બેલાડોના 3X, આર્સેનિક 3X, કૅમોમિલા 3X, ચાઈના 3X, ડ્રોસેરા 3X, જેલ્સેમિમ 3X, સિપિયા 200X, આર્નિકા/મોન્ટાના D6. હવે તો હોમિયોપથિક ઔષધનું અંત:ક્ષેપણ (injection) પણ કરવામાં આવે છે.

ચિકિત્સકની કાર્યપદ્ધતિ : હોમિયોપથીય ચિકિત્સકનું મુખ્ય કાર્ય રોગી દ્વારા દર્શાવવામાં આવેલ રોગનાં લક્ષણો સાંભળી તે પ્રકારનાં લક્ષણો ઉત્પન્ન કરવાવાળા ઔષધની પસંદગી કરવાનું છે. રોગના લક્ષણ અને ઔષધના લક્ષણમાં જેટલું સામ્ય વધારે તેટલી રોગીની સ્વસ્થ થવાની સંભાવના વધારે રહે છે. ચિકિત્સકનો અનુભવ તેને સૌથી વધારે સહાયક બને છે. જૂના અને હઠીલા રોગની ચિકિત્સામાં રોગી અને ચિકિત્સક બંનેની ધીરજ આવશ્યક હોય છે.

ચિકિત્સકોની ધારણા હોય છે કે પ્રત્યેક જીવંત પ્રણાલીમાં અંગો પોતાનો ક્રિયાશીલ માનક (functional norm) જાળવી રાખવાની પ્રવૃત્તિ કરે છે; પરંતુ આ ક્રિયાશીલ માનકમાં ફેરફાર થાય ત્યારે પ્રાણી આ માનકને જાળવવા અનેક પ્રતિક્રિયાઓ કરે છે. પ્રાણીને ઔષધ દ્વારા આ પ્રયાસમાં સહાયતા મળે છે. ઔષધ અલ્પ માત્રામાં આપવામાં આવે છે; કેમ કે રોગની ક્રિયા દરમિયાન રોગી અતિસંવેગી હોય છે. ઔષધની અલ્પ માત્રા ન્યૂનતમ પ્રભાવકારી હોવાથી માત્ર એક જ પ્રભાવ પ્રગટ થાય છે. રોગની અવસ્થામાં પેશીની રૂપાંતરિત સંગ્રાહકતાને કારણે આ એકાવસ્થા (monophasic) પ્રભાવ સ્વાસ્થ્યના પુન:સ્થાપનમાં વિશેષ નિયમિત બને છે. તે શરીરની આંતરિક શક્તિની વિચલિતતા દૂર કરે છે.

જીવરાસાયણિક ઔષધવિજ્ઞાન : હોમિયોપથીના ઔષધ-નિર્માણના સિદ્ધાંતને આધારે હૉનેમાનના સમકાલીન ડૉ. શુસ્લરે જીવરાસાયણિક ઔષધવિજ્ઞાન નામની નવી ચિકિત્સાપદ્ધતિ શોધી છે; જેમાં જીવનના અત્યંત પાયારૂપ મહત્વના 12થી 15 જેટલા ક્ષાર કાઢી તેની હોમિયોપથીની પદ્ધતિ પ્રમાણે સફેદ-મીઠી ગોળીઓ બનાવી કોઈ પણ દર્દમાં તે આપવામાં આવે છે. આ ચિકિત્સાપદ્ધતિ હોમિયોપથીની નાની શાખા સમાન છે.

હોમિયોપથીની લોકપ્રિયતા : 19મી સદીમાં હોમિયોપથીએ તેની મહત્તમ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. 1830માં પ્રથમ હોમિયોપથીય શાળાઓ ખૂલી હતી અને 19મી સદી દરમિયાન યુરોપ અને અમેરિકામાં સંખ્યાબંધ સંસ્થાઓનો પ્રારંભ થયો હતો. 1900માં અમેરિકામાં 22 જેટલી હોમિયોપથીય કૉલેજો અને 15,000 જેટલા ચિકિત્સકો બહાર પડ્યા હતા. તે સમયની પ્રણાલિકાગત ચિકિત્સાપદ્ધતિની અવૈજ્ઞાનિક રક્ત-નિષ્કર્ષણ (blood-letting) અને અન્ય પરીક્ષણવિહીન તથા જોખમકારક સારવારની સામે હોમિયોપથીથી મળતાં પરિણામો ઘણી વાર સારાં પ્રાપ્ત થતાં હતાં. હોમિયોપથીનાં ઔષધો બિનઅસરકારક હોવા છતાં બિન-હાનિકારક હતાં, જેથી દર્દીના મૃત્યુની સંભાવના ઓછી રહેતી હતી. હોમિયોપથીની લોકપ્રિયતા વધવાનું બીજું એક કારણ મહામારી(epidemic)ના ચેપી રોગોની ચિકિત્સા છે. 19મી સદીમાં કૉલેરા જેવા મહામારીના રોગમાં હોમિયોપથીય હૉસ્પિટલોના દર્દીઓનો મૃત્યુદર પ્રણાલિકાગત હૉસ્પિટલોના દર્દીઓના મૃત્યુદર કરતાં ઓછો હતો. તે સમયે પ્રણાલિકાગત હૉસ્પિટલોમાં આપવામાં આવતી સારવાર ઘણી વાર જોખમી હતી અને તે રોગને નિયંત્રિત કરવામાં અસફળ રહી હતી.

હોમિયોપથીનો ડૉ. જૉહન ફૉર્બસે (રાણી વિક્ટોરિયાના ચિકિત્સક) ઉપહાસ કરતાં જણાવ્યું હતું કે હોમિયોપથીમાં અત્યંત અલ્પ માત્રામાં અપાતાં ઔષધો બિન-ઉપયોગી છે. જેમ્સ યંગ સિમ્પસને પણ અત્યંત મંદ ઔષધોની કડક ટીકા કરી હતી. ઑલિવર વૅન્ડેલ હોલ્મ્સે (અમેરિકીય ચિકિત્સક અને લેખક) તેમના ‘હોમિયોપથી ઍન્ડ ઇટ્સ કિન્ડ્રેડ ડિલ્યૂઝન્સ’ નામના 1842માં પ્રકાશિત થયેલા લેખમાં પણ ઉગ્ર સમાલોચના કરી હતી. 1867માં યુરોપના અગ્રણી હોમિયોપથીય ચિકિત્સકોએ દર્દીઓને અલ્પમાત્રામાં ઔષધો આપીને છોડી દીધાં હતાં, એટલું જ નહિ, તેઓ હોમિયોપથીનો બચાવ પણ કરતા નહોતા. 1920માં અમેરિકામાં માત્ર હોમિયોપથીનું શિક્ષણ આપતી છેલ્લી શાળા પણ બંધ પડી હતી.

20મી સદીના ઉત્તરાર્ધમાં પુનર્જીવન : 1938નો ‘ધ ફૂડ, ડ્રગ ઍન્ડ કૉસ્મેટિક ઍક્ટ’ (રૉયલ કૉપલડ, ન્યૂયૉર્ક સેનેટર અને હોમિયોપથીય ચિકિત્સક આ કાયદાના પ્રવર્તક હતા.) દ્વારા હોમિયોપથીય ઔષધોને માન્યતા આપવામાં આવી. 1950માં અમેરિકામાં માત્ર 75 હોમિયોપથીય ચિકિત્સકો હતા. 1970ના દસકાના મધ્યથી અંત સુધીમાં હોમિયોપથીની નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. કેટલીક હોમિયોપથીય કંપનીઓના વ્યાપારમાં 10 ગણો વધારો થયો હતો. બ્રાઝિલમાં 1970ના અને જર્મનીમાં 1980ના દસકામાં હોમિયોપથીને પુનર્જીવન પ્રાપ્ત થયું. 1990ના દસકામાં ચિકિત્સાના વ્યવસાયે હોમિયોપથીની સંકલ્પનાના સંકલનની શરૂઆત કરી; તેથી હોમિયોપથીના વ્યવસાયમાં મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં સ્પર્ધાનો પ્રારંભ થયો.

ભારતમાં હોમિયોપથીનો પ્રસાર : અવિભાજિત ભારતમાં હોમિયોપથીનો પ્રવેશ ડૉ. જે. એમ. હોની બર્જર નામના જર્મન ચિકિત્સક દ્વારા 1939માં લાહોર(પંજાબ)થી થયો છે. તેણે સૌપ્રથમ પંજાબ નરેશ મહારાજા રણજિતસિંહજીના ચહેરાનો લકવો હોમિયોપથીય પદ્ધતિ દ્વારા સારો કર્યો હતો. ત્યારથી પંજાબમાં આ પદ્ધતિનો પ્રસાર થયો છે. 1920માં લાહોરમાં અવિભાજિત ભારતની હોમિયોપથીની પ્રથમ કૉલેજ સ્થપાઈ હતી. 1965માં ભારત સરકારે હોમિયોપથીને માન્યતા આપી હતી.

હાલમાં ભારતમાં પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં હોમિયોપથીનો સર્વાધિક પ્રસાર થયેલો છે. ત્યારપછી મહારાષ્ટ્રના મુંબઈ અને ગુજરાતમાં પ્રસાર થયેલો છે. પ્રચાર-પ્રસારમાં ગુજરાત પશ્ચિમ બંગાળ પછી દ્વિતીય ક્રમે આવે છે અને 2006ની સાલમાં ગુજરાત રાજ્યમાં કુલ 15 જેટલી હોમિયોપથીની કૉલેજો હતી અને દર વર્ષે ગુજરાતમાંથી અંદાજે 1400 જેટલા હોમિયોપથીના તબીબો બહાર પડે છે. ભારતમાં મોટા ભાગનાં હોમિયોપથીય ઔષધો કોલકાતા, કેરળ અને મુંબઈમાં બને છે. ઘણી વાર આવાં ઔષધો જર્મની કે ફ્રાન્સમાંથી આયાત પણ થાય છે. સને 1999ના પ્રાપ્ત આંકડા મુજબ સમગ્ર ભારતમાં હોમિયોપથીય ઔષધો બનાવનારી (સરકારી લાઇસન્સપ્રાપ્ત) ફાર્મસીઓની કુલ સંખ્યા 903 જેટલી હતી. આમ, ભારતમાં હોમિયોપથીના વિકાસનું એક સુંદર ચિત્ર ઊપસ્યું છે.

હોમિયોપથી દ્વારા પ્રત્યૂર્જતા (allergy), અસ્થિમજ્જાપાત (bone marrow failure), સોરાયસિસ, મસા, ટાઇફૉઇડ, વૃક્કકાઠિન્ય (nephrosclerosis), ગલગ્રંથિ અતિક્રિયતા (hyperthyroidism), અસ્થિ-સંધિશોથ (osteoarthritis), કાકડા (tonsils), રુમેટૉઇડ સંધિશોથ (rhumatoid arthritis), જીભનું કૅન્સર, હર્પિસ ઝોસ્ટર, તંત્રિકાશોથ (neuritis), વાતરક્ત (gout), દમ, મલેરિયા, વ્યક્તિત્વ-વિકાર (personality disorder), રિકેટ્સ, કટિશૂલ (lumbago), ગોણિકા વૃક્કશોથ (pyelo nephritis), ડાઉન સંલક્ષણ (syndrome), અપસ્માર (epilepsy), મોતિયો, ઇન્ફ્લૂએન્ઝા, અતિરક્તદાબ (high blood pressure), મૂત્રાશયશોથ (cystitis), માઇગ્રેન, તોતડાપણું (stammering), અપસ્ફિત શિરા (varicose vein), શ્વસનીશોથ (bronchitis), ગર્ભાશયગ્રીવા અપરદન (cervical erosion), પૅપ્ટિક વ્રણ (ulcer), વિખંડિત મનસ્કતા (schizophrenia), અમૂત્રતા (anuria), અપચો, સફેદ ડાઘ (leucoderma), વંધ્યત્વ, પિત્તાશયની પથરી, દૃષ્ટિચેતાશોથ (optic atrophy), ગર્ભાશયનું કૅન્સર, રુધિરનું કૅન્સર, પુર:સ્થશોથ (prostritis) જેવા કેટલાક અસાધ્ય રોગોની સારવાર પણ કરવામાં આવે છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

પ્રદીપ દોશી

બળદેવભાઈ પટેલ