હૉફમેન રોઆલ્ડ (Hoffmann Roald)

February, 2009

હૉફમેન, રોઆલ્ડ (Hoffmann, Roald) (જ. 18 જુલાઈ 1937, ઝ્લોક્ઝોવ, પોલૅન્ડ) : પોલૅન્ડમાં જન્મેલા અમેરિકન રસાયણવિદ અને ફુકુઈ સાથે 1981ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. નાઝીઓએ કબજે કરેલા પોલૅન્ડમાં યાતનાભર્યું બાળપણ વિતાવ્યા બાદ 1949માં તેઓ માત્ર 11 વર્ષની વયે કુટુંબ સાથે યુ.એસ. આવેલા અને 1955માં અમેરિકન નાગરિક બન્યા હતા.

હૉફમેને 1958માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી સ્નાતકની અને 1962માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. તે પછી ત્રણ વર્ષ સુધી તેમણે હાર્વર્ડમાં રૉબર્ટ બી. વૂડવર્ડ સાથે સંશોધનકાર્ય કર્યું. 1965માં તેઓ કૉર્નેલ યુનિવર્સિટીના અધ્યાપકગણમાં જોડાયા.

અગાઉ વૂડવર્ડ અને તેમના સહકાર્યકરોએ વિટામિન B12 જેવા જટિલ અણુનું સંશ્લેષણ કરવા માટે જે પ્રક્રિયા કરવા ધારેલી તેણે અણધાર્યો માર્ગ પકડતાં હૉફમેન અને વૂડવર્ડે આની સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો. બંને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જેમાં પરમાણુઓનાં વલયોનું નિર્માણ અથવા ખંડન સંકળાયેલું હોય તેવી ઘણી પ્રક્રિયાઓ એવો માર્ગ પકડે છે કે જે સૌથી વધુ ફેરફાર અનુભવતી આણ્વિક કક્ષકોના ગાણિતિક વર્ણનમાંની અભિનિર્ધારણીય (identifiable) સમમિતિ પર આધાર રાખે છે. આ સિદ્ધાંત વૂડવર્ડ–હૉફમેન નિયમો તરીકે ઓળખાય છે. તે યોગ્ય આરંભિક (starting) દ્રવ્યો લેવા છતાં કેટલાંક ચક્રીય સંયોજનો કેમ બનતાં નથી અને કેટલાંક ઉદભવે છે તેની સમજૂતી આપે છે. તદુપરાંત જ્યારે ચક્રીય સંયોજનોમાંનાં વલયો તૂટે ત્યારે મળતી નીપજોમાં પરમાણુઓની ભૌમિતિક ગોઠવણી પણ તે સ્પષ્ટ કરે છે.

રોઆલ્ડ હૉફમેન

હૉફમેન અને ફુકુઈનું કાર્ય એકબીજાથી સ્વતંત્ર રીતે થયેલું હોવા છતાં તે નોંધપાત્ર રીતે સરખું છે. ફુકુઈથી સ્વતંત્ર રીતે હૉફમેન એ તારણ ઉપર આવ્યા કે પરમાણુઓ (કે અણુઓ) પોતે જોડાય તે પછી પણ તેઓ પહેલા જેવા જ કક્ષકીય ગુણધર્મો ધરાવતા હોય તો તેમની વચ્ચે પ્રક્રિયા થવાની શક્યતા વધુ હોય છે. એટલે કે કુદરત પણ વૈજ્ઞાનિકો જેને કક્ષકીય સમમિતિ કહે છે તેને જાળવી રાખવા ઇચ્છે છે. બંને વૈજ્ઞાનિકોનું સંશોધનકાર્ય ક્વૉન્ટમ યાંત્રિકી પર આધારિત છે.

હૉફમેન અને ફુકુઈને એકબીજાથી સ્વતંત્ર રીતે રાસાયણિક પ્રક્રિયાઓના માર્ગ અંગેના સિદ્ધાંતો વિકસાવવા બદલ 1981ના વર્ષનો રસાયણવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો.

જ. પો. ત્રિવેદી

પ્ર. બે. પટેલ