હૉફમેન, ડસ્ટિન (જ. 8 ઑગસ્ટ 1937, લૉસ એન્જલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : હૉલિવુડના ચલચિત્ર-અભિનેતા. પોલિશ યહૂદી પરિવારમાં જન્મ. મૂળ નામ ડસ્ટિન લી હૉફમેન. હૉલિવુડના અગ્રણી પંક્તિના આ પ્રતિભાશાળી અભિનેતા પડકારરૂપ ભૂમિકાઓમાં પાત્રની અંદર ઊતરીને તેને પડદા પર આત્મસાત્ કરવા માટે જાણીતા છે. 1955માં લૉસ એન્જલસની હાઈસ્કૂલમાંથી શિક્ષણ લીધા બાદ હૉફમેન વધુ અભ્યાસ માટે સાન્ટા મોનિકા સિટી કૉલેજમાં જોડાયા હતા, પણ ત્યાં અભ્યાસમાં ખૂબ નબળો દેખાવ કરતા રહેવાને કારણે તેમને કૉલેજ છોડવી પડી હતી. જોકે એ દરમિયાન અભિનયમાં રસ જાગતાં તેમણે અભિનયની તાલીમ શરૂ કરી દીધી હતી અને અભિનયને કારકિર્દી તરીકે અપનાવવાનો નિર્ણય કર્યો હતો.

ડસ્ટિન હૉફમેન

બે વર્ષ માટે તેણે પાસાડેના પ્લેહાઉસમાંથી અભિનયની તાલીમ લીધી હતી. પ્રારંભમાં હૉફમેનને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. નાટકો અને ટેલિવિઝન પર જે મળ્યું તે કામ કરતા રહ્યા હતા. 1967માં ‘ધ ટાઇગર મેક્સ આઉટ’ ચિત્રમાં એક નાની ભૂમિકા સાથે તેમણે પ્રારંભ કર્યો હતો. અંતે એ જ વર્ષે દિગ્દર્શક માઇક નિકોલસે તેમની પ્રતિભા પારખી લઈને તેમને ‘ધ ગ્રૅજ્યુએટ’ ચિત્રમાં મુખ્ય ભૂમિકા આપી હતી. એકવડા બાંધાના તેમના શરીરને કારણે તેઓ હંમેશાં તેમની ઉંમર કરતાં નાના દેખાતા રહ્યા છે. પ્રથમ ચિત્રમાં જ હૉફમેને તેમની ભૂમિકામાં એવો જીવ રેડી દીધો હતો કે તેમને શ્રેષ્ઠ અભિનેતાનું ઑસ્કાર નામાંકન તો મળ્યું જ હતું, તે સાથે તેઓ ખૂબ લોકપ્રિય પણ થઈ ગયા. હંમેશાં પડકારરૂપ ભૂમિકાનો આગ્રહ રાખતા રહેલા હૉફમેને બીજા અભિનેતાઓની જેમ પડદા પરની પોતાની છબિની કદી ચિંતા કરી નહિ. પોતે પરંપરાગત નાયકો કરતાં જુદા છે એ તેમણે પ્રથમ ચિત્રમાં જ બતાવી આપ્યું હતું પણ 1969માં શ્રેષ્ઠ ચિત્રનો ઑસ્કાર મેળવનાર ‘મિડનાઇટ કાઉબૉય’ ચિત્રે તેમનો એ દાવો પ્રસ્થાપિત કરી આપ્યો હતો. 1973માં સ્ટીવ મેક્વિન સાથે તેમણે એક સત્યઘટના પર આધારિત ચિત્ર ‘પેપિયોં’માં કામ કર્યા બાદ 1974માં ખ્યાતનામ હાસ્યકલાકાર લેની બ્રુસના જીવન પરથી બનેલા ચિત્ર ‘લેની’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1976માં હૉફમેને ‘ઑલ ધ પ્રેસિડેન્ટ્સ મૅન’માં એક પત્રકારની ભૂમિકા ભજવી હતી. અમેરિકાના પ્રમુખ નિક્સનનું ‘વૉટરગેટ’ કૌભાંડ બે પત્રકારોએ બહાર પાડ્યું હતું. તેને કારણે નિક્સનને પોતાનો હોદ્દો છોડવો પડ્યો હતો. આ ઘટનાને આધારે બનેલા આ ચિત્રમાં એક પત્રકાર કાર્લ બર્નસ્ટીનની ભૂમિકા હૉફમેને ભજવી હતી. ડસ્ટિન હૉફમેન હૉલિવુડના એકમાત્ર એવા અભિનેતા છે જેમણે અભિનય કર્યો હોય એવાં ત્રણ ચિત્રો ‘મિડનાઇટ કાઉબૉય’ (1969), ‘ક્રેમર વર્સિસ ક્રેમર’ (1979) અને ‘રેઇન મૅન’(1988)ને શ્રેષ્ઠ ચલચિત્રોનો ઑસ્કાર મળ્યો હોય.

1970માં ‘લિટલ બિગ મૅન’ ચિત્રમાં તેમણે 17 વર્ષના યુવાનથી માંડીને 121 વર્ષના વયોવૃદ્ધની ભૂમિકા ભજવી હતી. બે જિંદગીના આટલા લાંબા ગાળાને પડદા પર સાકાર કરનાર અભિનેતા તરીકે તેમનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્ઝમાં નોંધાયું છે. ‘ક્રેમર વર્સિસ ક્રેમર’ (1979) અને ‘રેઇન મૅન’ (1988) માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાના ઑસ્કર મળ્યા હતા અને ‘ધ ગ્રૅજ્યુએટ’ (1968), ‘મિડનાઇટ કાઉબૉય’ (1969), ‘લેની’ (1975), ‘ટૂટ્સી’ (1983) અને ‘વેગ ધ ડૉગ’ (1997) માટે શ્રેષ્ઠ અભિનેતાનાં ઑસ્કાર નામાંકન મળ્યાં હતાં.

નોંધપાત્ર ચિત્રો : ‘ધ ગ્રૅજ્યુએટ’ (1967), ‘મેડિગન્સ મિલિયન’ (1968), ‘મિડનાઇટ કાઉબૉય’ (1969), ‘લિટલ બિગ મૅન’ (1970), ‘સ્ટ્રૅ ડૉગ્ઝ’ (1971), ‘પેપિયોં’ (1973), ‘લેની’ (1974), ‘ઑલ ધ પ્રેસિડેન્ટ્સ મૅન’ (1976), ‘સ્ટ્રાઇટ ટાઇમ’ (1978), ‘ક્રેમર વર્સિસ ક્રેમર’ (1979), ‘ટૂટ્સી’ (1982), ‘ડેથ ઑફ અ સેલ્સમેન’ (1985), ‘રેઇન મૅન’ (1988), ‘આઉટબ્રેક’ (1995).

હરસુખ થાનકી