હૉફમાન્સ્થાલ હ્યુગો વૉન (Hofmannsthal Hugo Von)

February, 2009

હૉફમાન્સ્થાલ, હ્યુગો વૉન (Hofmannsthal Hugo Von) (જ. 1 ફેબ્રુઆરી 1874, વિયેના; અ. 15 જુલાઈ 1929, રોડૉન, વિયેના) : ઑસ્ટ્રિયન કવિ, નાટ્યકાર અને નિબંધકાર. ઊર્મિકવિતાએ તેમને નામના અપાવી. નાટકોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતા કર્યા. તેમનાં ગીતોને જર્મન ઑપેરા સંગીતકાર રિચર્ડ સ્ટ્રોસે સંગીતમાં ઢાળ્યાં.

હ્યુગો વૉન હૉફમાન્સ્થાલ

પિતા બૅન્કના ડિરેક્ટરપદે હતા. તેઓ માતાપિતાનું એકનું એક સંતાન હતા. વિયેનામાં કાયદાનું શિક્ષણ લીધું. લોરિસ તખલ્લુસથી કાવ્યો પ્રસિદ્ધ કરતા. તેમનાં ઊર્મિકાવ્યોએ વિયેના અને જર્મનીમાં મોટો ચાહકવર્ગ ઊભો કર્યો. આટલી નાની વયે ઊર્મિસૌંદર્ય અને સ્વપ્નશીલ ભાષાનાં આવાં કામણ કોઈએ દીઠાં ન હતાં. ફરજિયાત લશ્કરી તાલીમ તેમણે લીધી હતી. રોમાન્સ ભાષાઓનો અભ્યાસ કરી અધ્યાપક બનવાનું સ્વપ્ન હતું. તેમણે 1901માં લગ્ન કર્યું. તેઓ સામયિકો માટે પણ લખતા.

1891થી 1899 સુધીમાં હૉફમાન્સ્થાલે લઘુપદ્યનાટકોની રચના કરી. બેલ્જિયન નાટ્યકાર મૉરિસ મેટરલિંકની પ્રબળ અસર તળે તથા રૉબર્ટ બ્રાઉનિંગની એકોક્તિઓ અને ફ્રેન્ચ કવિ આલ્ફ્રેડ દ મુસેતના ‘પ્રૉવર્બ્ઝ ડ્રામેટિક્સ’ના વાચનથી તેમણે પદ્યનાટકો લખ્યાં હતાં. ‘યસ્ટરડે’ (અનુ. 1891), ‘ધ ડેથ ઑવ્ ટિશિયન’ (અનુ. 1913), ‘ડેથ ઍન્ડ ધ ફૂલ’ (અનુ. 1913), ‘ધ લિટલ થિયેટર ઑવ્ ધ વર્લ્ડ’ (અનુ. 1897), ‘ધ વ્હાઇટ ફેન’ (અનુ. 1909), ‘મેડોના ડાયાનોરા’ (અનુ. 1916), ‘ધી એડવેન્ચર ઍન્ડ ધ સિંગર’ (અનુ. 1917–18), ‘ધ મેરેજ ઑવ્ સોબીદ’ (અનુ. 1961) પદ્યનાટકો છે. આભાસ અને વાસ્તવિકતા, સમયની અવધિ અને અનંતતા, મનુષ્યના વ્યક્તિત્વનું સતત ચાલુ રહેતું લક્ષણ અને તેના સ્વભાવના બદલાવના વિષયોને ગૂંથી લેતાં આ પદ્યનાટકો તેમની શૈલીને કારણે નોંધપાત્ર છે. જોકે પાછળથી હૉફમાન્સ્થાલે ઊર્મિસ્વરૂપનો ત્યાગ કરેલો. ‘છાન્દોસ બ્રીફ’ (1902) નિબંધમાં આ વાતનો તેમણે સ્વીકાર કર્યો છે.

હૉફમાન્સ્થાલે એલિઝાબેથના ટ્યૂડર સમયના ટૉમસ ઑટવેના ‘વેનિસ પ્રિઝર્વડ’ (1682) નાટકને ‘દાસ ગેરેટેટ વેનીડિગ’ (1904) તરીકે પ્રસિદ્ધ કર્યું હતું. ‘ઇલેક્ટ્રા’ 1903માં પ્રસિદ્ધ થયું હતું. સ્ટ્રૉસે તેનું ઑપેરા બનાવ્યું હતું. ‘ઍન્ડ્રિયાસ’ (1932) અને ‘ધ યુનાઇટેડ’ (1936) નવલકથાઓ છે. જોકે ‘ધ યુનાઇટેડ’ અધૂરી નવલકથા છે. સંગીતકાર સ્ટ્રૉસ સાથેના ઘનિષ્ઠ સંબંધને લીધે ‘ધ કૅવેલિયર ઑવ્ ધ રોઝ’ (1911), ‘એરિયાદને ઍન્ડ નેક્ષોસ’ (1912), ‘ધ વુમન વિધાઉટ અ શૅડો’ (1919), ‘હેલન ઇન ઇજિપ્ત’ (1963) અને ‘એરાબેલા’ (1933) ઑપેરા છે.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી હૉફમાન્સ્થાલે મેક્સ રીનહાર્ડત સાથે ‘સેલ્ઝબર્ગ ફેસ્ટિવલ’ સંસ્થાની સ્થાપના કરી. ‘એવરીમેન’ (1911) અને ‘ધ ગ્રેટ સેલ્ઝબર્ગ ક્રિસ્ટિનાઝ જર્નીહોમ’ (થિયેટર ઑવ્ ધ વર્લ્ડ, 1963), (1916), ‘ધી ઇનકરપ્ટિબલ’ (1956), ‘ધ ડિફિકલ્ટ મૅન’ (1963) વિયેનાની બોલીમાં લખાયેલા ઑપેરા છે. ઑસ્ટ્રિયાના સમાજનું હૂબહૂ દર્શન તેમાં થાય છે.

‘ધ ટાવર’ (અનુ. 1963) રાજકીય નાટક છે. તેમાં પશ્ચિમના સમાજને વિશ્વયુદ્ધ પછી વેરવિખેર થતો દર્શાવાયો છે. કવિ-નાટ્યકાર છેક સુધી યુરોપની પરંપરાને વળગી રહ્યા હતા. એમની કલા-અભિવ્યક્તિ સમયાંતરે વધુ ને વધુ બળૂકી થતી જતી હતી. જોકે વીસમી સદીની અંદર તેઓ પોતાની જાતને અનુકૂળ કરી શક્યા ન હતા.

વિ. પ્ર. ત્રિવેદી