હૉફમેન, જૉસેફ (જ. 15 ડિસેમ્બર 1870, પીર્નિત્ઝ, ઑસ્ટ્રિયા; અ. 1956) : ઑસ્ટ્રિયન આર્કિટેક્ટ. તેઓ વિયેનાના સ્થપતિ ઓટ્ટો વેગ્નરના વિદ્યાર્થી હતા. અંગ્રેજ સ્થપતિ વિલિયમ મૉરિસ જેઓ સ્થાપત્ય અને હુન્નરના ઐક્યના આગ્રહી હતા. તેમના આ વિચારો પર આધારિત વિયેનર વેર્કસ્ટેટ્ટ, વિયેનિઝ વર્કશૉપ(1903)ના સ્થાપકોમાંના એક હૉફમેન હતા. તેમની શૈલી આર્ટ નોવેઉ(Art Nouveau)માંથી વિકસી હતી. વિયેનાની બહાર પુર્કર્સડોર્ફ ખાતે સ્વાસ્થ્ય માટેનું ગૃહ(convalescent home, 1903)ની ડિઝાઇન તેમણે કરી હતી. ‘વિયેનીઝ હેરિટેજ’નાં લક્ષણો તેમાં જણાય છે.

જૉસેફ હૉફમેન

બ્રુસેલ્સમાં આવેલ પેલેઇસ સ્ટૉકલેટ(Palais stoclet – 1905)ની ડિઝાઇન પણ તેમણે કરી હતી. તેમાં તેમણે બહારના ભાગમાં બ્રૉન્ઝની ફ્રેમમાં સફેદ આરસનો ઉપયોગ કર્યો છે; જ્યારે અંદરના ભાગે ગુસ્ટાવ કલીમ્ટનું મોઝેકનું કામ છે. હૉફમેને તે પછી ઘણાં સમૃદ્ધ વિલા (Villus), પ્રદર્શન માટેના કેટલાંક ઑસ્ટ્રિયન પેવેલિયનો અને કેટલાક ફ્લૅટોના બ્લૉકો બાંધ્યાં. જોકે તેમનાં પ્રારંભિક બાંધકામો જ અગત્યનાં છે. 1906 અને તે પછીનાં અનેક પ્રદર્શનોમાં તેમની નિપુણતા જણાય છે.

સ્નેહલ શાહ

અનુ. થૉમસ પરમાર