હેસિયમ : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુ તત્વ. સંજ્ઞા Hs. પરમાણુક્રમાંક 108. ડર્મસ્ટેટ ખાતે SHIP (Separated heavy-ion reaction products) સુવિધાઓનો ઉપયોગ કરીને 1984માં આ તત્વનું સંશ્લેષણ કરવામાં આવ્યું હતું. પ્રક્રિયા, 208Pb (58Fe, n)265108 દ્વારા તત્વના ત્રણ પરમાણુઓ મેળવવામાં આવેલાં. તત્વના a-ક્ષયનું અર્ધઆયુ 1.8 મિ.સેકંડ માલૂમ પડ્યું છે. તે ક્ષય પામીને 261106 અને પછી 257104 તત્વો ઉત્પન્ન કરે છે. આ સમયે જ ડ્યૂબના ખાતે આ તત્વના અન્ય સમસ્થાનિકો પણ નીચેની પ્રક્રિયાઓ દ્વારા મેળવવામાં આવેલાં : 209Bi(55Mn, n)263108; 207Pb(58Fe, n)264108 અને 208Pb(58Fe, 2n)264108. ડર્મસ્ટેટ GSI પ્રયોગશાળા જર્મનીમાં જે ક્ષેત્રમાં આવેલી છે તે હેસ(Hesse)ના નામ ઉપરથી તત્વને હેસિયમ નામ આપવામાં આવેલું છે. તેના 264, 265 અને 269 દળ ધરાવતા ત્રણ સમસ્થાનિકો જાણવામાં આવ્યાં છે. જેમના અર્ધઆયુ 80 μ સેકન્ડથી 19.7 સેકન્ડ છે.

જ. દા. તલાટી