હેરિંગ : વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં ખાદ્ય માછલી તરીકે જાણીતી હેરિંગ કુળની માછલી. સાર્ડાઇન, શાડ અને અલેવાઇફ નામે ઓળખાતી માછલીઓ પણ આ જ કુળની છે, શ્રેણી ક્લુપીફૉર્મિસમાં આ પ્રકારની માછલીઓની 70 પ્રજાતિઓ (genera) મળે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પ્રદેશો સિવાયના લગભગ બધા જ સાગરોમાં હેરિંગ મળી આવે છે. વિશાળ સમૂહમાં ફરતી આ માછલીઓ એકીસાથે મોટા પ્રમાણમાં પકડાય છે. શીત અને સમશીતોષ્ણ જળમાં તેઓ ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે. જમીન ઉપરનાં સરોવરોમાં પણ તેઓ મળી આવે છે. અતિશય મત્સ્ય-પકડને કારણે હવે તેમની સંખ્યા ઘટવા માંડી છે. 1970 બાદ આ મત્સ્યો પકડવા ઉપર નિયંત્રણ મુકાતાં 1990થી હેરિંગનો જથ્થો વધવા માંડ્યો છે.

હેરિંગ

અસ્થિમત્સ્યોમાં આ માછલી આદિ સ્વરૂપની ગણાય છે. તેના મીનપક્ષો(fins)માં ટેકારૂપ કંટકોનો અભાવ છે અને એકંદરે નરમ કિરણરેસાઓ ધરાવે છે. હેરિંગમાં મોટે ભાગે ચાર ઝાલર-ફાંટ હોય છે અને સ્કંધ મીનપક્ષ (pectoral fins) ઝાલર છિદ્રની પાછળ હોય છે. શરીર ઉપરનાં ભીંગડાં શીર્ષ સિવાયના બધા જ ભાગોમાં છવાયેલાં હોય છે. કેટલાકમાં હવાકોથળી (swim bladder) અને પાર્શ્વ-રેસા (lateral lines) જોવા મળતાં નથી. આ માછલી પાર્શ્વમાં વાદળી-લીલાથી કાળાશ પડતા ચાંદીની ચમક જેવા રંગની અને વક્ષભાગમાં સફેદ હોય છે. હેરિંગનો મુખ્ય ખોરાક નાના સ્તરકવચી જીવો છે. ઘણી વાર હેરિંગનો સમૂહ 15થી 50 ચોકિમી.માં પથરાયેલો જોવા મળે છે.

હેરિંગ જીવનનો કેટલોક સમય ઊંડા પાણીમાં ગુજારે છે અને ઈંડાં મૂકવા કિનારાનાં છીછરાં પાણી તરફ ઉપરના ભાગે સ્થળાંતર (anadromous) કરે છે. માદા 20,000થી 1,85,000 ઈંડાં મૂકે છે, જે તળિયે સમુદ્રની વનસ્પતિ અને ખડકો પર છવાઈ જાય છે. નર-માછલી માદાને અનુસરે છે અને માદાએ જ્યાં ઈંડાં મૂક્યાં હોય તેને ફલિત કરે છે. થોડાંક અઠવાડિયાંમાં ઈંડાંમાંથી નાની માછલીઓ બહાર આવે છે. મોટાભાગનાં બચ્ચાં કરચલા કે હેડૉક માછલીનો ભક્ષ બને છે. કૉડ, સાલમન, પ્યુના, ડૉલ્ફિન અને દરિયાઈ પક્ષીઓનો કે મોટી હેરિંગનો પણ તે ભોગ બને છે. ચાર વર્ષે હેરિંગનાં બચ્ચાં પુખ્ત બને છે અને પાંચથી આઠમા વર્ષ દરમિયાન માદા ઈંડાં મૂકવા પ્રેરાય છે. ઈંડાં મૂકવા માછલી તેના મુકરર સ્થાને પહોંચી જાય છે. કેટલીક હેરિંગનું આયુષ્ય 20 વર્ષ જેટલું જોવા મળ્યું છે.

હેરિંગને પકડવા માટે મોટી જાળ વાપરવામાં આવે છે. એકીસાથે ઘેરીને હજારોની સંખ્યામાં તેમને પકડવામાં આવે છે. દર વર્ષે 23 મિલિયન મેટ્રિક ટન માછલીઓ પકડાય છે. આ માછલીઓ પકડવામાં રશિયા અગ્રેસર દેશ છે.

હેરિંગ માછલીના બંધારણમાં પાણી 54 %, પ્રોટીનો 19 %, ચરબી 15 % અને ઍશ (ક્ષારો) 12 % હોય છે. મત્સ્યોદ્યોગમાં પકડાયેલી માછલીને શીતાગારમાં રાખી, ખોરાક અને ખાતર માટે, તેલ કાઢવા માટે, લુબ્રિકંટ ઑઇલ તરીકે કે અન્ય ઉપયોગમાં લેવાય છે. દુનિયાના ઘણા ભાગોમાં હેરિંગ સ્વાદિષ્ટ ખાણા માટે જાણીતી છે. તેનું અથાણું કે તાજા સ્વરૂપમાં ધુણાવેલા (fumigated) સ્વરૂપમાં ખવાય છે. આ ઉપરાંત તેની ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરી વિવિધ નામે વેચાય છે. હેરિંગની લોકપ્રિયતાને કારણે સાર્ડાઇન માછલીની પણ મોટી માગ રહે છે.

સાર્ડાઇન માછલી પણ હેરિંગની એક જાત છે. તેનું વૈજ્ઞાનિક નામ Sardina pilohardus છે. તે આટલાન્ટિકના યુરોપના કાંઠે મળી આવે છે. જાપાન, ચિલી, કૅલિફૉર્નિયા અને દક્ષિણ આફ્રિકાના કાંઠે Sardina sagax નામની આર્ડાઇન મળી આવે છે. તેનાં અસ્થિકંકાલ નરમ હોવાથી આખી માછલીને તેલમાં સાચવી શકાય છે.

શાડ નામે ઓળખાતી હેરિંગની પ્રજાતિ Alosa છે અને તે ઉત્તર આટલાંટિકના બંને કિનારે મળી આવે છે. તે વસંતઋતુ કે શરૂઆતના ઉનાળા દરમિયાન પ્રજનન કરે છે. આ માછલી કદમાં 75 સેમી.ની અને વજન 3.6 કિગ્રા. ધરાવે છે.

એન્કોવિસ એક હેરિંગની જાત છે. તે સલાડ અને પિઝામાં વપરાય છે. તેનું માંસ નરમ અને તેલયુક્ત હોય છે. તે ભૂમધ્ય સમુદ્ર અને યુરોપના કાંઠે મળી આવે છે. તેનું શાસ્ત્રીય નામ Engraulis encrasicholus છે.

એલીવાઇફ હેરિંગની જાતની માછલી છે. તે મીઠા તેમજ સમુદ્રના ખારા પાણીમાં પણ મળી આવે છે. તે પશ્ચિમ આટલાંટિકના નૉવાસ્કૉશિયાથી ફ્લૉરિડા સુધીના ખારા કે મીઠા પાણીમાં મળી આવે છે. મીઠા પાણીના સરોવરની માછલી કદમાં 8થી 15 સેમી. લાંબી હોય છે. ખારા પાણીની એલીવાઇફ 38 સેમી. જેટલી હોય છે. તેનું વૈજ્ઞાનિક નામ Alosa Pseudoharengas છે.

હેરિંગની જે મુખ્ય જાત આટલાંટિકમાં મળી આવે છે તેનું વૈજ્ઞાનિક નામ Clupea harengus છે અને જે પૅસિફિક મહાસાગરમાં મળી આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ Clupea pallasii છે.

રા. ય. ગુપ્તે