હૅમિલ્ટન (Hamilton) : (1) ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 45´ દ. અ. અને 142° 02´ પૂ. રે.. તે મેલબૉર્નથી પશ્ચિમ તરફ આશરે 200 કિમી. અંતરે ગ્રેન્જ બર્ન નદીના કાંઠે વસેલું છે. તેની આજબાજુના પ્રદેશમાં ઢોર અને ઘેટાંનો ઉછેર થાય છે. અહીં ધાન્ય તેમજ તેલીબિયાંના કૃષિપાકો ઉગાડાય છે. શહેરમાં ઊનને ઘસીને લીસું બનાવવાના એકમો આવેલા છે. આ ઉપરાંત અહીં આધુનિક કતલખાનાં, હલકી ચીજવસ્તુઓ બનાવવાના તેમજ અન્ય સેવા આપતા એકમો આવેલા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે અહીં કલાદીર્ઘા (Art Gallery), વનસ્પતિ ઉદ્યાનો અને કૃત્રિમ જળાશયો ઊભાં કરવામાં આવેલાં છે.

1836માં અહીં સર થૉમસ મિશેલ આવેલો, તેણે અહીંની નદીને ગ્રેન્જ બર્ન નામ આપેલું, ત્યારે આજનું હૅમિલ્ટન ‘ધ ગ્રેન્જ’ નામથી ઓળખાતું હતું. 1863માં અહીં નગરપાલિકા રચાઈ. 1949માં વિકસીને મોટું શહેર બનવાથી તે મ્યુનિસિપાલિટી ધરાવતું શહેર બનેલું છે. આ શહેરની વસ્તી 1991 મુજબ 1,15,000 જેટલી છે.

પ્રવાસી વિહારધામ : ગ્રેટ બેરિયર રીફ

(2) હૅમિલ્ટન ટાપુ : ઑસ્ટ્રેલિયાના ઉત્તર ક્વીન્સલૅન્ડના કાંઠાથી દૂર આવેલો ટાપુ. તે ગ્રેટ બેરિયર રીફના કુમ્બરલૅન્ડ ટાપુસમૂહ(20° 45´ દ. અ. અને 149° 30´ પૂ. રે.)માં આવેલો છે. તે ટાઉન્સવીલેથી દક્ષિણે 270 કિમી. અંતરે તથા મૅકાયથી ઉત્તરમાં 80 કિમી. અંતરે આવેલો છે. આ ટાપુને પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવ્યો છે; તેમાં વન્યજીવન ઉદ્યાન, વિહારધામ, રમતગમત માટેની ક્લબ, તરણસ્થાનો, રેસ્ટોરાં, દુકાનો જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 1984માં ખુલ્લી મુકાયેલી અહીંની હવાઈપટ્ટી ખાતે જેટ હવાઈ વિમાન માટે ઉતરાણની વ્યવસ્થા પણ છે.

M. S. સાલામાન્ડરના કૅપ્ટન બ્રિટિશ કમાન્ડર જ્યૉર્જ નરીસ દ્વારા આ વિસ્તારનું સર્વેક્ષણ કરવામાં આવેલું, ત્યારે 1866માં તૈયાર કરાયેલા નકશા પર સર્વપ્રથમ વાર આ ટાપુ હોવાનું નજરે પડેલું. 1930માં મૅકડોનાલ્ડ નામના એક ડૉક્ટરે તેનો ચરિયાણના સ્થળ તરીકે ઉપયોગ કરવા માટે પરવાનો મેળવેલો ત્યાં સુધી આ ટાપુ નિર્જન રહેલો. 1951 સુધી ડૉક્ટરે તેનો ઉપયોગ કરેલો. તે પછી પર્સી મુડીએ અને 1975માં કીથ વિલિયમ્સે (ક્વીન્સલૅન્ડનો વેપારી) તેનો પરવાનો હરણનો ધંધાદારી વિકાસ કરવાના હેતુથી મેળવેલો. 1979માં રાજ્ય સરકારે તેને પ્રવાસી વિહારધામ તરીકે વિકસાવવા મંજૂરી આપી છે.

(3) હૅમિલ્ટન : કૅનેડાના ઑન્ટેરિયો રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 15´ ઉ. અ. અને 79° 51´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરને પશ્ચિમ છેડે આવેલું બંદર પણ છે તથા તે ઑન્ટેરિયો સરોવર સાથે બર્લિંગ્ટન નહેરથી જોડાયેલું છે, એટલું જ નહિ તે સેન્ટ લૉરેન્સ દરિયાઈ માર્ગને પણ સાંકળે છે.

આ શહેર કૅનેડિયન પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર છે. હૅમિલ્ટનમાં આવેલા પોલાદના એકમો રાષ્ટ્રના પોલાદનું આશરે
50 % ઉત્પાદન કરે છે. આ ઉપરાંત અહીં જળવિદ્યુત એકમો, ભારે યંત્રસામગ્રીના એકમો, વીજળી, રસાયણો અને કાપડના એકમો પણ આવેલા છે.

મેટ્રોપૉલિટન હૅમિલ્ટન વિસ્તારની વસ્તી 6,62,401 (2001) જેટલી તથા શહેરની વસ્તી 2001 મુજબ 4,90,268 જેટલી છે. અહીંના 70 % લોકો કૅનેડામાં જ જન્મેલા છે, 60 % લોકોના પૂર્વજો મૂળ બ્રિટિશ છે, આશરે 8 % લોકો ઇટાલિયન છે. આ સિવાય કેટલાક જર્મનો તો કેટલાક પોલૅન્ડના લોકો પણ વસે છે.

(4) હૅમિલ્ટન : ઍટલૅન્ટિક મહાસાગરમાં આવેલા બરમુડાનું પાટનગર તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 32° 17´ ઉ. અ. અને 64° 46´ પ. રે.. તે બરમુડા ટાપુના મધ્ય કાંઠા પર આવેલું છે.

પ્રવાસી વિહારધામ

અહીં જુદા જુદા રંગવાળી ઘણી ઇમારતો છે, મોટા ભાગની ઇમારતો ત્રણ માળવાળી છે. ફ્રન્ટ સ્ટ્રીટ અહીંની મુખ્ય શેરી છે. આ શેરી પર ઊંડું દરિયાઈ બારું આવેલું છે. મોટાં સફરી જહાજો પણ અહીં આવીને લાંગરે છે. આ શેરી પર ઘણી દુકાનો પણ આવેલી છે. અહીં લોકપ્રિય વિહારધામ પણ છે. હૅમિલ્ટનનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસન ઉદ્યોગ પર નભે છે. અન્ય પ્રવાસી આકર્ષણોમાં આલ્બૉય પૉઇન્ટ (રૉયલ બરમુડા નૌકાક્રીડા ક્લબનું સ્થળ), પાર-લા-વિલે ગાર્ડન, બરમુડાના ભૂતકાળની ઘણી ચીજવસ્તુઓ રજૂ કરતી બરમુડા હિસ્ટોરિકલ સોસાયટીનો સમાવેશ થાય છે.

હૅમિલ્ટનની સ્થાપના 1790માં થયેલી. 1815માં હૅમિલ્ટનને પાટનગર બનાવવામાં આવ્યું, તે અગાઉ બરમુડાના ઉત્તર છેડે આવેલું સેન્ટ જ્યૉર્જ પાટનગર હતું. હૅમિલ્ટનની વસ્તી 2000 મુજબ 969 જેટલી છે.

(5) હૅમિલ્ટન : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 47´ દ. અ. અને 175° 17´ પૂ. રે.. તે વૈકાતો નદીના બંને કાંઠાઓ પર વસેલું છે. બંને કાંઠા પરના શહેરી વિભાગો પાંચ પુલો અને એક રેલવે પુલથી સંકળાયેલા છે.

શહેરની આજુબાજુનો પ્રદેશ વૈકાતો નદીએ રચેલો સમૃદ્ધ ખેતીનો પ્રદેશ છે. આ કારણે હૅમિલ્ટન ન્યૂઝીલૅન્ડમાં થતી ખેતીનું તેમજ અન્ય પેદાશો માટેનું વિતરણ કેન્દ્ર બની રહેલું છે, કૃષિમેળા પણ અહીં જ ભરાય છે.

1970માં ન્યૂઝીલૅન્ડમાં ટે રાપા ખાતે મોટામાં મોટું રેલ માર્શલિંગ યાર્ડ શરૂ થયેલું છે, તે 32 હેક્ટર ભૂમિને આવરી લે છે. અહીં અગ્નિકોણમાં આવેલું રોટોરુઆ સરોવર નૌકાક્રીડા (સ્પર્ધા) માટે અને વૈકાતો નદી જળક્રીડા માટે ઉપયોગમાં લેવાય છે, ત્યાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

વૈકાતો પ્રદેશના મહાનગરનું દૃશ્ય

વિક્ટોરિયા સ્ટ્રીટ આ શહેરનો મુખ્ય વ્યાપારી વિભાગ છે. અહીં બે કેથીડ્રલ, પુસ્તકાલય, થિયેટર, કલા-સંગ્રહાલય અને ખાનગી કલાદીર્ઘાઓ તેમજ વિશાળ વૈકાતો હૉસ્પિટલ આવેલાં છે. શહેર ખાતેની 50 હેક્ટર ભૂમિ પર વૈકાતો યુનિવર્સિટી અને હૅમિલ્ટન ટીચર્સ કૉલેજ પથરાયેલી છે. શહેરના મધ્યભાગમાં વૈકાતો ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ છે.

આ શહેરનું નામ હૅમિલ્ટન બ્રિટિશ નૌકા અફસર જ્હૉન હૅમિલ્ટને આપેલું છે. ઉત્તર ટાપુના પૂર્વ કિનારા પર આવેલા તૌરંગા નજીક ગેટ પા ખાતે થયેલી માઓરિસ સામેની લડાઈમાં જેઓ મૃત્યુ પામેલા તે પૈકીનો હૅમિલ્ટન પણ એક હતો. 2001 મુજબ તેની વસ્તી 1,66,128 જેટલી છે.

(6) હૅમિલ્ટન : સ્કૉટલૅન્ડના દક્ષિણ લનાર્કશાયરમાં આવેલું નગર. સ્કૉટલૅન્ડના સ્ટ્રેથક્લાઇડ વિસ્તારનો સ્થાનિક સરકારી પ્રાંત. ભૌગોલિક સ્થાન : 55° 47´ ઉ. અ. અને 4° 03´ પ. રે.. તે ગ્લાસગોથી અગ્નિકોણમાં અને એડિનબરોથી નૈર્ઋત્યમાં આવેલું છે. આ નગર પ્રાંતનું વહીવટી મથક પણ છે.

અહીં ફળો ઉગાડવાની કૃષિપ્રવૃત્તિ મુખ્ય છે. અહીંના ઔદ્યોગિક એકમોમાં કાપડ ઉદ્યોગ, રસાયણો તથા હલકા વજનની ઇજનેરી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો તેમજ વીજાણુ યંત્રસામગ્રીનો સમાવેશ થાય છે. પ્રાંતમાં આવેલાં મુખ્ય શહેરોમાં હૅમિલ્ટન ઉપરાંત લાર્ખાલ અને બ્લેન્ટાયરનો સમાવેશ થાય છે. 1991 મુજબ પ્રાંતની વસ્તી 1,05,202 જેટલી તથા નગરની વસ્તી 49,991 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા