હીકેલ, અર્ન્સ્ટ (Haeckel Ernst) (જ. 16 ફેબ્રુઆરી 1834, પોટ્સડેમ, પ્રુસિયા; અ. 9 ઑગસ્ટ 1919, જેના, જર્મની) : જર્મન પ્રાણીશાસ્ત્રી અને પુનર્જન્માન્તરવાદ(theory of recapitulation)-ના પુરસ્કર્તા. આ વાદ મુજબ દરેક પ્રાણીના ગર્ભવિકાસના તબક્કામાં તેના સમૂહના વિકાસનું પુનરાવર્તન થાય છે (ontogeny recapitulates phylogeny). તેઓ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પ્રખર પુરસ્કર્તા તરીકે જાણીતા છે. કાર્લ અને શેર્લોટી સેથે હીકેલના નાના પુત્ર. તેમનો ઉછેર મેર્સબર્ગમાં થયો. ત્યાં તેમના પિતા સરકારી વકીલ હતા. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં તેમને નિસર્ગને લગતાં પુસ્તકોના વાચનનો શોખ લાગ્યો. પ્રવાસની સાથે ગટેનાં લખાણ અને ડાર્વિનના ‘બીગલ’ જહાજની સાહસિક સફરના વૃત્તાંતથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તેને અનુસરીને તેઓ પોતે પણ વનસ્પતિના નમૂનાઓ એકઠા કરી ‘હર્બેરિયમ’ બનાવવા માંડ્યા. જેના યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા ત્યાં તેમને એકાએક સંધિવાતનો હુમલો થયો અને પરિણામે અભ્યાસ છોડી માતાપિતા પાસે ઘેર આવવું પડ્યું. ત્યાર પછી તેમને તબીબી અભ્યાસ માટે વુર્ઝબર્ગ અને યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં દાખલ કર્યા. ત્યાં તેમને શરીરશાસ્ત્ર અને શરીરદેહધર્મક્રિયાના પ્રખ્યાત પ્રોફેસર જોહનિસ મ્યુલરનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. તેમની સાથે સમુદ્ર પરની નાની જીવાતોના અભ્યાસનો પણ લાભ તેમને મળ્યો.

સામુદ્રિક જીવોના અભ્યાસના અનુભવો ઉપરથી હીકેલ પ્રાણીશાસ્ત્રના અભ્યાસ પ્રત્યે આકર્ષાયા; પરંતુ તેમણે તબીબીશાસ્ત્રનો અભ્યાસ ચીવટપૂર્વક પૂર્ણ કર્યો (1857) અને વ્યવસાય પણ શરૂ કર્યો. તે ઇટાલી ગયા અને ચિત્રકલાનો શોખ કેળવ્યો, તેમણે મેસિના ખાતે પ્રજીવોનો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે રેડિયોલેરિયા વર્ગના પ્રજીવો બિલકુલ સ્ફટિક-સ્વરૂપનું શરીર ધરાવે છે. તેમણે તેમાંથી એવું તારવ્યું કે પ્રજીવો એકાએક અકાર્બનિક પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે. એ રીતે અજીવમાંથી જીવ ઉત્પન્ન થાય છે એવા ખોટા ખ્યાલો ઉપર તે ઊતરી ગયા હતા.

અર્ન્સ્ટ હીકેલ

હીકેલની વિચારસરણીમાં મોટો ફેરફાર ડાર્વિનના લેખો દ્વારા થયો. ‘પ્રાકૃતિક પસંદગી દ્વારા જાતિઓનો ઉદભવ’ (‘Origin of species by means of natural selection’) નામનું ડાર્વિનનું પુસ્તક 1859માં પ્રકાશિત થતાં તેઓ પ્રાણીશાસ્ત્રના અભ્યાસમાં ઊંડો રસ દાખવવા માંડ્યા. 1861માં પ્રાણીશાસ્ત્ર ઉપર સંશોધનલેખ (dissertation) તૈયાર કર્યો અને જેના યુનિવર્સિટીમાં પ્રાણીશાસ્ત્રના વ્યાખ્યાતા પણ બન્યા. 1862 ઍસોસિયેટ પ્રોફેસર બન્યા. રેડિયોલેરિયા ઉપરના પુસ્તકમાં તેમણે ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ સાથે પોતે સહમત છે એવું લખ્યું છે. ત્યાર બાદ તેમણે ડાર્વિનવાદને ટેકો આપતાં વ્યાખ્યાનો પણ આપ્યાં. 1865માં તેઓ પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર બન્યા, જે પદ તેમણે 1909 પર્યંત, નિવૃત્ત થયા ત્યાં સુધી જાળવ્યું. તેમણે 1866માં ‘જનરલ મૉર્ફોલૉજી ઑવ્ ઑર્ગેનિઝમ’માં ઉત્ક્રાંતિ અંગેના પોતાના ખ્યાલો આપ્યા. તેઓ પોતાના વિચારો અને માન્યતાઓ વિશે દૃઢ હતા; છતાં વર્ગીકરણ, આનુવંશિકતા, પુનર્જન્માન્તરવાદ જેવા વિષયોમાં તેમણે રજૂ કરેલા વિચારો તેમના જમાના કરતાં ઘણા આગળ હતા.

પ્રખર પ્રાણીશાસ્ત્રી તરીકે તેઓ સન્માન પામ્યા અને વિવિધ ક્ષેત્રોના લોકો તેમની તરફ આકર્ષાયા. તેમણે જેના ખાતે તેમના સંગ્રહ કરેલા નમૂનાઓનું સંગ્રહસ્થાન સ્થાપ્યું. તેમના લેખો, પુસ્તકો, ભેટો વગેરેનો સંગ્રહ તેમણે ‘અર્ન્સ્ટ હીકેલ હાઉસ’માં જાળવી રાખ્યો છે. 1919માં જેના ખાતે 85 વર્ષની ઉંમરે અવસાન પામ્યા.

રા. ય. ગુપ્તે