હાઇફૉંગ : ઉત્તર વિયેટનામમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 20° 52´ ઉ. અ. અને 106° 41´ પૂ. રે.. તે પાટનગર હેનોઈથી પૂર્વમાં 90 કિમી.ને અંતરે રોડ રીવર(જૂનું નામ સાંગહાંગ)થી ઈશાનમાં સાંગ નદીના ફાંટા પર તથા ટૉંકિનના અખાતના કિનારાથી 16 કિમી.ને અંતરે આવેલું છે. તે હેનોઈ પછીના બીજા ક્રમે આવતું વિયેટનામનું મોટું શહેર, દરિયાઈ બંદર, ઉત્પાદક મથક તથા પ્રાંતીય વહીવટી વિભાગનું મથક છે. હેનોઈ માટે ઊંડા જળના બારા તરીકે તે ઉપયોગમાં લેવાય છે.

અહીંના ઉદ્યોગોમાં વીજ-ઉત્પાદન, ખાદ્યપ્રક્રમણ, સિમેન્ટ, ફૉસ્ફેટ, ચિનાઈ માટીનાં પાત્રો, કાચ, કાપડ અને જહાજી બાંધકામનો સમાવેશ થાય છે. 1954 પછીથી રશિયા અને ચીનની સહાયથી અહીં ઘણા નવા ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવેલા છે. તે રેલમાર્ગનું અંતિમ મથક હોવાથી આ વિસ્તારમાં થતી પેદાશો રેલમાર્ગ દ્વારા આ બંદર ખાતે પહોંચાડવામાં આવે છે તેમજ આયાતી ચીજવસ્તુઓની હેરફેર પણ અહીંથી જ થાય છે.

1874માં તેને દરિયાઈ બંદર બનાવાયું છે, ફ્રેન્ચ વસાહતી કાળગાળા દરમિયાન તેનો વેપાર-વાણિજ્યના હેતુથી બંદર તરીકે વિકાસ કરવામાં આવેલો. તાપવિદ્યુતમથકની ઊર્જાની મદદથી તેને ઔદ્યોગિક મથક બનાવવામાં આવેલું છે.

હાઇફૉંગની ફ્રેન્ચ વસાહતી શાસનકાળ વખતની ઇમારત : ઑપેરા હાઉસ

વિયેટનામના યુદ્ધ દરમિયાન જરૂરી લશ્કરી ચીજવસ્તુઓ-સાધનસામગ્રીની હેરફેર માટે તેને ઉત્તર વિયેટનામના મુખ્ય બંદર તરીકે વધુ વિકસાવવામાં આવેલું છે. 1970ના દસકામાં યુ.એસ. દ્વારા થયેલા બૉંબમારાથી આ શહેરને ભારે તારાજી વેઠવી પડેલી; પરંતુ પછીથી તેનું પુનર્નિર્માણ કરાયું છે. ઉત્તર વિયેટનામે 1975માં દક્ષિણ વિયેટનામને હરાવ્યું અને 1976માં બંને વિયેટનામ ભેળવી દેવાયાં. આમ વિયેટનામ એક અખંડ રાષ્ટ્ર બન્યું છે.

વસ્તી : 1999 મુજબ તેની વસ્તી 16,73,000 છે.

ગિરીશભાઈ પંડ્યા