હાઇફીની : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી (પામી) કુળની તાડ-પ્રજાતિ. તે આશરે 30 જાતિઓ ધરાવે છે; જે આફ્રિકા, માડાગાસ્કર, અરેબિયા, મૅસ્કેરિનના દ્વીપો અને ભારતમાં વિતરણ પામેલી છે. ભારતમાં બે જાતિઓ થાય છે.

Hyphaene thebaica Mart. (ઇજિપ્શિયન ડાઉમ પામ) દ્વિગૃહી (dioecious), યુગ્મશાખી (dichotomous), 12 મી. જેટલી ઊંચી તાડની જાતિ છે. તે ઇજિપ્તની મૂલનિવાસી છે અને ભારતના ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. પર્ણો મોટાં, પંખા આકારનાં, પાણિવત્ છેદનવાળાં અને શાખાની ટોચ ઉપર એકત્રિત થયેલાં હોય છે. પુષ્પો નાનાં, પીળા રંગનાં અને 1.2 મી. જેટલી લાંબી શાખિત માંસલ શૂકી (spadix) પર ગોઠવાયેલાં હોય છે. માંસલ શૂકીને કેટલાંક નળાકાર કાષ્ઠમય પૃથુપર્ણો (spathes) ઢાંકે છે. ફળ અષ્ઠિલ પ્રકારનું, ત્રાંસું, અંડાકાર કે લંબચોરસ ગાંઠોવાળું, ચળકતું બદામી અને ટપકાંવાળું હોય છે. તેનું મધ્ય ફલાવરણ (mesocarp) રેસામય હોય છે. બીજ અંત: ફલાવરણ સાથે જોડાયેલું અને અંડ-શંકુ આકારનું(ovate-conical) હોય છે. ભ્રૂણપોષ (endosperm) અતિકઠણ અને સુગંધિત હોય છે.

તાડનું સ્વરૂપ – Hyphaene thebaica

તે વિપુલ રેતીવાળી ગોરાડુ જમીનમાં થાય છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. ભેજવાળાં સ્થળો પર તેની વૃદ્ધિ અને પ્રજનન પ્રચુરતાથી થાય છે. શુષ્ક પરિસ્થિતિમાં ફળો નાનાં ઉત્પન્ન થાય છે.

ફળનું મીઠું, માંસલ અને રેસામય ફલાવરણ આછા કેસરી રંગનું હોય છે અને આદુંની સુવાસવાળી ગોળની રસી જેવો સ્વાદ ધરાવે છે. તે ખાદ્ય હોય છે. આફ્રિકામાં તેને દળીને પૂરીઓ અને માંસની મીઠાઈઓ તથા તેના કાઢાનો શરબત બનાવવામાં ઉપયોગ થાય છે. કાચા મીંજને દળીને તેનો બાજરીની અવેજીમાં ઉપયોગ કરવામાં આવે છે. થડ સાબુદાણા બનાવવા માટેનો રસ ધરાવે છે. કાચી અગ્રકલિકાઓ પણ ખાવામાં ઉપયોગી છે. બીજાંકુરનો ભૂમિગત ભાગ પણ ખાદ્ય હોય છે. ઊંટ તેનાં કોમળ પર્ણો ખાય છે.

ફળ સંકોચક (astringent) અને કૃમિઘ્ન (anthelmintic) ગુણધર્મો ધરાવે છે. મૂળનો ઉપયોગ રક્તમેહ(haematuria)માં થાય છે. લોહી, પરુ, મળ વગેરેના શરીરમાંથી થતા નિષ્ક્રમણ (flux) માટે ફળમાંથી બનાવેલી રોટલી આપવાની ભલામણ કરવામાં આવે છે.

સખત ફલાવરણનો ઉપયોગ જપમાળાના મણકા, પડદાની રિંગો, અત્તર અને છીંકણીની પેટીઓ બનાવવામાં થાય છે. મીંજ વાનસ્પતિક હાથીદાંત તરીકે બટન બનાવવામાં ઉપયોગી છે. મીંજની બનાવટો પર સ્કોલિટિડ (scolytid) ભમરો, Coccotrypes dactyliperda આક્રમણ કરે છે. કૅલ્શિયમ સાઇનાઇડના ધૂમન (fumigation) અને BHCની ચિકિત્સા દ્વારા તેનું નિયંત્રણ કરી શકાય છે. પાકા ફળનો ઉપયોગ ચામડાને કાળા રંગથી રંગવા માટેના રંગોના એક ઘટક તરીકે થાય છે.

અન્ય તાડની જેમ તેનાં પર્ણોનો છાપરાં, સાદડીઓ, ટોપાઓ, કોથળીઓ, ટોપલાઓ વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. પર્ણો અને મૂળમાંથી પ્રાપ્ત થતા રેસા દોરડાં અને માછલીઓ પકડવાની જાળ બનાવવામાં ઉપયોગી છે.

કાષ્ઠ કાળા લિસોટાઓવાળું આછા બદામી રંગનું હોય છે. આડા છેદમાં આ લિસોટાઓ ટપકાંના સ્વરૂપે જોવા મળે છે. તે દૃઢ, સઘન અને ભારે હોય છે. તેનો ઉપયોગ સ્તંભો, પાટડાઓ, બારણાં, રાચરચીલું, ઘરાળુ વાસણો, પાણીની પાઇપો, હોડકાં વગેરે બનાવવામાં થાય છે. પર્ણના ગરમાંથી સારી ગુણવત્તાવાળો કાગળ પ્રાપ્ત થાય છે; પરંતુ તેના ગરનું ઉત્પાદન ઓછું હોય છે. કાષ્ઠના ગરની ગુણવત્તા હલકી હોય છે.

indica Becc (રાવણતાડ, દીવતાડ, ઇન્ડિયન ડાઉમ પામ) ઇજિપ્શિયન ડાઉમ પામ સાથે ગાઢ રીતે સંબંધિત સ્થાનિક જાતિ છે અને કેટલાક વિજ્ઞાનીઓ બંનેની ઓળખ બાબતે ગૂંચવાય છે. તે ભારતના પશ્ચિમ કાંઠે દક્ષિણ ગુજરાત, દમણ, દીવ અને કંઈક અંશે સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોવા મળે છે. આ તાડ હવે નષ્ટપ્રાય થતો જાય છે. તે શાખિત હોવાથી અનેક માથાંવાળો તાડ હોય તેવું દેખાય છે.

મીનુ પરબીઆ, દિનાઝ પરબીઆ

બળદેવભાઈ પટેલ