હનુમાન : રામાયણકથાનું એક મહત્વનું અમર પાત્ર. સુમેરુના વાનરરાજ કેસરી અને અંજનીના મહાન પુત્ર. કિષ્કિન્ધાના વાનરરાજ સુગ્રીવના ચતુર સચિવ. અયોધ્યાનરેશ દશરથના પુત્રકામેષ્ટિ યજ્ઞમાંથી મળેલ પવિત્ર પાયસનો એક ટુકડો સમડી ઉપાડી ગઈ જે પવનના જોરથી ચાંચમાંથી તપ કરતી અંજનીની અંજલિમાં પડ્યો. તે પવનપ્રસાદ સમજી ખાઈ જતાં તેમાંથી પરાક્રમી હનુમાન જન્મ્યા. ઊગતા સૂર્યને આરોગવા આકાશમાં ઊડેલો બાળક ઇન્દ્રના વજ્રથી તૂટી ગયેલી દાઢી (= હનુ, હનૂ)વાળો નિશ્ર્ચેષ્ટ થઈ પડ્યો. વિલાપ કરતા વાયુને મનાવવા આવેલ દેવોના વરદાન વડે તે બાળક બલિષ્ઠ બની ગયો. તોફાનથી ત્રસ્ત ઋષિઓના શાપથી કુંઠિત શક્તિવાળા તેઓ સ્વસામર્થ્યને વીસરી ગયેલા, પણ ઉચિત સમયે જામ્બુવાને સામર્થ્યનું સ્મરણ કરાવતાં પાછા તેઓ પરાક્રમી બની ગયેલા.

શૌર્યપરાક્રમ : આ હનુમાને સીતાશોધમાં સમુદ્ર આકાશમાર્ગે ઓળંગ્યો. દરમિયાન સિંહિકા અને લંકાદેવીને હરાવી સીતાને પીઠ પર બેસાડી લઈ જવાની તત્પરતા બતાવી. યુદ્ધ દરમિયાન બે વાર દ્રોણગિરિને ઉપાડી લાવ્યા. રાવણપુત્ર અક્ષ ઉપરાન્ત જામ્બુમાલી, ધૂમ્રાક્ષ, અકમ્પન, નિકુલી જેવા રાક્ષસવીરોને હણ્યા. અશોકવનનો ધ્વંસ કર્યો, લંકા બાળી. રાવણને પણ મૂર્ચ્છિત કર્યો. શ્રીરામે કાલ, ઇન્દ્ર, વિષ્ણુ અને કુબેર જેવા ન કરી શકે તેવાં પરાક્રમો કરનારા તરીકે તેમને નવાજેલા.

આદર્શ સચિવ : આ હનુમાને શ્રીરામ સાથે સુગ્રીવને મિત્રતા કરાવી; એટલું જ નહિ, પણ વિષયોપભોગમાં કર્તવ્ય ભૂલેલા સુગ્રીવને ફરજનું ભાન કરાવ્યું.

નિપુણ વાક્ચતુર દૂત : સુગ્રીવે રામ-લક્ષ્મણ મિત્ર છે કે શત્રુ તે જાણવા તેમને મોકલેલા. તેમના વાક્ચાતુર્ય અને બુદ્ધિમત્તાથી પ્રભાવિત શ્રીરામે વિજયસંદેશ લઈને સીતા પાસે લંકામાં અને આગમનની જાણ કરવા ભરત પાસે અયોધ્યામાં તેમને મોકલ્યા હતા. આમ અત્યન્ત નાજુક પરિસ્થિતિમાં રામના વિશ્વસનીય દૂત તેઓ બનેલા.

હનુમાન

દૂરદર્શી બુદ્ધિમત્તા : રાવણાનુજ વિભીષણને આશ્રય આપવાની વિરુદ્ધ સુગ્રીવાદિ હતા, પણ હનુમાને આશ્રય આપવો યોગ્ય છે એવી સ્પષ્ટ સલાહ આપી અને રામે તે માન્ય રાખી.

નૈષ્ઠિક બ્રહ્મચારી : રાવણના મહેલમાં વિશ્રબ્ધ થઈને ઊંઘતી સુન્દરીઓને જોઈને તેમના મનમાં કોઈ વિકાર અનુભવ્યો નહિ; પરંતુ લંકાદહન પછી પુચ્છને સમુદ્રમાં બોળ્યું ત્યારે પરસેવાનું બિન્દુ એક મગરી ગળી ગઈ અને તેમાંથી મકરધ્વજ ઉત્પન્ન થયો જે હનુમાનનો પુત્ર ગણાયો !

આદર્શ ભક્ત : રામદરબારમાં સીતાએ ભેટ આપેલ અમૂલ્ય હારનો એકેએક મણકો તોડી નાખ્યો અને જ્યાં રામ ન હોય તેવી કોઈ વસ્તુ ન ખપે એવી ઘોષણા તેમણે કરી તથા પોતાની છાતી ચીરીને હૃદયમાં રહેલ રામ-સીતાનાં દર્શન કરાવ્યાં એવી રોચક કથા વિવિધ રામાયણોમાં આપેલી છે. શ્રીરામે તેમને આદર્શ સેવક કહેલા. સેવક તરીકે નમ્રતા, નિરભિમાનતા અને દીનતાના ગુણો એમને વરેલા હતા. તેઓ પોતે પણ શૌર્યાદિ ગુણો કરતાં સેવકત્વને જ વધારે મહત્વ આપતા. આજે પણ લોકો તેમને ભક્તરાજ તરીકે જ ઓળખે છે, જાણે અન્ય ગુણો ભક્તિની જ નીપજ હોય !

પાંડિત્ય : તેમણે સાક્ષાત્ સૂર્યનારાયણ પાસેથી શાસ્ત્રજ્ઞાન મેળવેલું. ‘મહાનાટક’ કે ‘હનુમન્નાટક’ના તેઓ કર્તા લેખાય છે; પરંતુ તે તો પછીનો ગ્રન્થ છે.

સંગીતપ્રવર્તક : તેઓ સંગીતશાસ્ત્રના એક પ્રધાન પ્રવર્તક ગણાયા છે. ‘આંજનેય સંહિતા’ કે ‘હનુમત્સંહિતા’ એમનો ગ્રંથ હોય એમ લાગે છે. તાંજોરનરેશ રઘુનાથે હનુમાનનો આ ગ્રંથ જોયેલો એવો સ્પષ્ટ ઉલ્લેખ સ્વગ્રન્થ ‘સંગીતસુધા’માં કરેલો છે. સંત રામદાસે પણ હનુમાનને ‘સંગીતજ્ઞાનમહંત’ કહ્યા છે.

નાથ સમ્પ્રદાયના 12 ઉપપંથોમાંના ‘ધ્વજનાથપંથ’ના પણ હનુમાન પ્રવર્તક મનાય છે.

હનુમાન વાનર નહિ પણ આદિવાસી હતા. સિંગભૂમના ભૂઈયા જાતિના લોકો પોતાને ‘હનુમંત’ના વંશજ ગણે છે. હલમાન અને બજરંગ  એ ગોત્રો આદિવાસીઓમાં હોય છે.

જયન્ત પ્રે. ઠાકર