હનીફ, મોહમંદ (જ. 1934, જૂનાગઢ, ભારત) : સૌથી નાની વયે ટેસ્ટ મૅચ રમવાનો વિક્રમ નોંધાવનારા પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી, શ્રેષ્ઠ બૅટ્સમૅન અને પૂર્વ કપ્તાન. ટેસ્ટમાં રમનારા 5 ભાઈઓમાંના તે એક છે. પ્રથમ કક્ષાની મૅચમાં રમવાનો પ્રારંભ તેમણે કરાંચીમાં કર્યો. 16 વર્ષની વયે. 1957–58માં વેસ્ટ ઇંડિઝ સામે તેમણે 970 મિનિટમાં 337 રન કર્યા હતા.

મોહમંદ હનીફ

 1959માં ભાવલપુર સામે તેમણે વિશ્વવિક્રમ રૂપે 499 રન ખડક્યા હતા. તેમણે ટેસ્ટ-કારકિર્દીનો પ્રારંભ કર્યો 17 વર્ષની વયે. તે કુલ 55 ટેસ્ટ મૅચ રમ્યા. તેમણે 3,915 રન નોંધાવ્યા. 1964 અને 1967 દરમિયાન તેમણે 11 વખત પાકિસ્તાન તરફથી સુકાનીપદ સંભાળ્યું હતું.

મહેશ ચોકસી